મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આજરોજ સરકારી વિનયન અને વાણિજય કોલેજ કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા કઠલાલ તાલુકાના અનારા ગામ ખાતે આયોજીત સાત દિવસીય નિવાસી ગ્રામ શિબિર અંતર્ગત દિવસની શરૂઆત પ્રભાત ફેરીથી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વયંસેવકો દ્વારા ધર્મ નિરપેક્ષતાના મૂલ્યને વાસ્તવિક અર્થમાં સાકાર કરતા ગામના મંદિર, મસ્જિદ અને ચર્ચની સામાજિક પરિપ્રેક્ષ્યથી મુલાકાત લેવાઇ હતી. ઉપરાંત ત્રણેય ધર્મના સ્મશાન તેમજ કબરસ્તાનાની પણ મુલાકાત લીધી હતી. પ્રસ્તુત મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓ વિભિન્ન ધર્મના સ્થાનોની પૂજા આરાધના વિધિ, ધાર્મિક પુસ્તકો, ધાર્મિક આચારો અને નિયમાવલી, મૃત્યુ અંગેની વિધિ વગેરે વિગતોથી પરિચિત થયા હતા. વધુમાં, વિરલ આયુર્વેદિકના સહયોગથી ગ્રામજનોને આયુર્વેદનું મહત્વ સમજાવી ગામના જન્મથી ૧૪ વર્ષની ઉંમર સુધીના બાળકોને તેઓની મેઘાવી શક્તિમાં વૃદ્ધિ વર્ધક સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવા અંગેના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમોનું સુચારૂ સંચાલન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રા. પરેશ પટેલ દ્વારા કરાયું હતું.


