કર્મયોગમાં નિશ્ચયાત્મક બુદ્ધિનું પ્રાધાન્ય રહે છે.જેને બુદ્ધિ દ્વારા ૫રમાત્માના સ્વરૂ૫નો નિશ્ચય કરી લીધો છે.જેને સર્વત્ર ભગવાનનું જ પ્રત્યક્ષ દર્શન થાય છે તથા જેની બુદ્ધિ ગુણ-કર્મ અને દુઃખ..વગેરેના કારણે ૫રમાત્માના સ્વરૂ૫થી ક્યારેય વિચલિત થતી નથી તેવો દ્દઢ નિશ્ચયી ભક્ત પ્રભુને પ્રિય હોય છે. મનને આધીન રહેશો તો એ શત્રુ છે, મનને આધીન કરશો તો એ મિત્ર છે.મન એ પાણી જેવું છે,પાણી જેમ ખાડા તરફ જાય છે તેમ વિના કારણ મન પણ નીચે ખાડામાં જાય છે.પાપ કરવાની કોઈને પ્રેરણા કરવી પડતી નથી ત્યારે પુણ્ય કરવાની પ્રેરણા કરવી પડે છે.મન અધોગામી છે.જે મન પ્રભુ પાસે જતું નથી તે મન ખાડામાં જ પડે છે.મન વિના કારણ પરસ્ત્રી,પરધનનું ચિંતન કરે છે.આ બંગલો બહુ સુંદર છે.બંગલો બહુ સુંદર છે પણ તને કોઈ આપવાનું છે? આસક્તિપૂર્વક પર-સંપત્તિનું ચિંતન કરવું એ માનસિક પાપ છે. નિશ્ચય કરો કે જે વસ્તુ મારી નથી,જે વસ્તુ સાથે મારો સંબંધ નથી તેનું ચિંતન અને ચિંતા શા માટે કરવી?
એક બ્રાહ્મણ દંપતિને લગ્ન પછી ઘણા વર્ષો પસાર થયા પછી એક પૂત્રરત્ન પ્રાપ્ત થાય છે જેનું બાલ્યાવસ્થામાં જ મૃત્યુ થાય છે.બ્રાહ્મણ પોતાના પૂત્રનું શબ લઇને સ્મશાનમાં જાય છે પરંતુ પૂત્રમોહના કારણે બાળકને દફનાવતો નથી અને રડ્યા કરે છે અને કહે છે કે મેં પૂત્ર પ્રાપ્તિ માટે કેટલા વ્રતો,જપ-તપ કર્યા અને પૂત્રજન્મનો ઉત્સવ કેટલા ધામધૂમથી ઉજવ્યો હતો.સ્મશાનમાં એક ગીધ અને એક શિયાળ રહેતાં હતાં.આ બંન્ને શબને જોઇને ખુશ થઇ જાય છે.આ બંન્નેએ નિયમ બનાવ્યો હતો કે દિવસ દરમ્યાન કોઇ શબ આવે તો ગીધને ખાવાનું અને રાત્રિ દરમ્યાન કોઇ શબ આવે તો તે શિયાળનો આહાર બનશે.
શિયાળ વિચાર કરે છે કે જો આ બ્રાહ્મણ સૂર્યાસ્ત પહેલાં શબને મુકીને જતો રહેશે તો તેની ઉપર ગીધનો અધિકાર થશે એટલે ચતુર શિયાળ ચાલ ચાલે છે કે કોઇપણ હિસાબે આ બ્રાહ્મણને અંધારૂં થાય ત્યાં સુધી વાતોમાં ફસાવીને રાખું.બીજુ બાજુ ગીધ વિચાર કરે છે કે શબની સાથે આવેલ લોકો જેમ બને તેમ જલ્દીથી સ્મશાનમાંથી ચાલ્યાં જાય તો હું તેને ખાઇ શકું.ગીધ બ્રાહ્મણની પાસે જાય છે અને વૈરાગ્યની વાતો કહેવાની શરૂ કરે છે.ગીધ કહે છે કે હે મનુષ્યો ! આપના દુઃખનું કારણ આપની મોહમાયા છે.સંસારમાં જન્મ લેતાં પહેલાંથી જ તમામ જીવોનું આયુષ્ય નક્કી કરેલું હોય છે.સંયોગ અને વિયોગ પ્રકૃતિનો નિયમ છે.આપ આપના પૂત્રને પાછો લઇ જઇ શકો તેમ નથી એટલે શોકનો ત્યાગ કરીને અહીથી પ્રસ્થાન કરો.હવે સંન્ધ્યાકાળ થવાની તૈયારી છે.સંન્ધ્યાકાળનો સમય સ્મશાનમાં પ્રાણીઓના માટે ભયદાયક હોય છે એટલે જેટલું બને તેટલું જલ્દીથી સ્મશાનમાંથી પ્રસ્થાન કરવું તમારા માટે હિતાવહ છે.
ગીધની વાતો બ્રાહ્મણ અને તેમની સાથે આવેલ સગાવ્હાલાઓને ઘણી જ પ્રિય લાગે છે.આગળ ગીધ કહે છે કે હવે તમારા પૂત્રની જીવીત થવાની કોઇ આશા નથી એટલે અહીયાં વધુ સમય રોકાવવાનો કોઇ ફાયદો નથી.ગીધની વાતો શિયાળ શાંતિથી સાંભળી રહ્યું હતું અને ગીધની ચાલ સફળ થતી લાગતાં શિયાળ દોડીને બ્રાહ્મણ પાસે આવીને કહે છે કે તમે લોકો ઘણા જ નિર્દયી છો.જેને તમે ઘણો જ પ્રેમ કરો છો તે પૂત્રના મૃતદેહની સાથે થોડો સમય પણ વિતાવી શકો તેમ નથી? હવે આપ સર્વે તેનું મુખ જોઇ શકવાના નથી.કમ-સે-કમ સંન્ધ્યાકાળ થાય ત્યાં સુધી રોકાઇને પૂત્રના મુખારવિંદના દર્શન કરો.
બ્રાહ્મણ અને તેના સગાઓને રોકી રાખવા શિયાળે નીતિની વાતો કહેવાની શરૂ કરી કે જે રોગી હોય, જેના ઉપર અભિયોગ લાગેલો હોય અને જે સ્મશાનની તરફ જઇ રહ્યો હોય તેને પોતાના બંધુ-બાંધવોના સહારાની જરૂર પડતી હોય છે.શિયાળની વાતો પણ સત્ય લાગતાં આવેલ તમામ લોકો ઘેર પરત જવાનો વિચાર માંડીવાળે છે.
હવે ગીધને તકલીફ થવા લાગી એટલે તેને કહેવાનું શરૂ કર્યું કે તમે બધા તો જ્ઞાની હોવાછતાં આ કપટી શિયાળની વાતોમાં આવી ગયા? દરેક પ્રાણીઓની એક દિવસ આવી જ દશા થાય છે એટલે શોકનો ત્યાગ કરીને પોતપોતાના ઘેર જાઓ.જગતમાં જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ અવશ્ય થવાનું છે,જે બન્યું છે તેનો એકદિવસ નાશ થાય છે.તમે જો અતિશય શોક કરશો તો મૃતત્માને બીજા લોકમાં કષ્ટ થશે એટલે જેનું મૃત્યુ થયું છે તેને કષ્ટ કેમ આપો છો?
બ્રાહ્મણ અને તેના સબંધી સ્મશાન છોડીને જવા લાગે છે ત્યારે શિયાળે ફરી શરૂ કર્યું કે આ બાળક જીવિત હોત તો તમારો કૂળદિપક બનતો, હવે તમારા કૂળના સૂર્યનો અસ્ત થયો છે તો ઓછામાં ઓછું સૂર્યાસ્ત સુધી તો તેની સમીપ રહો.
હવે ગિદ્ધને ચિંતા થાય છે એટલે ગિદ્ધ કહે છે કે મારૂં સો વર્ષનું આયુષ્ય છે.મેં આજદિન સુધી એકવાર જેના પ્રાણ ચાલ્યા ગયા હોય તેને જીવતો થયો હોય એવું જોયું નથી.હવે તમે બધા ઘેર જઇને મૃતાત્માના મોક્ષના માટે કાર્ય કરો.હવે શિયાળ બોલ્યું કે જ્યાં સુધી આકાશમાં સૂર્ય વિરાજમાન છે ત્યાંસુધી દૈવી ચમત્કાર થઇ શકે છે અને રાત્રિ દરમ્યાન આસુરી શક્તિઓનું જોર વધી જાય છે.સ્મશાનમાં ઘણીવાર યોગીઓ અને સિદ્ધ પુરૂષો આવતા-જતા હોય છે જે પોતાની ભક્તિની શક્તિથી જીવનદાન પણ આપી શકે છે એટલે મારૂં મંતવ્ય છે કે તમારે થોડી પ્રતિક્ષા કરવી જોઇએ.
શિયાળ અને ગીધની ચાલાકીમાં ફસાયેલ બ્રાહ્મણ પરીવાર નક્કી કરી શકતો નથી કે શું કરવું જોઇએ? એટલે છેલ્લે પિતાએ પોતાના પૂત્રનું માથું પોતાના ખોળામાં લઇને જોર-જોરથી વિલાપ કરવા લાગ્યા.તેમના વિલાપથી સ્મશાન કાંપવા લાગ્યું.તે સમયે સંન્ધ્યા ભ્રમણ કરવા નીકળેલા ભગવાન શંકર અને માતા પાર્વતી ત્યાં આવે છે.બ્રાહ્મણ પરીવારને અતિશય કલ્પાંત કરતાં જોઇને પાર્વતી માતા દુઃખી થાય છે અને આ બાળકને જીવિત કરવા અનુરોધ કરે છે.
મહાદેવ પ્રગટ થઇને તે બાળકને સૌ વર્ષનું આયુષ્ય આપે છે તે સમયે ગીધ અને શિયાળ દંગ રહી જાય છે.તે સમયે ગીધ અને શિયાળના માટે આકાશવાણી થાય છે કે “તમે બંન્નેએ સ્મશાનમાં આવેલ તમામ લોકોને ઉપદેશ આપ્યો હતો તે સત્ય જ હતો પરંતુ તેમાં સાંત્વનાના બદલે તમારા બંન્નેનો અંગત સ્વાર્થ હતો તેથી તમે બંન્નેને આ નિકૃષ્ટ યોનિમાંથી જલ્દીથી મુક્તિ નહી મળે.’’
બીજા કોઇને કષ્ટ થાય ત્યારે મનથી શોક કરવો જોઇએ.ફક્ત શોકનો આડંબર કરીને સંવેદના પ્રગટ કરવામાં આવે તો મૃત્યુ બાદ ગિદ્ધ અને શિયાળની યોનિ પ્રાપ્ત થાય છે.
એક મહાત્મા એક જગ્યાએ બેઠા હતા.તેમની નજીકથી એક ગાડી પસાર થાય છે તેમાંથી એક ઘઉંની એક ગુણ નીચે પડી જાય છે અને ફાટી જાય છે જેથી ઘઉંના દાણા આખા રોડ ઉપર વેરાઇ જાય છે.મહાત્મા બેઠા બેઠા જોઇ રહ્યા હતા.એક કાગડો આવ્યો તે પોતાના પેટ અનુસાર કેટલાક દાણા ખાઇને ઉડી જાય છે. થોડીવાર પછી એક ગાય આવે છે તેને ભરપેટ ખાધું અને ચાલી જાય છે.ત્યારબાદ એક માણસ આવે છે અને આખી ગુણ પોતાના ખભા ઉપર ઉપાડીને ઘેર લઇ જાય છે.
વિચારવા જેવી વાત છે કે તમામ પશુ-પક્ષીઓને એ વાત સમજમાં આવી ગઇ કે જે માલિકે અમોને જન્મ આપ્યો છે તે દરરોજ અમારૂં પેટ ભરે છે પરંતુ મનુષ્યને આ નાનકડી વાત સમજમાં આવતી નથી.મનુષ્ય દિવસ-રાત માયા કમાવવા લાગેલો રહે છે પરંતુ અમારી ભૂખ ક્યારેય પુરી થતી નથી કેમકે અમોને માલિક પ્રભુ પરમાત્મા ઉપર વિશ્વાસ જ નથી.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


