કલોલ
કલોલમાં રીક્ષા ચાલકની ઈમાનદારી સામે આવી છે. રિક્ષામાં બેસેલ મહિલા પર્સ લેવાનું ભૂલી જતા ઈમાનદાર રીક્ષા ચાલકે મહિલાને શોધીને તેનું પર્સ પરત કર્યું હતું. રીક્ષા ચાલકની ઈમાનદારી જાેઈને મહિલાએ તેને બક્ષિસ પેટે ભેટ આપી હતી. કલોલમાં જૈન સમાજનો પ્રોગ્રામ થઈ રહ્યો છે, તે અનુસંધાને ગુજરાત તેમજ આસપાસના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે. તેમાંના એક શ્રદ્ધાળુ સુમંગલાબેન નિરંજનભાઈ શાહ વરઘોડામાં જાેડાયા હતા. વધુ ચાલ્યા બાદ થાકી ગયેલા સુમંગલાબેને વખારિયા ચાર રસ્તા પાસેથી રિક્ષામાં બેઠા હતા અને તેઓ વર્ધમાન ચાર રસ્તા પાસે ઉતર્યા હતા. ઉતાવળમાં મહિલા તેમનું પર્સ રિક્ષામાં જ ભૂલી ગયાં હતાં. આ પર્સમાં મહિલાના ડોક્યુમેન્ટ, મોબાઇલ સહિત ૧૦,૦૦૦ રૂપિયા રોકડા હતા. પર્સ ખોવાઈ જતા સુમંગલાબેન ટેન્શનમાં આવી ગયા હતા. તેમજ પર્સ મળવાની આશા પણ છોડી દીધી હતી. પરંતુ જે રિક્ષામાં તેઓ પર્સ ભૂલી ગયા હતા તે રીક્ષા ચાલક રાજેશભાઈ પરમાર મહિલાને શોધતા શોધતા આવ્યા હતા અને મહિલાને શોધીને તેમનું પર્સ પરત કરવામાં આવ્યું હતું. રાજેશભાઈ પરમારની આ પ્રકારની ઈમાનદારી જાેઈને મહિલા સુમંગલાબેન ગદગદીત થઈ ગયા હતા, અને તેમના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો હતો કે હજુ પણ ઈમાનદારી મરી પરવારી નથી. ઈમાનદારી દાખવીને મહિલાનું પર્સ પરત કરનાર રીક્ષા ચાલક રાજેશભાઈ પરમારની પ્રશંસા થઈ રહી છે.
