Gujarat

કુસંગથી બચો,સત્સંગ કરો

બે નાવિક હતા જેઓ નાવ દ્વારા યાત્રિકોને નદી પાર કરાવી સાંજે નદી કિનારે ભેગા મળી એકબીજાના ખબર અંતર પુછતા હતા.પહેલા નાવિકે કહ્યું કે ભાઇ..હું એટલો ચતુર છું કે જ્યારે નાવ નદીના વમળો પાસેથી પસાર થાય છે ત્યારે ચતુરાઇથી તેને તરત જ બહાર કાઢી લઉં છું.ત્યારે બીજો નાવિક કહે છે કે હું એવો કુશળ નાવિક છું કે નાવને વમળો પાસે જવા જ દેતો નથી.હવે વિચારો આ બંન્ને નાવિકોમાં શ્રેષ્ઠ નાવિક કોન?

બીજો નાવિક જ શ્રેષ્ઠ છે કારણ કે તે નાવને વમળોની પાસે જવા જ દેતો નથી.પહેલો નાવિક કોઇકને કોઇક દિવસ વમળોમાં ફસાઇ જવાની સંભાવના છે.તેવી જ રીતે સત્યના માર્ગ ઉપર એટલે કે ઇશ્વરપ્રાપ્તિના માર્ગ ઉપર ચાલવાવાળા પથિકોના માટે વિષય-વિકાર તથા કુસંગરૂપી વમળોની પાસે ન જવું એ શ્રેયસ્કર છે.જો અગ્નિની નજીક બેસીએ તો ગરમીનો અનુભવ થાય છે.તેવી રીતે જ અન્ય વિષયોના વિશે પણ સમજવું જોઇએ અને વિષય-વિકારોથી તથા કુસંગથી દૂર રહેવું જોઇએ.

જે વિષય-વિકારો અને કુસંગથી દૂર રહે છે તે મોટા ભાગ્યવાન કહેવાય છે.જેમ ધુમાડો સફેદ મકાનને કાળું કરી નાખે છે તેવી જ રીતે વિષય-વિકાર તથા કુસંગથી નેક વ્યક્તિનું પણ પતન કરી નાખે છે.સત્સંગ તારે છે અને કુસંગ ડુબાડે છે.

જેમ લીલા વૃક્ષના ડાળ ઉપર બેઠેલ કીડો પણ લીલા વેલાની જેમ લીલો બની જાય છે તેવી જ રીતે વિષય-વિકાર અને કુસંગથી મન મલિન બની જાય છે એટલે વિષય-વિકાર અને કુસંગથી બચવા માટે સંતોનો સંગ વધુમાં વધુ કરવો જોઇએ.

કબીરજીએ કહ્યું છે કે સંત-મહાપુરૂષોની સંગતિ કરવી જોઇએ કારણ કે અંતમાં તેનાથી કલ્યાણ થાય છે. દુષ્ટોનો સંગ ના કરવો જોઇએ કારણ કે તેમના સંપર્કમાં આવતાં જ મનુષ્યનું પતન થઇ જાય છે.સંતોનો સંગ કરવાથી હંમેશાં અમારૂં હિત થાય છે જ્યારે દુષ્ટ લોકોનો સંગ ગુણવાન માણસોનું પણ પતન કરે છે.

સત્સંગથી મનનો મેલ દૂર થાય છે.સાચો સંત જ ત્રિગુણાતીત બ્રહ્મનાં દર્શન કરાવી શકે છે.સંત પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત હોય છે,એટલે સંત અને હરિમાં સહેજ ૫ણ ભેદ હોતો નથી.ઉચ્ચ વિચાર..શુભ કર્મ અને કપટ રહિત વ્યવહાર ચરીત્ર નિર્માણનો મૂળ આધાર છે અને તેની પ્રગતિના માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે.સત્સંગ-દાન-વિચાર અને સંતોષ..આ બ્રહ્મપ્રાપ્‍તિનાં સાધન છે.સંત મહાત્માઓના સત્સંગનો લાભ લેવો જોઇએ અને તેમની કલ્યાણકારી વાતોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઇએ.સત્સંગની ઘણી જ મહિમા છે.

જેમ પારસના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે તેમ દુષ્ટ ૫ણ સત્સંગ પામીને સુધરી જાય છેપરંતુ દૈવયોગથી જ્યારે કોઇવાર સજ્જન કુસંગતિમાં ૫ડી જાય છે ત્યારે તે ત્યાં ૫ણ સા૫ના મણિની જેમ પોતાના ગુણોનું જ અનુસરણ કરે છે,એટલે કે મણિ સા૫ના વિષને ગ્રહણ કરતો નથી અને પોતાના સહજ ગુણ પ્રકાશનો છોડતો નથી તેવી જ રીતે સાધુ પુરૂષ દુષ્ટોના સંગમાં રહેવા છતાં બીજાને પ્રકાશ જ આપે છે અને દુષ્ટોની તેમના ઉ૫ર કોઇ જ અસર થતી નથી.

સત્સંગ મોક્ષનું દ્વાર છે,સત્સંગથી વિષયોનું સ્મરણ છુટી જાય છે, સત્સંગથી જ ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે, સત્સંગ બધા અનર્થોનો નાશ કરે છે, સત્સંગથી જ ભગવાન સહજમાં વશ થાય છે, સત્સંગની તુલના બીજા કોઇ સાથે થતી નથી, સત્સંગથી નિશ્ચલ પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય છે, સંત મહાપુરૂષોના ચરણસ્પર્શ કરવાથી તીર્થો ૫ણ પવિત્ર થાય છે અને તેમની ચરણરજના સેવનથી તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે, સંત મહાપુરૂષોના દર્શન ખુબ જ કઠીનાઇથી થાય છે, સંત મહાપુરૂષો સંસારથી તરવાની નૌકા છે, પ્રભુ ૫રમાત્મા સંત મહાપુરૂષોના આધિન છે, સત્સંગ વિના વિવેક આવતો નથી અને રામની કૃપા વિના સત્સંગ સહેલાઇથી મળતો નથી, દુષ્ટો ૫ણ સત્સંગ પામીને સુધરી જાય છે, બુદ્ધિની જડતા દૂર કરવા, વિવેક ઉત્પન્ન કરવા જીવનમાં સુખ-શાંતિ, આનંદ પ્રાપ્ત કરવા માટે જીવનના લક્ષની પ્રાપ્તિ કરવા, પ્રભુ દર્શન કરવા, સંસારમાંની વેર ઇર્ષ્યા દ્વેષ ઘૃણાને દૂર કરવા અને તેની જગ્યાએ અહિંસા એકતા ભાતૃભાવ પ્રેમ ઉત્પન્ન કરવા સત્સંગ ૫રમ આવશ્યક છે, સત્સંગથી જ મનનો મેલ દૂર થાય છે, મનમાં જથ્થાબંધ થઇ રહેલા સંશય તથા ભ્રમોનો સમુદાય સદગુરૂના સત્સંગથી નષ્ટે થઇ જાય છે, સંતોના દર્શનમાત્રથી સૌ પાપો નષ્ટ થઇ જાય છે, મહાભાગ્ય હોય તો જ સત્સંગ પ્રાપ્ત  થતો હોય છે જેના પ્રતાપે પરીશ્રમ વિના જ સંસારના ફેરા ટળી જાય છે, સંતજનોનો સંગ મોક્ષના માર્ગરૂ૫ છે અને કામીનો સંગ સંસારમાં બાંધનાર છે, સત્સંગનો અર્થ છે સત્યનો સંગ.

સત્ય સ્વરૂ૫ ૫રમાત્માની સાથે સંગ કરવો. દરેક ક્ષેત્રમાં પ્રભુકૃપાની આવશ્યકતા છે જે સત્સંગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. સત્ય બ્રહ્મ (૫રમાત્મા)ના પ્રત્યક્ષ દર્શન કરીને જ્યારે જ્ઞાનચર્ચા કરવામાં આવે તે જ સત્સંગ છે. સત્સંગ એ અંતિમ લક્ષ્યમ છે. જેના માટે સત્ય (૫રમાત્મા)નું જ્ઞાન ૫રમ આવશ્યક છે. કુસંગનો સર્વથા ત્યાગ કરવો. ક્ષણભરના કુસંગથી મનમાં સૂતેલા શૈતાન જાગી જશે તો શું દશા થશે ? સંસારમાં પ્રત્યેક વ્યક્તિ સુખ શાંતિ આનંદ ઇચ્છે છે. આ સુખ શાંતિ અને આનંદ વિષયોમાં નથી અને જો છે તો ક્ષણિક છે સ્થાઇ સુખ શાંતિ ફક્ત સત્સંગમાં જ છે. થોડા સમયનો સત્સંગ ૫ણ લાભકારી હોય છે.

સત્સંગના સમાન દુનિયામાં કોઇ સુખ નથી. જો એક ત્રાજવામાં સત્સંગરૂપી વચનામૃત અને બીજા ત્રાજવામાં સંસારના તમામ સાંસારીક શારીરિક સુખ તો ૫ણ સત્સંગનું ત્રાજવું ભારે જ રહે છે. મનુષ્યના જીવનમાં સહાયતાની આવશ્યકતા ૫ડે છે. સાચો સહાયક ૫રબ્રહ્મ ૫રમેશ્વર નિરાકાર પ્રભુ જ છે જે સદૈવ દયાળુ છે અને આ૫ણી સહાયતા કરતા રહે છે તેમની સાથે જોડાઇ રહેવા માટે સત્સંગની અતિ આવશ્યકતા છે. સત્સંગ આત્માનો ખોરાક છે. જેવી રીતે ખોરાક શરીરની ભૂખ શાંત કરે છે શક્તિ અને બળ આપે છે તેવી જ રીતે સત્સંગ સેવા સુમિરણ પૂજા અર્ચના આત્માની ભૂખ મટાડે છે.

પાણી વલોવવાથી ભલે ઘી નીકળે, રેતી પિલવાથી ભલે તેલ નિકળે, સૂર્ય ભલે પૂર્વના બદલે ૫શ્ચિમમાં ઉગે, ફુલ જમીનના બદલે ભલે આકાશમાં ખિલે, કાચબાની પીઠ ઉપર ભલે વાળ ઉગે, વાંઝણીનો પૂત્ર ભલે યુદ્ધ જીતે.. આ બધી અસંભવ વાતો ભલે સંભવ બને પરંતુ સત્સંગ વિના આ ભવસાગર તરવો અસંભવ છે આ અકાટ્ય સિદ્ધાંત છે. જે લોકો સેવા સુમિરણ સત્સંગ કરતા નથી તેમને લોક ૫રલોકમાં આનંદ મળતો નથી. નિયમિત સત્સંગરૂપી ઝાડું મનને લગાવવાથી મન અને વિચાર શુદ્ધ નિર્મલ રહે છે. સત+સંગ=સત્સંગ. સંતનો સમાગમ કરાવે તે સત્સંગ.

એકવાર દેવર્ષિ નારદે બ્રહ્મલોકમાં બ્રહ્મદેવને સત્સંગના મહિમા વિશે પૂછયું. બ્રહ્માએ નારદને સત્સંગના મહિમાને જોવા માટે પૃથ્વીલોકમાં રહેલા એક નગરની બહાર રહેલ જંગલના એક વૃક્ષ ઉપર બેઠેલા એક કાચિંડાને સત્સંગનો મહિમા પૂછવા કહ્યું, દેવર્ષિ નારદે વૃક્ષ ઉપર રહેલ કાકિડાને પૂછ્યું કે ‘સત્સંગનો મહિમા શું?’ દેવર્ષિ નારદના શબ્દ સાંભળતા જ કાચિંડો ઝાડ પરથી પડીને મરી ગયો.

નારદજી ફરીને બ્રહ્મદેવ પાસે ગયા ત્યારે બ્રહ્માએ એ જ જંગલના બીજા વૃક્ષ ઉપર બેઠેલ પોપટને સત્સંગનો મહિમા પૂછવાનું કહ્યું, પોપટ પણ નારદજીના શબ્દ સાંભળતા જ વૃક્ષ પરથી પડીને મરી ગયો, ત્યારબાદ બ્રહ્મદેવે નારદજીને એક ગામમાં એક ખેડૂતને ત્યાં તેના ઘરે જઈને તેની ગાયનાં તાજા જન્મેલા વાછરડાંને પ્રશ્ન પૂછવા જણાવ્યું કે ‘સત્સંગનો મહિમા શું ?’ આ શબ્દ સાંભળતા જ તાજું જન્મેલ વાછરડું પણ મોતના મુખમાં ધકેલાઈ ગયું.

નારદજી બ્રહ્મદેવ પાસે ગયા ને પૂછ્યું કે ‘આમ કેમ થાય છે? ત્યારે બ્રહ્માએ નારદજીને એક પ્રતિષ્ઠિત નગરના રાજાના ઘેર જવાનું કહ્યું અને કહ્યું ‘રાણીને જન્મેલ રાજકુમાર તમારા પ્રશ્નનો જવાબ આપશે.’ દેવર્ષિ રાજાના મહેલમાં સંકોચ રાખીને પહોંચ્યા અને પુછ્યું કે ‘રાજકુમાર ક્યાં છે? રાણી રાજકુમારને લઈને સભાગૃહમાં આવી ત્યાં જ નારદજી એ રાજકુમારને પ્રશ્ન કર્યો કે ‘સત્સંગનો મહિમા શું છે?’ તે સાંભળતા જ રાજકુમાર હસવા લાગ્યો પણ રાજકુમાર પેલાના ત્રણની જેમ મર્યો નહિ તેથી દેવર્ષિ નારદે રાહતનો શ્વાસ ખેંચ્યો.

રાજકુમારને અતિ હર્ષિત જોઈને નારદજી બોલ્યા ‘સત્સંગનો મહિમા શું ?’ એ મારા પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે તું હસે છે કેમ? રાજકુમારે કહ્યું કે ‘મેં તમારા પ્રશ્નનો જવાબ આપી જ દીધો છે ત્યારે નારદજી આશ્ચર્યથી એની સામે ટગર ટગર જોઈ રહ્યા, તેમની કુતૂહલ વૃત્તિને દૂર કરતાં રાજકુમારે કહ્યું કે દેવર્ષિ નારદ ! તમે સ્વયં સાચા સંત છો અને તમારા સંગનો મહિમા અપાર છે. સત્સંગનો સંગ લાગે તેને સંસારનો રંગ ચડતો નથી, તમારા સંગથી હું કાકિડામાંથી પોપટ, પોપટમાંથી વાછરડો અને અંતે રાજકુમારના પદને પામ્યો છું.

૧૦૦ જન્મે રૂપ મળે,૧૦૦૦ જન્મે ગુણ  મળે,૧૦ હજાર જન્મે  વૈભવ મળે અને એક લાખ જન્મ બાદ સત્સંગ મળે. ત્રણ વસ્તુઃ દુર્લભ છેઃ મનુષ્ય જન્મ, મુમક્ષતા અને સંત પુરૂષનો સમાગમ. ભગવાન મળવા મુશ્કેલ નથી પરંતુ ભગવાન સુધી ૫હોચાડે તેવા સાચા સંત મળે તો સાક્ષાત ભગવાન મળ્યાનો ભકતને અહેસાસ થાય છે.

અનાદિકાળથી આ મન સંસારમાં ભટકતું આવ્યું છે,કુસંગથી મન બગડે છે,સત્સંગથી મન સુધરે છે.પ્રભુ પ્રેમમાં રંગાયેલા સંતોનો વારંવાર સત્સંગ મનને સુધારે છે.

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *