એકવાર એક સ્વામીજી ભિક્ષા માંગવા એક ઘરની સામે આવીને ઉભા રહી બૂમ મારે છે કે ભિક્ષા દો મૈયા ! ઘરમાંથી એક મહિલા બહાર આવે છે અને સ્વામીજીની ઝોલીમાં ભિક્ષા આપીને કહે છે કે મહાત્માજી કોઇ ઉપદેશ આપો ત્યારે સ્વામીજી કહે છે કે આજે નહી પરંતુ કાલે ઉપદેશ આપીશ આપ કાલે ખીર બનાવજો.
બીજા દિવસે સ્વામીજી ભિક્ષા લેવા માટે આવે છે.ઘરની મહિલાએ તે દિવસે ખીર બનાવી હતી જેમાં કાજુ બદામ પિસ્તા નાખ્યા હતા તે ખીર લઇને મહિલા બહાર આવે છે.ભિક્ષા માટે સ્વામીજી પોતાનું કમંડલ સામે ધરે છે ત્યારે મહિલાએ જોયું તો કમંડલમાં ગંદો કચરો ભરેલો હતો એટલે ભિક્ષા આપતાં રોકાઇ જાય છે અને કહે છે કે મહારાજ ! આ કમંડલ તો ગંદુ છે.સ્વામીજી કહે છે કે ભલે ગંદુ હોય તમે તેમાં ખીર નાખી દો ત્યારે મહિલા કહે છે કે મહારાજ ગંદા કમંડલમાં ખીર નાખવાથી ખીર ખરાબ થઇ જશે.
સ્વામીજીએ કહ્યું કે મારૂં કમંડલ ચોક્ખુ થશે ત્યારે જ તમે ખીર આપશો? ત્યારે મહિલા હકારમાં જવાબ આપે છે ત્યારે સ્વામીજીએ કહ્યું કે આજ મારો ઉપદેશ છે.મનમાં જ્યાં સુધી મનમાં કામ ક્રોધ લોભ મોહ મદ અહંકાર ચિંતાઓનો, ખરાબ સંસ્કારોનો કચરો ભરેલો છે ત્યાં સુધી ઉપદેશામૃતથી કોઇ લાભ થતો નથી.જો ઉપદેશામૃત ગ્રહણ કરવું હોય તો પહેલાં પોતાના મનને શાંત પવિત્ર અને શુદ્ધ કરવું પડશે, કુસંસ્કારોનો ત્યાગ કરવો પડશે તો જ સાચા સુખ અને આનંદની પ્રાપ્તિ થશે કેમકે આપના સારા વિચારોથી જ સારા કર્મો થશે.
મનુષ્ય જે કંઇ કર્મ કરે છે તેના અંતઃકરણમાં તે કર્મના સંસ્કાર ૫ડે છે અને તે સંસ્કારો અનુસાર તેનો સ્વભાવ બને છે.આ રીતે ૫હેલાંના અનેક જન્મોના કરેલા કર્મોના સંસ્કાર અનુસાર મનુષ્યનો જેવો સ્વભાવ હોય છે તે અનુસાર તેનામાં સત્વગુણ,રજોગુણ અને તમોગુણ આ ત્રણ ગુણોની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે.સદગુરૂ પરમાત્માના પવિત્ર અને કોમળ ચરણોનો પ્રેમ જો આપણા હ્રદયમાં રહેશે તો અનેક જન્મોના પાપ અને સંસ્કાર નષ્ટ થઇનેઆપણે પોતાના વાસ્તવિક ઘર(હરી)માં નિવાસ કરી શકીશું માટે હરિની ઓળખાણ કરી લઇએ અને અન્યને પણ તેની પ્રેરણા આપીએ કેમકે હરિનામ ધન જ સાચી સંપત્તિ છે.
બીજો શું કરે છે તે ના જુવો.પોતાના ૫રીવારના સદસ્યોમાં ૫ણ પ્રભુ દર્શન કરો.બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ આપો.સંસ્કાર શબ્દનો અર્થ શુદ્ધિકરણ થાય. જીવાત્મા જ્યારે એક શરીરનો ત્યાગ કરી બીજા શરીરમાં જન્મ લેવાનો હોય ત્યારે એના પૂર્વજન્મનો પ્રભાવ એની સાથે જાય છે. આ પ્રભાવોનું વાહક સુક્ષ્મ શરીર હોય છે, જે જીવાત્માનાં સ્થૂળ શરીરથી બીજા સ્થૂળ શરીરમાં જાય છે. આ પ્રભાવોમાં થોડા ખરાબ હોય છે અને થોડા સારા પણ હોય છે. બાળક સારા અને ખરાબ પ્રભાવોને લઈને જીવનમાં પ્રવેશ કરે છે. સંસ્કારોનો ઉદ્દેશ્ય એ છે કે પૂર્વજન્મનાં માઠા પ્રભાવોનો ધીરે ધીરે અંત થઇ જાય અને સારા પ્રભાવોની ઉન્નતિ થાય. સંસ્કારના બે રૂપ હોય છે. એક આંતરિક રૂપ અને બીજું બાહ્ય રૂપ. બાહ્ય રૂપનું નામ રીતિરિવાજ છે અને એ આંતરિક રૂપની રક્ષા કરે છે. આપણે આ જીવનમાં પ્રવેશ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પૂર્વજન્મમાં જે અવસ્થા સુધી આત્મિક ઉન્નતિ કરી ચુક્યા છે તે આ જન્મમાં એનાથી અધિક ઉન્નતિ કરીએ. આંતરિક રૂપ આપણી જીવન ચર્યા છે. એ અમુક નિયમો પર આધારિત હોય તો જ મનુષ્ય આત્મિક ઉન્નતી કરી શકે છે. સંસ્કારનો અભિપ્રાય એ ધાર્મિક કૃત્યો માટે હતો જે કોઈ વ્યક્તિને પોતાના સમુદાયનો પૂર્ણ રૂપે સદસ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે એનું શરીર, મન અને મસ્તિષ્કને પવિત્ર કરવા માટે કરાતા હતા.
સંસ્કારનું અનોખું મહત્વ છે તે પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણો દેશ આધ્યાત્મિકતાને વરેલો છે. દરેક માતા પિતા એવું ઇચ્છે છે કે તેમનું સંતાન સંસ્કારી તથા સદગુણી બને. સંસ્કાર કે સદગુણ વગરનો મનુષ્ય માત્ર સભ્ય સમાજમાં જ નહીં પરંતુ તે જ્યાં પણ જાય તો તે તેના સંસ્કાર કે સદગુણ વડે જ્યાં હશે ત્યાં દીપી ઊઠશે તેમાં બેમત નથી.
હિન્દુ ધર્મની સંસ્કૃતિ સંસ્કારો પર જ આધારિત છે. આપણા ઋષિ મુનિઓએ માનવ જીવનને પવિત્ર, સુખમય અને મર્યાદિત બનાવવાના હેતુથી સંસ્કારોનો આવિષ્કાર કર્યો છે. આ સંસ્કારો માત્ર ધાર્મિક કે સામાજિક રીતે જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આપણા જીવનમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. સંસ્કાર શબ્દનો અર્થ થાય છે શુદ્ધ કરવું, પવિત્ર કરવું અને સંસ્કરણ કરવું. જેનાથી માણસની લાગણી, રહેણી-કરણી, બુદ્ધિ વગેરે સમાજમાં પ્રકાશે તથા સમાજના હિતલક્ષી અને આધ્યાત્મિક ગુણો વધે એનું નામ જ સંસ્કાર.
જે મા-બાપ સત્સંગી હોય છે,સેવા સુમિરણ સત્સંગ કરે છે તો તેમના ભક્તિના સંસ્કાર બાળકોમાં આવે છે.જો બાળકોને ભક્તિના રસ્તા પર લાવવા હોય તો પહેલાં મા-બાપે ભક્તિ કરવી જોઇએ.અતિશય સુખમાં અને અતિશય દુઃખમાં ભગવાન ન ભુલાય તેવી ટેવ પડજો.જે જે સંસ્કાર મનમાં દૃઢ થાય તે સંસ્કાર બીજા જન્મમાં અને અંતકાળે કામ લાગશે.
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા(પંચમહાલ)


