કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાની વિશેષ ઉપસ્થિત રહ્યા.
પત્રકારત્વ જગતમાં શેઠ અને મેઘાણીની જુગલબંધીને અતિ આદર સાથે યાદ કરવામાં આવે છે : કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા
બોટાદ જીલ્લાના રાણપુર ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા.ના હસ્તે રાણપુરમાં આરોગ્ય અને શિક્ષણના દાનવીર સ્વ.જતીનભાઈ શેઠ માર્ગ નું નામાંકરણ કરવામાં આવ્યુ તેમજ ગુજરાત ગૌરવ ગાથા અંતર્ગત ભૂપેન્દ્રભાઈ દવે લિખિત “યોદ્ધા પત્રકાર અમૃતલાલ શેઠ” નામક પુસ્તકનું મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિભાગના કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા અને કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા સહિતનાં મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક પત્રકારત્વને સમર્પિત એવા સૌરાષ્ટ્રના સિંહ ગણાતા અમૃતલાલ દલપતરામ શેઠના વ્યક્તિત્વ પર લખાયેલું છે.
આ પુસ્તકમાં અમૃતલાલ શેઠ અને પત્રકારત્વનું સુંદર આલેખન કરતાં અનેક પ્રસંગો ઇતિહાસ પ્રેમીઓ માટે નજરાણું બની રહેશે. પુસ્તક વિમોચન પ્રસંગે મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિભાગના કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, “પત્રકારત્વના યજ્ઞની આરંભભૂમિ એટલે રાણપુર. રાણપુરનું નામ લેતા જ અમૃતલાલ શેઠ જેવા નીડર પત્રકાર અને ઝવેરચંદ મેઘાણી જેવા અદ્વિતીય સાહિત્યકારની છબી માનસપટ પર અંકિત થઈ જાય છે. આ બંને મહાનુભાવોની ખુમારીનાં કારણે જ આજે પત્રકારત્વ જગતમાં શેઠ અને મેઘાણીની જુગલબંધીને અતિ આદર સાથે યાદ કરવામાં આવે છે. એક કાઠિયાવાડી તરીકે, સૌરાષ્ટ્રના વતની તરીકે હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે, આ બંને મહાન હસ્તીઓ કાઠિયાવાડમાં જ થઈ શકે. આઝાદીની લડતમાં નીડરતાથી, મક્કમતાથી અને અડગ રહીને પત્રકારત્વનો પાયો સ્થાપવામાં અમૃતલાલ શેઠના દૈનિક અખબાર સૌરાષ્ટ્રનું મહત્વનું યોગદાન રહ્યું છે. આજે પણ ફૂલછાબ તેનો વારસો જાળવી રહ્યું છે.”
આ અવસરે કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે, “આ પુસ્તક અમૃતલાલ શેઠ જેવી મહાન વિભૂતિની ક્રાંતિકથાઓને જન – જન સુધી પહોંચાડશે. આપણું ગુજરાત અનેક મહાન વ્યક્તિઓ થકી રળિયાત થયેલો પુણ્ય પ્રદેશ છે. જેમાં આજે ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે તેમજ અમૃતલાલ શેઠના જીવન પરિચય પરના પુસ્તક વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહેવાનો મને અવસર પ્રાપ્ત થયો તે બદલ હું ધન્યતા અનુભવું છું. આ પુસ્તકમાં રાણપુર સાથે સંકળાયેલા આઝાદીના પ્રસંગો અને શેઠ તેમજ મેઘાણી સાથે મહાત્મા ગાંધીજીની મુલાકાતના કિસ્સાઓ રસપ્રદ રીતે વર્ણવવામાં આવ્યા છે.”
આ તકે ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ પ્રમુખ અને પદ્મ વિષ્ણુભાઇ પંડ્યાએ કહ્યું કે, “આજે હું ખૂબ જ આનંદ અનુભવું છું કે મને પત્રકારત્વની ક્રાંતિભૂમી – તીર્થભૂમિ પર આવવાની તક મળી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ગુજરાત ગૌરવ ગાથા શ્રેણી અંતર્ગત રાજ્યના અનામી યોદ્ધાઓ વિશે પુસ્તક બહાર પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત અમૃતલાલ શેઠ વિશેના આ પુસ્તકમાં આઝાદીની લડત વિશે, સત્યાગ્રહો વિશે અનેક અજાણી વાતો આલેખવામાં આવી છે. ભૂપેન્દ્રભાઈ દવે લિખિત આ પુસ્તિકા થકી સૌરાષ્ટ દૈનિકની સફર અને તે સમય પત્રકારોની ખુમારીથી વાકેફ થઇ શકાશે. આ પુસ્તકમાં ગુજરાતની અસ્મિતાનો અદ્ભુત પરિચય મેળવી શકાશે.”
બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ વિરાણીએ જણાવ્યું હતું કે, “આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ‘ગુજરાત ગૌરવગાથા’ પુસ્તકશ્રેણી પ્રસ્તુત કરી રહી છે, જેના ભાગરૂપે આ પુસ્તકનું વિમોચન કરાતા આનંદ અને ગૌરવની લાગણી થાય છે. ગુજરાત રાષ્ટ્રજીવન સાથે કાયમ જોડાયેલું રહ્યું છે, પછી તે સમાજસેવા હોય કે સ્વાતંત્ર્યસંગ્રામ, ધર્મચિંતન હોય કે ફિલસૂફી હોય. અખબારી આલમની તવારીખમાં જેમનું નામ સુવર્ણઅક્ષરે આલેખાયું છે તેવા અમૃતલાલ શેઠે સાડા ત્રણ દાયકા દરમિયાન જે સિદ્ધ કર્યું, જે વિરાટ કાર્યોની આગેવાની લીધી તે બધા કાર્યોનો ખ્યાલ આ પુસ્તકમાં શબ્દસ્થ કરવામાં આવ્યો છે.”આ તકે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની ૭૬મી પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
આ કાર્યક્રમમાં ધંધૂકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભી,પુર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર,ભરતભાઈ પંડ્યા,તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, બરવાળા પ્રાંત અધિકારી પી. ટી.પ્રજાપતિ, જિલ્લા આયોજન અધિકારી બી.કે.જોશી, રાણપુર મામલતદાર કે.કે.વાળા,રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર,જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ,સભ્યો સહિત અધિકારીઓ તથા અમૃતલાલ શેઠના પરિવારજનો, પિનાકીભાઈ મેઘાણી, તેમજ બહોળી સંખ્યામાં રાણપુરવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


