ગાંધીનગર
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ક્રેડિટ કાર્ડના નામે વિવિધ ચાર્જીસ પેટે રૂપિયા પડાવી રહી હોવાનો કિસ્સો ગાંધીનગરની કન્ઝ્યુમર કોર્ટમાં પહોંચ્યો હતો. સરગાસણની મહિલાને ત્રણ વર્ષ અગાઉ માંગણી કર્યા વિના પણ બેંક દ્વારા ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરી દેવાયું હતું. જેનો એકવાર પણ ઉપયોગ કર્યો નહીં હોવા છતાં બેંકે ક્રેડિટ કાર્ડના ચાર્જીસ પેટે મહિલાના એકાઉન્ટમાંથી રૂ. ૩૭,૦૯૦ કાપી લીધા હતા. જે મામલે કન્ઝ્યુમર કોર્ટે આકરું વલણ અપનાવીને એસબીઆઈ બેંકને રૂ. ૩૯, ૦૧૪ નવ ટકા વ્યાજે ત્રીસ દિવસમાં ચૂકવી આપવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો દ્વારા ગ્રાહકને લોભામણી ઓફરો કરીને ક્રેડિટ કાર્ડનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટેનો આગ્રહ કરવામાં આવતો હોય છે. જાે કે ક્રેડિટ કાર્ડથી કેશલેસ ખરીદી કરાવવાની મોડસ ઓપરેન્ડી થકી છેવટે બેંક દ્વારા ક્રેડિટ કાર્ડના ચાર્જીસ પેટે ગ્રાહકનાં એકાઉન્ટમાંથી જ તગડી રકમ વસૂલી લેવામાં આવતી રહેતી હોય છે. પછી ભલેને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ કર્યો ના હોય. આવો જ એક કિસ્સો ગાંધીનગર કન્ઝ્યુમર કોર્ટમાં પહોંચ્યો હતો.


