ગાંધીનગર
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા કચેરીની નજીક ૧૨ લાખની ઉઘરાણી મામલે રાત્રે કડીના બે ઈસમોએ મહેસાણાનાં લેણદાર જાેડે ઝપાઝપી કરીને જમીન પર નીચે પાડી દઈ હોન્ડા સીટી કાર ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કરવાની ઘટનાને અંજામ આપી નાસી જતાં સેકટર – ૨૧ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના પઢારીયા ગામમાં રહેતાં ૩૮ વર્ષીય મહેન્દ્રગીરી કનુગીરી ગોસ્વામીએ આજથી છએક માસ પહેલા ચંદનગીરી ગોસ્વામી (રહે.કડી.) પાસેથી રૂ. ૧૨ લાખ હાથ ઉછીના લીધા હતા. જે પૈસા આપવાનો વાયદો છ માસનો હોવા છતાં મહેન્દ્રગીરી પૈસા પરત આપી શક્યો ન હતો. જેથી ચંદનગીરી એક અઠવાડિયાથી પૈસાની ઉઘરાણી કર્યા કરતો હતો. મહેન્દ્રગીરી તેના મિત્ર અક્ષય સોનીની સરગાસણ ખાતે આવેલી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસે અવારનવાર આવતો હોવાની જાણ ચંદનગીરીને હતી. પણ ચંદનગીરીએ ફોન કરવા છતાં મહેન્દ્ર ફોન રિસીવ કરતો ન હતો. ત્યારે મહેન્દ્ર તેના ફોઇનાં દિકરા જયેશગીરી ગોસ્વામી તથા અક્ષયભાઇ સોની એમ ત્રણેય જણા સરગાસણ ચોકડી ખાતે સેન્ટ્રો ગાડીમાં બેઠેલ હતા. અને તે વખતે પણ ચંદનગીરીના ફોન આવેલા પણ મહેન્દ્રએ રિસીવ કરતો ન હતો. એ દરમ્યાન ગાડીમાંથી ઉતરી મહેન્દ્ર લઘુ શંકા કરવા ગયો હતો. ત્યારે અચાનક ચંદનગીરી ગાડીમાં આવીને બેસી ગયો હતો. બાદમાં મહેન્દ્ર અને ચંદન પૈસાની ચર્ચા કરવા ગાડીમાં ઘ – ૫ આવ્યા હતા. જેઓની પાછળ મિહિર પટેલ (રહે. કડી) પણ ગયો હતો. જાે કે મહેન્દ્રએ હાલ પૈસાની સગવડ નહીં હોવાનું કહેતા બંને જણાં ગાંધીનગર એસપી કચેરી નજીક ધરતી ઓટો ગેરેજ સામેના રોડ પર આવ્યા હતા. જ્યાં બન્ને વચ્ચે ઉગ્ર માથાકૂટ થઇ હતી.અને બંને વચ્ચે ઝપાઝપી થવા લાગી હતી. એ વખતે અચાનક પાછળથી હોન્ડા સીટી કાર લઈને આવેલા મિહિર પટેલે પોતાની કાર મહેન્દ્ર ઉપર ચઢાવી દીધી હતી. જેથી મહેન્દ્ર નીચે પડી ગયો હતો. ત્યારે હત્યા કરવાના ઈરાદે મિહિરે ગાડી રિવર્સ લઈ આવી મહેન્દ્રનાં પગ ઉપર ચઢાવી દીધી હતી. બાદમાં બંનેએ પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એ વખતે આસપાસના લોકો એકઠા થઈ જતાં બન્ને કારમાં નાસી ગયા હતા. આ અંગે સેકટર – ૨૧ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


