અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી છે. ત્યાં સમાજ કાર્ય વિભાગના પૂર્વ કો-ઓર્ડિનેટરે પોતાની સત્તાનો દુરુપયોગ કરી ખોટી રીતે ભરતી કરી હતી. આ મામલે અનેક વિવાદ થયા જેમાં એક વિદ્યાર્થીને પણ માર મારવામાં આવ્યો હતો. ખોટી નિમણૂક બાબતે તપાસ કમિટી રચીને તપાસ કરવામાં આવી ત્યારે રિપોર્ટ આવ્યા બાદ પૂર્વ કો-ઓર્ડિનેટરે વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ કો-ઓર્ડિનેટર બીજું કોઈ નહીં પરંતુ યુનિવર્સિટીના વિવાદિત ડૉ. પ્રદીપ પ્રજાપતિ છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ અને વિવાદિત પ્રોફેસર ડૉ. પ્રદીપ પ્રજાપતિ સામે સત્તાનો ઉપયોગ કરીને ખોટી નિમણૂક કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રદીપ પ્રજાપતિ સામે એક નહીં પરંતુ અનેક ફરિયાદ નોંધાઇ છે. અગાઉ વિદ્યાર્થીઓને હેરાન કરવા, છેડતી, જાતિવિષયક શબ્દો તથા કૌભાંડ કરવા બદલ ફરિયાદ નોંધાઇ જ છે.વિવાદિત પ્રોફેસર શરૂઆતથી જ ગુજરાત યુનિવર્સિટીના વિરોધી રહ્યા છે.