જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરાયો ૨૦ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ
છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના વિડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર સુશ્રી. સ્તૂતિ ચારણની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન પ્રજા દ્વારા રજૂ કરવામાં આવેલા ૨૦ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજય સરકાર દ્વારા સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમને ૨૦ વર્ષ પુરા થવાના ઉપલક્ષમાં સ્વાગત કાર્યક્રમ વધુ સુદ્રઢ બને એ માટે સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સ્વાગત જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જીલ્લાના વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો દ્વારા તેમની સમસ્યાઓ રજૂ કરતી ૨૦ અરજીઓ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી. સંબંધિત વિભાગના અધિકારીઓ અને રજૂઆતકર્તાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાખી જિલ્લા કલેકટરે તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કર્યો હતો.
આ અંગે વાત કરતા જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે, સૌને સુવિદિત છે કે, સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પુરા થવાના ઉપલક્ષમાં છોટાઉદેપુર ખાતે આજે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૨૦ અરજીઓ આવી હતી. દરેક અરજદારને રૂબરૂમાં સાંભળવામાં આવ્યો હતો. દરેક વિભાગના દરેક અધિકારી સાથે ચર્ચા કરવામાં આવી અને બધા જ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. નિકાલ અંગેની જાણકારી પણ અરજદારને આપવામાં આવી છે એમ કહી તેમણે જેથી બધા જ અરજદારોએ સંતોષ વ્યકત કર્યો છે. આ ઉપરાંત ગ્રામ સ્વાગતમાં આવેલી ૨૧૦૦થી વધારે અરજીઓ તેમજ તાલુકા સ્વાગતમાં આવેલા ૧૫૬ જેટલી અરજીઓનો પણ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે એમ કહી તેમણે આગામી સમયમાં પણ સ્વાગત કાર્યક્રમો આવી જ રીતે થાય એ માટે જિલ્લા વહીવટીતંત્ર પ્રતિબદ્ધ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


