કવાંટ તાલુકાના ચીખલી ગામે પાંચ વર્ષ પહેલા જંગુ રાઠવા પોતાના કાકાના દીકરા કીર્તનને સાંજના છ વાગ્યાના અરસામાં ખેતરના શેઢા પર પથ્થર નાખવા બાબતે ગમે તેમ અપશબ્દો બોલી જતો રહ્યો હતો. ત્યારબાદ રાત્રે લગભગ દશેક વાગ્યે કીર્તન ઘરે ન આવતા તેની માતા તેને શોધતી હતી. ત્યારે રસ્તામાં કાકા ખુમસિંગના ઘર પાસે હતા ત્યારે કીર્તન અને તેના બે મિત્રો સાથે આવ્યો હતો. તે સમયે કાકાના દીકરા જંગુએ પોતાના ખભા પર લટકાવેલી બંદૂક હાથમાં લઈને કીર્તનને સામી છાતીએ ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગેનો કેસ છોટા ઉદેપુરની નામદાર સેશન કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સોનલબેન દેસાઈ, રાજેન્દ્રસિંહ પરમાર અને જયપ્રકાશ પુરાણીની ધારદાર દલીલો અને 23 દસ્તાવેજી પુરાવા અને 15 જેટલા સાક્ષીઓને ચકાસીને આજરોજ નામદાર સેશન કોર્ટે આરોપી જંગુ રાઠવાને આજીવન કેદની સજા તેમજ રૂ. 10 હજાર દંડની સજા ફટકારી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


