ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા જામનગર જિલ્લાની તમામ અદાલતોમાં
દાખલ થયેલા કેસોનું ભારણ ઘટે તથા નાગરિકોને સમયસર ન્યાય મળી રહે, તે હેતુસર
અલગ- અલગ વિષયો પરની નેશનલ લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે, જામનગર જિલ્લામાં આવેલી તમામ કોર્ટમાં આગામી તા. 13-05-2023 ના રોજ
નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી
સમાધાન પાત્ર કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ- 138 (ચેક રિટર્ન અંગેના
કેસો), બેંક રિકવરી દાવા, લેબર તકરારના કેસ, એમ.એ.સી.પી. ના કેસ, લગ્ન વિષયક
તકરારના કેસો, કૌટુંબિક તકરારના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, સર્વિસ મેટરના પે
અને એલાઉન્સિસ, નિવૃત્તિના લાભના કેસો, વીજળી તથા પાણીના બીલોને લગતા કેસો, રેવન્યુ
કેસો (ડીસ્ટ્રીકટ કોર્ટ અને હાઇકોર્ટમાં પેન્ડિંગ હોય તે જ), દીવાની પ્રકારના કેસો (ભાડુ,
સુખાધિકારના કેસ, મનાઇ હુકમના દાવા, સ્પેસિફિક પરફોર્મન્સ) તેમજ અન્ય સમાધાન લાયક
કેસો વિગેરે ધ્યાનમાં લેવામાં આવશે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા જાહેર જનતા અને તમામ પક્ષકારોને
જણાવવામાં આવે છે કે, નેશનલ લોક અદાલતમાં સમાધાનથી તકરારનું નિરાકરણ લાવવા
માટે તેઓના વકીલશ્રી દ્વારા જે- તે કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય તે કોર્ટને કેસ લોક અદાલતમાં
મુકવા માટે સંપર્ક કરવો. લોક અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણ ફોર્મ છે.
જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે, અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય
મળી શકે છે.
લોક અદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકસાની થતા અટકે છે,
અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઇપણ પ્રકારની માહિતી જિલ્લા કાનૂની
સેવા સતા મંડળ, જામનગરના સંપર્ક નં.0288- 2550106 પરથી મેળવી શકાશે. તેમજ દરેક
જિલ્લા/ તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય તો જે- તે જિલ્લા/ તાલુકા કોર્ટનો પણ સંપર્ક
સાધી શકાશે. તેમ સિનિયર સિવિલ જજ, જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, જામનગરની
યાદીમાં જણાવવામાં આવ્યું છે.
