જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ઘાસચારો નાખવા તથા વેચવા પર પ્રતિબંધ ફરમાવવા તથા માલીકીના ઢોરને જાહેર રસ્તા ઉપર છોડી મુકવા કે રખડતા ભટકતા રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.
વાહન ચાલકો અને જાહેર જનતાની સલામતી જળવાઇ રહે તથા ટ્રાફિક નિયમન થઇ શકે તેમજ મનુષ્યના જાન, સ્વાસ્થ્ય તથા સલામતી જળવાઇ રહે તે માટે આવેલ દરખાસ્તો/અભિપ્રાયો ઉચીત હોવાનું જણાતું હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ રચિત રાજને ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૧૪૪ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(બી)(સી) થી મળેલ અધિકારીની રૂએ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારમાં જાહેરમાર્ગો, ફુટપાથ તથા જાહેર સ્થળો ખાતે કોઇ પણ વ્યક્તિએ ઘાસચારાનું વેચાણ કરવું નહિ કે જાહેરમાં ઘાસચારો નાખવો નહિ. જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારોમાં માલિકીના ઢોરને જાહેરમાં તેમજ રસ્તાઓ ઉપર છોડી મુકવા નહિ કે રખડતા ભટકતા રહે તે રીતે રાખવા નહીં.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.
આ જાહેરનામું તાત્કાલીક અસરથી તા.૦૧/૦૩/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.
