મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
“સુપોષિત પૂર્ણા છે ગુજરાતનું અભિમાન” મેળામાં લાભાર્થી બહેનો માટે ઉત્તમ વ્યવસ્થા અને યોગ્ય માર્ગદર્શન આપવા કલેકટરશ્રીનો અનુરોધ
તારીખ ૫ થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન ખેડા જિલ્લામાં પાંચ સ્થળોએ મેળાનું આયોજન કરવામાં આવશે.
બેટી બચાવો બેટી પઢાવો યોજના તથા પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે ‘કિશોરી કુશળ બનો’ થીમ હેઠળ બ્લોક કક્ષાએ “સુપોષિત પૂર્ણા છે ગુજરાતનું અભિમાન” મેળાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટર કે. એલ, બચાણીએ લાભાર્થી બહેનો માટે ઉત્તમ વ્યવસ્થા અને યોગ્ય માર્ગદર્શન મળી રહી તે અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
“સુપોષિત પૂર્ણા છે ગુજરાતનું અભિમાન” મેળો ખેડા જિલ્લામાં તારીખ ૫ થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન યોજવામાં આવશે. તારીખ ૦૫-૦૧-૨૦૨૩ના રોજ કઠલાલની શેઠ હાઇસ્કુલ ખાતે, ૦૬-૦૧-૨૦૨૩ ના રોજ મહેમદાવાદના તાલુકા પંચાયત નજીક ડોક્ટર આંબેડકર હોલ અને નડિયાદના પીજ રોડ પર આંબેડકર હોલ ખાતે, તારીખ ૦૯-૦૧-૨૦૨૩ના રોજ વસોની એ.જે. હાઇસ્કુલ ખાતે અને તારીખ ૧૦-૦૧-૨૦૨૩ના રોજ કપડવંજ ખાતે યોજવામાં આવશે.
જિલ્લા કલેકટર એ જિલ્લાની કિશોરીઓને ઉદ્દેશીને યોજાનાર આ મેળાના સંદર્ભમાં જિલ્લાના તમામ સંલગ્ન વિભાગોના અધિકારીઓને મેળામાં તેમના દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા અનુરોધ કર્યો હતો. તેમણે રોજગાર, એજ્યુકેશન, કૌશલ્ય વર્ધન માટે સ્ટોલ; શી-ટીમ અને સુરક્ષાના સૂચકો અંગે લેક્ચર; એજ્યુકેશન લોન વિશેની માહિતી; લીગલ અવેરનેસ પ્રોગ્રામ પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓ અંગે સ્ટોલ ઉપરાંત સુકન્યા સમૃદ્ધિ વગેરેનું યોગ્ય આયોજન સુનિશ્ચિત કર્યું હતું. વધુમાં કલેકટરએ આ મેળાના પર યોગ્ય પાર્કિંગ, લાઈટ, પાણી, સેનીટેશનની સુદ્રઢ વ્યવસ્થા રાખવા સૂચના આપી.
આ મેળા અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ; આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ; સરકારી બેન્ક અને પોસ્ટ ઓફિસ; મહિલા અને બાળ અધિકારીની કચેરી અને ગૃહ વિભાગ; જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ; શ્રમ અને રોજગાર વિભાગ; સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા કુલ ૯ સ્ટોલ ઉભા કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, અધિક નિવાસી કલેકટર બી. એસ. પટેલ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


