સ્નેહલ નિમાવત
9429605924
સમી સાંજનો સમય હતો.રાહી તેના રુમમાં કબાટ ગોઠવી રહી હતી.તેના મનપસંદ ડ્રેસને સરસ રીતે ગોઠવી રહી હતી.નવા આવેલા ડ્રેસ તે સૌથી ઉપર ગોઠવી રહી હતી. તેને નવા ડ્રેસ પહેરવા ખૂબ ગમતા.
કબાટ ગોઠવતા જ તેના હાથમાં જુનો આલ્બમ હાથમાં આવ્યો.આઠમા ધોરણમાં પીકનીક ગયેલા ત્યારના જુના ફોટા કાઢીને જોઇ રહી હતી.ત્યાં જ તેના કાનમાં ખાસ બહેનપણીના આવાજો ગુંજવા લાગ્યા. મિત્રો સાથેની મસ્તી તેને યાદ આવી.તેની એક ખાસ બહેનપણી હતી સુકન્યા.તેની સાથેની તેની એટલી ગાઢ મિત્રતા હતી કે બંને સાથે ને સાથે જ રહેતા.
લાઇબ્રેરી,ક્લાસ હોય કે સ્કુલની કેન્ટીન બંને બહેનપણી હંમેશા સાથે જ રહેતી. એક દિવસ રાહી તેના મામાની વાત કરતી હતી કે આ વખતે તે તેના મામાના ઘરે વહેલી રોકાવા જવાની છે.બસ આટલું જ સાંભળતા સુકન્યા રડવા લાગી.તેના મામાના ઘરે સુકન્યા જઇ શકે તેમ નહોતી.આ વાતની રાહીને બિલકુલ ખબર જ નહીં.સુકન્યાને શાંત પાડીને રાહીએ તેની પાસેથી બધી વાત જાણી લીધી.
સુકન્યા જ્યારે નાની હતી ત્યારે તેની મામી અને તેની મમ્મી વચ્ચે મોટો ઝગડો થયેલો એટલે ત્યારથી જ તે મામાની ઘરે ગઇ નહોતી.નાની હોવાના લીધે તેને કશી ખબર નહોતી કે શું થઇ રહ્યું છે. નાના બાળકોને મોટાની વાતો ન સમજાય એ માટે વડિલો તેમને અમુક વાતોથી બાળકોને દૂર જ રાખતા હોય છે.બાળકોને બીજા રુમમાં મોકલીને તેઓ વાત આટોપી લેતા હોય છે.સુકન્યા ત્યારે માત્ર બે વર્ષની જ હતી.આ જ ઘટનાના પડઘા તેના મન પર બહુ ઘેરા પડેલા. કોઇ મોટા અવાજે વાતો પણ કરે તો પણ એ ડરી જતી.
સુકન્યા મનમાં ને મનમાં સીજાતી રહેતી.રાહીએ આ વાત નોટીસ કરી.રાહી તેને આ વાતમાંથી બહાર લાવવા શું કરી શકાય એવું એની મમ્મીને જ્યારે પુછ્યુ ત્યારે તેની મમ્મીએ વાત કરી.તેની મમ્મીએ આખી વાત જાણીને કહ્યું
‘બેટા સુકન્યા સાથે બહુ જ પ્રેમથી વાત કરજે.તેના મનમાં શું ચાલે છે એ જાણી લેજે.વાતો વાતોમાં તેને શું ગમે છે એ જાણી લેવું.તેને જે કરવામાં વધુ આનંદ આવે છે તે જ કરવું.તેને ઘરે લઇ આવજે.તેની સાથે વધુ સમય પસાર કરજે.તેનો ગુસ્સો ક્યાંયથી નીકળે તો નીકળવા દેજે.તેનો ગુસ્સો નીકળી જશે પછી તે શાંત થઇ જશે.તે રડે તો તેને રડવા દેજે.’
રાહી આ બધી વાતો સમજવા મથીરહી હતી.તેણે અને તેની મમ્મીએ સુકન્યા સાથે વધુ સમય વિતાવીને તેને આ પરેશાનીમાંથી બહાર કાઢી હતી.આ બધી વાતો રાહીના મનમાં યાદ આવતી રહી. જુના સમયને વાગોળતા વાગોળતા તે કબાટ ગોઠવતી રહી.
બે-ચાર દિવસ પછી રાહીનો જન્મદિવસ હતો.આ દિવસે તે વૃધ્ધાશ્રમમાં જઇ સમય વિતાવતી અને ત્યાં જ સૌને જમાડતી અને ખુદ જમતી.વર્ષોથી તેનો આ જ નિયમ હતો.રાહી એના જન્મદિવસના દિવસે તેના ઘર નજીકના જ નવસર્જન વૃધ્ધાશ્રમમાં ગઇ.
રાહીએ સૌ સાથે સમય પસાર કર્યો.તેને મજા આવી ગઇ.સૌ વડિલોના આશીર્વાદ તેને મળ્યા.તે મનમાં હરખાતી રહી.આ વખતે એક નવા બહેન આવ્યા હતા.જેનું નામ હતું શીલા મહેતા.શીલાબહેન શાંત હતા.કંઇ જ બોલતા નહીં.બધાની સામે ટગર મગર જોયા કરે. રાહીએ માલતીબહેન પાસેથી શીલાબહેનની માહિતી લીધી.પતિના મૃત્યુ બાદ શીલાબહેન એકલા રહી ગયેલા.તેના પુત્ર અને પુત્રવધુએ તેમને કાઢી મુક્યા હતા.માલતી બહેને કહ્યું
‘રસ્તા પરથી તેમને લઇ આવ્યા હતા. આજે તેમને અહીં આવ્યે ચાર મહિના થઇ ગયા છે પણ તેઓ કોઇ સાથે વાત નથી કરતા.રાહીને તેમના માટે લાગણી થઇ આવેલી.તેણે કહ્યું હું તેમને મળવા ફરી ક્યારેક આવીશ.મારી એક બહેનપણી છે સુકન્યા એની સાથે આવીશ.તે શીલાબહેનને મળીને ખુશ થશે.’
થોડા દિવસ પછી રાહીએ સુકન્યાને ફોન કર્યો અને શીલા બહેનની વાત કરી. સુકન્યા અને રાહીએ ત્યાં જવાનું નક્કી કરી દીધુ હતું.બંને જણા બીજા જ દિવસે ત્યાં પહોંચી ગયા.શીલા બહેનને મળવા તેઓ વૃધ્ધાશ્રમમાં ગયા.શીલાબહેન ગુપચુપ બેસી રહેલા.કોઇ સાથે વાત પણ નહોતા કરતા.સુકન્યાએ વાત કરવાની શરુ કરી.શીલાબહેને સુકન્યાને જોઇ તેનું નામ પુછ્યુ, સુકન્યાની માતાનું નામ પુછ્યું અને પછી તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા.તેમને શાંત કરવામાં ઘણો સમય વિતી ગયો.ધીરે રહીને સુકન્યાએ માલતીબહેન પાસેથી શીલાબહેનની વિગતો જાણી અને સુકન્યા ડઘાઇ ગઇ.
શીલાબહેન બીજા કોઇ નહીં પણ સુકન્યાના મામી જ હતા.સુકન્યા પોતાના મનને સંભાળીને મન સ્થિર કરીને શીલાબહેનને મળવા ગઇ.તેણે પુછ્યું મામી તમારી આવી હાલત કેવી રીતે થઇ? આટલું સાંભળતા રાહી પણ ચોંકી ગઇ.
શીલાબહેને વાત શરુ કરી. ‘હું લગ્ન કરીને જ્યારે તારા મામાના ઘરમાં આવી ત્યારે મને આખા ઘર પર કબજો જોઇતો હતો.મને સૌરભના માતા પિતા ખટકતા હતા.સૌરભ મને સમજાવતો.ક્યારેક મારી સાથે ઝગડતો પણ હું ટસની મસ ન થતી.મેં તેના માતા પિતાને ઘરમાંથી નીકળી જવા મજબુર કરેલા.તેઓ દીકરાની ખુશી માટે આખી જિંદગી ગામડે જ રહ્યા.હું સૌરભને તેમને મળવા પણ ન જવા દેતી.
સૌરભ અને તેના માતાપિતાનું મન રોજ દુભાતુ હશે.આજે મને અફસોસ થાય છે કે મેં તેમને ન સાચવ્યા એટલે આજે મારે પણ આવો દિવસ જોવો પડ્યો.આજે મારા જ એકનાએક દિકરાએ વહુના કહેવાથી મને કાઢી મુકી છે.હું તેમના નવા ઘરમાં શોભતી નહતી.મારો એક ખાટલો તેમના ઘરમાં પોસાતો નહોતો.મારા રુમમાં તેમણે તેમના ખાસ પોમેરીયન કુતરાનો રુમ બનાવ્યો છે.વહુને હું ઝેરની જેમ ખટકતી હતી.
મારો દિકરો,મારો વ્હાલો દિકરો મારુ વ્હાલ ભુલીને આધુનિકતાની દોડમાં ખોવાઇ ગયો છે.મને મારી મારીને બધી મિલકત તેમણે કબજે કરી લીધી.આજે મારા હાથપગ ચાલતા નથી એટલે હું તેમના કોઇ કામની નથી.જોકે આજે લગભગ ઘણા ઘરોમાં આમ જ બન્યું છે.
મેં મારી જુવાનીમાં મારો સ્વાર્થ જોયેલો.હું ખૂબ રુપાળી હતી એટલે એનું મને અભિમાન હતું.આજે મારે બધાની માફી માંગવી છે,પણ જેની માફી માંગવી છે એ કોઇ મારી પાસે નથી.મેં કંઇક સારુ કામ કર્યું હશે તો આજે તને મળી શકી.સુકન્યા હું તારી માફી માંગુ છું,તારી માતાની પણ માફી માંગુ છું.મેં તેમને પણ ઘણી ખરીખોટી સંભળાવી છે.તેઓ મને છેક સુધી સમજાવતા રહ્યા.પણ મે તેમનું ઘોર અપમાન કરેલું.આજે મારી પાસે કોઇ જ નથી.જીવન ક્યાં ટુંકાવી નાંખુ એ જ સમજાતુ નથી.’
સુકન્યા અને રાહીએ શીલાબહેનની વાતો સાંભળી અને તેમને સમજાવ્યા ‘ જે કંઇ થયુ એ ભુલી જાવ અને અહીં આરામથી રહો તમને કોઇ તકલીફ નહીં પડે.કંઇપણ કામ હોય તે અમને કહેજો.તેમની વાતો સાંભળી તો તેમની આંખોમાં એક અજીબ ચમક અનુભવાતી હતી એવું લાગ્યું કે તેમના મનને ટાઠક મળી છે.
વૃધ્ધાશ્રમનું કામ પતાવીને સુકન્યા અને રાહી ઘરે ગયા.તેઓ હજી ઘરેપણ નહોતા પહોંચ્યા રસ્તામાં જ માલતીબહેનનો ફોન આવ્યો કે શીલાબેન હવે આ દુનિયા છોડી દીધી છે.
રાહી અને સુકન્યા પાછા વૃધ્ધાશ્રમમાં પહેંચ્યા.રાહી વિચારી રહી, ‘જાણે શીલાબહેન સુકન્યા પાસે મન હળવું કરીને ગયા છે.તેમનું અશાંત મન કંઇક આજે શાંત હતું.તેમના ચહેરા પર અજંપો નહોતો પણ મનનો ઉભરો ઠાલવી દીધાનો સંતોષ હતો….સુકન્યાનું મન અશાંત જરુર હતું પણ સમયની સાથે તે શાંત થઇ જશે એની ખાતરી રાહીને હતી કેમને સુકન્યા હવે સમજદાર,ધીર ગંભીર અને વ્યવહારુ થઇ ગઇ હતી.સુકન્યા દરેક પરિસ્થિતીમાં પોતાને સંભાળી લેતી હતી કેમકે તેની સાથે રાહી જેવી મિત્ર હતી અને સુકન્યા ખુદ ઘણી સમજદાર હતી..
કડવું છે પણ સત્ય છે.
અભિમાન સારુ નથી હોતુ.સમય જ્યારે તમને સમજાવે છે ત્યારે તેની રીત આકરી હોય છે.માટે સમય હાથમાંથી નિકળી જાય એ પહેલા સમજીએ.