જૂનાગઢ જિલ્લામાં તા.૯-૪-૨૦૨૩ રોજ ૭૯ કેન્દ્ર પર જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા યોજનાર છે. આ સંદર્ભે પરીક્ષાર્થી ઉમેદવારો માટે સવલતો અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ અને જરૂરી વ્યવસ્થાઓની વિગત કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસીયાએ આપી હતી.
તેમણે જણાવ્યું કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સિનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા સકારાત્મક માહોલમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. આ પરીક્ષામાં અપેક્ષિત રીતે ૨૩,૨૨૦ જેટલા ઉમેદવારો પરીક્ષા આપનાર છે. તેમ જણાવતા કલેક્ટરશ્રીએ કહ્યુ કે, જિલ્લામાં આ પરીક્ષા સૂચારૂ રીતે યોજાય તે માટે ૧૩૬ અધિકારી, પરીક્ષા કેન્દ્રોવાર એક નિરિક્ષક એટલે કે, ૭૯ બોર્ડના પ્રતિનિધિ, અંદાજિત ૧૪૩૯ જેટલા જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ પરીક્ષાલક્ષી ફરજો બજાવશે. ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ૪૩૦ પોલીસ સ્ટાફને પણ પરીક્ષાલક્ષી બંદોબસ્તની ફરજો સોંપવામાં આવી છે. ઉપરાંત સિનિયર કક્ષાના બે અધિકારીઓ સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પર દેખરેખ રાખશે.
દરેક પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે કેન્દ્ર વાર એક નિરીક્ષક સીસીટીવીના માધ્યમથી પરીક્ષા પ્રક્રિયા ઉપર નજર રાખશે. ઉપરાંત ૧૫ જેટલી ફ્લાઈંગ સ્કોડની ટીમ પણ વિવિધ કેન્દ્રો પર જઈ પરીક્ષા પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે.
પરીક્ષાર્થીઓની પરિવહન વ્યવસ્થા માટે ૨૩૪ જેટલા એસટી બસના રૂટ ફાળવવામાં આવ્યાં છે. સાથે જ આ માટે એક હેલ્પ ડેસ્ક પણ કાર્યરત રહેશે. ઉપરાંત પરીક્ષા દરમિયાન અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે પીજીવીસીએલ સાથે સંકલન સાધવામાં આવ્યું છે.
કલેક્ટરશ્રીએ ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર પર સ્થાન લેવા અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતા જણાવ્યું કે, પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લુટુથ વગેરે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ લઈ જવા પર પ્રતિબંધિત છે. ફોટો આઈડી પ્રૂફ અને હોલ ટિકિટ અચૂક સાથે લઈ જવાની રહેશે.
કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, પેપર લીકના મામલામાં રાજ્ય સરકારે કડક કાયદો ઘડ્યો છે. આ ગુનો આચારનારને ૧૦ વર્ષ સુધીની સજા અને એક કરોડ સુધીનો દંડ થઈ શકે છે.
પરીક્ષાર્થી ઉમેદવારોના પ્રશ્નોના નિરાકરણ માટે હેલ્પલાઇન નંબર ૦૨૮૫૨૬૩૬૦૩૨ પર સંપર્ક કરી શકશે.
ઇન્ચાર્જ અધિક નિવાસી કલેકટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી.જી. પટેલ પ્રેસ કોન્ફરન્સની પૂર્વભૂમિકા આપી હતી.
કલેકટર કચેરી ખાતે આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ સહિતના અધિકારીઓ અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
૦૦૦૦૦


