જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિમાં મહિલાઓની ભૂમિકા અંગે અમરેલીના વડિયા ગામે તાલીમ યોજવામાં આવી હતી.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્રારા અમરેલી જિલ્લાના વડીયા ખાતેના મહિલાઓની સેન્ટર ઓફ કોમ્યુનીકેશન નેટવર્ક યોજના અંતર્ગત બહેનોની તાલીમ તા.૧માર્ચ થી શરૂ થઈ છે. કુલપતિ શ્રી ડો વી.પી ચોવટિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એચ.એમ.ગાજીપરાએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું કે, ખેતી અને પશુપાલનમાં બહેનોનો મહત્વનો ફાળો છે. ઘરકામની સાથે સાથે ખેતી અને પશુપાલનમાં પણ મહત્વની ભૂમિકા છે. કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રોએ કૃષિના યાત્રાધામ છે. સાથે જ વૈજ્ઞાનિક ખેતી માટેની ભૂખ ઉઘાડવી જોઈએ. આજે વૈજ્ઞાનિક ખેતી કરવાથી સમય-શકિતનો બચાવ થશે, વાવણી, ટપક પદ્ધતિથી ખાતર- પાણીનો કાર્યક્ષમ ઉપયોગ અને ગ્રેડીંગ અને કાપણીની કામગીરીથી ખેતીખર્ચ ઘટાડી આયોજનબદ્ધ ખેતી કરવાથી સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાશે. ખેતી વ્યવસાયમાં વધુ યુવાનો ટકી રહે અને તેને નફાકારક કેમ બનાવી શકાય તે અંગે ગામડાઓ સુધી માહિતી લઈ જવાની જરૂરીયાત છે.
કૃષિક્ષેત્રે નવા અનેક સંશોધનો હાથ ધરાયા છે. આ સંશોધનો ખુબા ઝડપથી ખેડૂતો સુધી પહોચે તે માટે વિસ્તરણની પ્રવૃત્તિઓ સધન બનાવાઈ છે. તેમ શ્રી ગાજિપરાએ ઉમેર્યું હતું.
ડો. જી.આર. ગોહિલે આ તાલીમ કાર્યક્રમમાં કૃષિમાં મહિલાઓની ભૂમિકા અને મહિલા સશકિતકરણ વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું, તેમજ પ્રો.પીન્કીબેન શર્માએ પોષક આહાર,આરોગ્ય અને સ્વચ્છતાનું માનવ જીવનમાં મહત્વ, દુધાળા પશુઓની માવજત, પશુ આહાર, બેકરીશાળામાં ચાલતા કોર્ષ અને બેકરી વાનગીની બનાવટ વિષે માહિતી આપી હતી. આ પ્રસંગે ડો.એમ.કે. જાડેજા, ડો. કે.એમ. કારેથા ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ કાર્યક્રમનું સંચાલન અને સંકલન ડો.બી.એન.કલસરીયાએ કર્યુ હતુ.


