Gujarat

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે ૧૫ દિવસનો ગ્રીન હાઉસ, નેટ હાઉસ ટેકનોલોજી ઉપર તાલીમ કાર્યક્રમ         

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે ૧૫ દિવસનો ગ્રીન હાઉસ, નેટ હાઉસ ટેકનોલોજી ઉપર તાલીમ કાર્યક્રમ શરૂ થયો છે. આ પ્રસંગે કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટીયાએ તાલીમનું ઉદ્દઘાટન કરતાં જણાવ્યું કે, ધાન્ય પાકો, કઠોળ પાકો, રોકડીયા પાકો, તેલીબિયાના પાકો, મરી-મસાલાના પાકો સહિતની સાથે શાકભાજી અને ફળ પાકોની ખેતીનું પ્રમાણ વધ્યું છે. તે સાથે આ પાકો ગુણવતાસભર બને તે માટે વૈજ્ઞાનિકો રક્ષિત ખેતીની ભેટ ધરી તેને કારણે આજે નેટ હાઉસ અને ગ્રીન હાઉસમાં થતી ખેતીનું પ્રમાણ વધ્યું છે. એટલું જ નહી અગાઉની સરખામણીમાં ઓંછા ખર્ચે વધુ ઉત્પાદન આપતા વિવિધ પાકો ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં થાય છે. રાજ્ય સરકારે પણ રક્ષિત ખેતીને પ્રાધાન્ય આપ્યું છે. તેને હિસાબે ગુજરાતના વધુને વધુ લોકો રક્ષિત ખેતી કરતા થયા છે. ગુજરાત રાજ્યના હોર્ટીકલ્ચર મિશને પણ ગ્રીન હાઉસ, નેટ હાઉસમાં થતી ખેતીને પ્રાધાન્ય આપ્યું તેને લીધે બાગાયત નિયામકશ્રી ચારેય કૃષિ યુનિવર્સીટીમાં ગ્રીન હાઉસ, નેટ હાઉસમાં થતાં પાકો પર આ ખાસ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એચ.એમ.ગાજીપરાએ ગ્રીન હાઉસ એ કાચ અથવા પ્લાષ્ટીકથી બનાવેલુ એક ઘર જેવું માળખું હોય છે. જેમાં ઇચ્છિત પાકને અનુકૂળ હવા, તાપમાન, પાણી, ભેજ, છોડવાંઓને પોષક તત્વો, પ્રકાશ વિગેરે નિયંત્રિત કરીને એટલે કે નિયંત્રીત તાપમાન અને વાતાવરણમાં ખેતી કરીને મહત્તમ માત્રામાં  ઉત્પાદન મેળવી શકાય છે. આમાં મશરૂમની ખેતી, વિવિધ ફુલોનીં ખેતી, શાકભાજીની ખેતી, ઔષધી પાકોની  ખેતી વગેરે આવી શકે છે. લો કોસ્ટ ગ્રીન હાઉસનો ઉપયોગ કરી હાલની પર્યાવરણીય સમસ્યાઓ(વધુ ઠંડી, વધુ તાપ કે વધુ  વરસાદ)થી બચવા નાના ખેડૂતો ગુણવત્તા સભર પાકો મેળવવા માટે ગ્રીનહાઉસનો ઉપયોગ કરે તો બેથી અઢી ગણું ઉત્પાદન મેળવી શકે છે.

હાલના તબક્કે  ગુજરાતમાં પણ શાકભાજીની ખેતી માટે ગ્રીનહાઉસને ખૂબ જ મહત્વનું  અંગ ગણવામાં  આવે છે. આપણા રાજ્યમાં ઉનાળામાં ઊંચુ તાપમાન, અચોકકસ વરસાદ, વધુ પડતો તીવ્ર  સૂર્યપ્રકાશ તેમજ હવામાનના  ભેજના ટકામાં વધ-ઘટ વગેરે વાતાવરણીય પરિબળોથી શાકભાજીના પાક ઉત્પાદન પર માઠી અસરો જોવા મળે છે. આવી વિષમ પરિસ્થિતિમાં ગ્રીનહાઉસ દ્વારા  અંદરના  વાતાવરણના પરિબળને નિયંત્રણમાં રાખી સારી ગુણવત્તાવાળા રોગ જીવાત મુકત શાકભાજી મેળવી શકાય છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંયુક્ત બાગાયત ખેતી નિયામકશ્રી આર.એચ.લાડાણી, બાગાયત કોલેજના આચાર્ય અને ડીનશ્રી ડો.ડી.કે.વરુએ માર્ગદર્શન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.વી.જે.સાવલિયા તેમજ ડો.બી.એન.કલસરિયાએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *