જૂનાગઢ શહેરની સરકારી પ્રાથમિક શાળા કન્યા શાળા નંબર ૪ પ્રાથમિક શાળામાં શ્રેષ્ઠતા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. શાળામાં સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની જુદી જુદી સ્કીલ આધારિત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતુ. આ સ્કીલમાં જેને શ્રેષ્ઠતા સિદ્ધ કરી તેવા વિદ્યાર્થીઓને જુદી જુદી ૫૩ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા.જેમાં બેસ્ટ સ્ટોરી રાઈટર, બેસ્ટ રીડર, બેસ્ટ સિંગર,બેસ્ટ કેન્ટીન મેનેજમેન્ટ,બેસ્ટ મ્યુઝીશિયન,બેસ્ટ ઈંગ્લીશ રીડર વગેરે જેવી ૫૩ કેટેગરીનો સમાવેશ થાય છે.
મોટે ભાગે શાળાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારને જ પુરસ્કાર અપાય છે.પરંતુ ૨૦૧૫ના વર્ષથી આ શાળામાં વિદ્યાર્થીઓને કૌશલ્ય આધારિત એવોર્ડ આપવામાં આવી રહ્યા છે.શાળાના ૪ વાલીઓને બેસ્ટ સપોર્ટીવ પેરેન્ટ્સનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે વાલીઓ શાળાને સહકાર આપે છે અને બાળકના અભ્યાસમાં પુરતું ધ્યાન આપે છે એવા વાલીઓને આ એવોર્ડ મળે છે.
ઉપરાંત, જે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં વધુ ગુણ મેળવીને પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવ્યો છે તેમને પણ એવોર્ડ આપવામાં આવ્યા છે. દરેક એવોર્ડ આપતી વખતે વાતાવરણ સંગીતમય બનાવવામાં આવ્યું હતું. આમ, ૫૩ કેટેગરી એવોર્ડ, ૪ બેસ્ટ પેરેન્ટ્સ એવોર્ડ અને ૩૩ ઉચ્ચ ગુણ ધરાવતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર એમ કુલ ૯૦ (નેવું) જેટલા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
શાળાના શ્રેષ્ઠતા સન્માન સમારંભમાં વિદ્યાર્થી અને વાલીઓએ પોતાના પ્રતિભાવો પણ આપ્યા હતા. ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કર્યો હતો.શાળામાં ટ્રાન્સપોર્ટ સુવિધા અંતર્ગત ચાલતા ચાર વાહનોના ચાર ડ્રાઈવર, મધ્યાહન ભોજન સંચાલક તેમજ ત્રણ રસોઈયા બહેનો, એસ.ટી.પી. વર્ગના બે બાલમિત્ર શિક્ષકો, સફાઈ કામદાર દંપતી, બે પ્રવાસી શિક્ષકોનું શાળા દ્વારા ગીફ્ટ (કપડાની જોડી અને ડ્રેસ) આપી સન્માન કરવામાં આવ્યું હતું.
એવોર્ડ માટેના તમામ શિલ્ડના દાતાશ્રી આનંદ ચત્રભુજભાઇ રાજપરા હાલ હૈદરાબાદ કે જેમણે ૧૦,૦૦૦ રૂપિયા જેવી માતબર રકમ આપેલી. તેઓ ઉપસ્થિત રહી શકયા ન હતા પરંતુ તેમના પ્રતિનિધિશ્રી ભાવેશભાઈ પાનેલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.
શાળાના શિક્ષિકા બહેનશ્રી મીનટુબેન હિન્સુએ તેમના સંબંધી દ્વારા રૂ. બે લાખ રૂપિયાની વસ્તુઓનું દાન શાળાના વિદ્યાર્થીઓ માટે સમગ્ર વર્ષ દરમિયાન લાવ્યા તેમની સાથે તેમના પતિશ્રી સતીષભાઈ વાછાણી કે જેઓ શાળાના દરેક કાર્યોમાં ભરપુર સહકાર આપે છે તે બંનેનું દંપતી સ્વરૂપે શિલ્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા, જીલ્લાના અધિકારીશ્રીઓ, શિક્ષક સંઘના આગેવાનશ્રીઓ, સ્વેચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ, સરદાર મ્યુઝીયમના અધિકારીશ્રી, એસ.એમ.સી.ના સદસ્યશ્રીઓ, બહોળી સંખ્યામાં વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રેષ્ઠતા સન્માન સમારંભને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી તથા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખંતપૂર્વક કાર્ય કરેલ એમ જૂનાગઢ કન્યા શાળા નં.૪ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી તરૂણકુમાર કાટબામણા એ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતુ.
