પેટા
હત્યામાં વપરાયેલ મુદ્દામાલ કબજે થઈ ગયો છે, આરોપી હત્યાની કબૂલાત પણ આપી દીધી છે છતાં ત્રણ દિવસના રિમાન્ડ મંગાશે : પીઆઇ અજીતસિંહ હેરમાં
જેતપુરમાં રામનવમીના પવિત્ર દિવસે જ એક અઢી વરસની પરપ્રાંતીય બાળકીનું તેમની જ પરપ્રાંતીય જ્ઞાતિના નરાધમ બિહારના રાજેશ અગવડે ચૌહાણ નામના વિકૃત શખ્સે દુષ્કર્મના ઇરાદે નિર્મમ હત્યા કરી લીધાની ઘટનાએ સૌના દિલમાં કંપારી છોડાવી છે. ત્યારે ગણતરીના કલાકોમાં જ રાજકોટ જિલ્લા પોલીસ વડા રાઠોડની સૂચનાથી સ્થાનિક ડીવાયએસપી રોહિત ડોડીયાના માર્ગદર્શન તળે જેતપુર શહેર પોલીસના પીઆઇ અજીતસિંહ હેરમાંએ પોતાના સ્ટાફને સાથે રાખી આરોપીને દબોચી લીધો તેની રાજકોટ જિલ્લાભરમાં પ્રસંશા થઈ રહી છે. બીજીબાજુ આજે સ્થાનિક પત્રકારોને બોલાવીને પીઆઇ દ્વારા બનાવની વિગતો આપવામાં આવી હતી અને આજે તા. 2 ના રોજ આરોપીને અત્રેની કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરાશે તેવું જણાવ્યું હતું.
આજે પોલીસ મથકોએ પીઆઈ હેરમાં દ્વારા વિગતો જાહેર કરાઇ હતી કે, ભાદરના સામા કાંઠા વિસ્તારમાં સાડી એકમોના વિસ્તારમાં રામનવમીના દિવસે જ એક પરપ્રાંતિય પરિવારની અઢી વરસની બાળકી ગુમ થયાની વાલીઓએ પોલીસને જાણ કરતાં આ બનાવને ગંભીર ગણી ટેકનિકલ સ્ત્રોત ઉપરાંત બાળકી જ્યાંથી ગૂમ થઈ તે વિસ્તારના સીસી કેમેરા તપાસવાની કાર્યવાહી કરાઇ હતી. જેમાં એક ફૂટેજમાં એક શખશ આગળ અને તેની પાછળ એક નાનકડી બાળકી ચાલી જતી હોવાનું જોવા મળતા તાત્કાલિક ફૂટેજ વાળા વિસ્તારમાં પોલીસ કાફલો પહોંચ્યો હતો.
અને તે વિસ્તારમાં ચારે બાજુ તપાસ કરતાં એક સાડી કારખાનાના પડેલા લાકડાના ઢગલા વચ્ચે એક શંકાસ્પદ પ્લાસ્ટિકની કોથળી જોવા મળતા તે તપાસવામાં આવતા તેમાંથી મૃત બાળકી મળી આવી હતી. આ સમયે પોલીસ પણ અવાચક બની ગઈ હતી. પણ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને તુરતજ 4-5 પરપ્રાંતીય શખશોને ઉઠાવીને આગવી ઢબે સરભરા કરતાં એક મૂળ બિહારનો રાજેશ અગવડે ચૌહાણ નામનો શખ્સ સરભરાથી ડરી જઈને કબૂલાત કરી લીધી હતી કે તેમણે બાળકીની હત્યા કરી હતી.
બોક્સ :
રાજેશની કબૂલાત પરથી તેમને આરોપી બનાવીને કરાઇ ધરપકડ
જેતપુર : જેતપુર શહેર પોલીસના ઉપરોક્ત અધિકારીએ એવી વિગતો આપી હતી કે બાળકીના ઘર પાસે પાન-બીડીનો ગલ્લો હોય ત્યાં આરોપી રાજેશ રોજ જતો અને તેમની નજરમાં કુમળી વયની બાળકી આવતા કામવાસનાનો કીડો સળવળ્યો હતો અને દુષ્કર્મના ઇરાદે બાળકીને ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપી દૂર અવાવરુ જગ્યામાં દોરી ગયો હતો અને આ વાતના પોલીસ સીસી ફૂટેજ પણ કબજે કર્યા છે. આવી કબૂલાત પરથી રાજેશને બાળકીની હત્યાનો આરોપી બનાવી પોકસો અને ખૂન સહિતની કલમો અન્વયે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
બોક્સ : બાળકીએ બૂમો ન પાડી હોત તો હવસખોરે વાસના સંતોષી લીધી હોત !
જેતપુર : પોલીસ અધિકારીએ એવું પણ જણાવ્યું હતું કે, બદકામના ઇરાદે જ નરાધમ રાજેશ બાળકીને લઈ જતો હતો અને નિયત સ્થળે તે હવસખોરી સંતોષે તે પહેલા બૂમાંબૂમ કરી મૂકતાં તે પકડાઈ જવાના ડરથી ડઘાઈ ગયો હતો અને બાળકીને માથામાં પથ્થર ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
બોકસ :
પોલીસ ન પહોંચી હોત તો બાળકીની લાશને સગેવગે કરાઇ હોત !
જેતપુર : પીઆઇ હેરમાંએ એવી પણ ચોંકાવનારા પ્રશ્નના જવાબ આપતા કહ્યું કે જો પોલીસના હાથમાં બાળકીની લાશ ન આવી હોત તો નરાધમ બીજે દિવસે જઈને લાકડાના ઢગલામાં છુપાવેલી બાળકીની લાશને નજીકના કારખાનાના બોઇલરમાં ફેંકીને પુરાવાનો નાશ કરી નાખે તેવી હિચકારી ઘટના બની શકે તેવી સંભાવના નકારી શકાતી નથી.
બોક્સ :
નરાધમ રાજેશને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના મંગાશે રિમાન્ડ
જેતપુર : હત્યામાં વપરાયેલ પથ્થર સહિતના સાયોગીક પુરાવાઓ એકત્ર કરી લેવાયા છે. આરોપી પકડાઈ ગયો છે અને હત્યા કબૂલી લીધી છે. એ જોતાં હવે આરોપી રાજેશ ચૌહાણને આજે 2જી એપ્રિલે કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મંગાશે. જેમાં આરોપી અગાઉ આવા કોઈ ગંભીર ગુના કર્યા છે કે નહીં ? તેમની સાથે કોઈ ગંભીર ગુનાના આરોપીઓને દોસ્તી છે કે કેમ ? બાળકીની હત્યામાં તે એક જ સામેલ છે કે કોઈ બીજાના સહારે હત્યાને અંજામ આપ્યો ? વિગેરે બાબતોની તપાસ કરાશે તેવું પીઆઇ અજીતસિંહ હેરમાએ જણાવ્યું હતું.
( ફોટો હરેશ ભાલીયા )


