આરોપી ચિરાગ વિરૂધ્ધ અનેક દારૂના કેસ નોંધાયા છે
જેતપુર ભોજાધાર રહેતા કોળી યુવાને દારૂની બાતમી અંગેની શંકા રાખી 15 દિવસ પહેલા બુટલેગર સાથે માથાકુટ થયા બાદ ગઈકાલે બપોરે યુવાનને ફોન કરી સમાધાન માટે બોલાવી બુટલેગર સહિત બે શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાસી છુટયા હતાં.આ બનાવની જાણ થતાં પોલીસે યુવાનના મૃતદેહનો કબજો મેળવી ફોરેન્સી પીએમ માટે રાજકોટની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો હત્યા કરનારા બન્ને આરોપી જેતપુરના લિસ્ટેડ બુટલેગરો હોવાનું સામે આવ્યું હતું પોલીસે બન્ને આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જેતપુર ભોજાધાર મહાકાળી ચોકમાં રહેતી હિનાબેન જીજ્ઞેશ નસોતર (ઉ.30) નામની યુવતીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જેતપુર ભોજાધારમાં રહેતા બુટલેગર ચિરાગ ઉર્ફે લંગડો વિનુભાઈ પરમાર અને તેનો સાગ્રીત હર્ષદ મનસુખભાઈ ભટાણીયા નામ આપ્યા હતા
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 15 દિવસ પહેલા ફરિયાદીના પત્ની જીજ્ઞેશ રવજી નસોતર (ઉ.38)એ પોલીસને દારૂની બાતમી આપ્યાની શંકા આપી બુટલેગર ચિરાગ ઉર્ફે લંગડાએ ઝઘડો કરી માથાકુટ કરી હતી ત્યારબાદ તેનું સમાધાન પણ થઈ ગયું હતું. ગઈકાલે બપોરે ફરિયાદીના પતિને બુટલેગરે ફોન કરી મળવા બોલાવ્યો હતો.
ભોજાધાર નજીક ખેતરમાં જીજ્ઞેશ નસોતરને લઈ જઈ આરોપીઓએ ઝઘડો કરી છરી ના ઘા ઝીકીં દઈ નાસી છુટયા હતાં. જ્યારે બીજી બાજુ ગંભીર રીતે ઘવાયેલા કોળી યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવના પગલે કોળી સમાજમાં ભારે હોબાળો મચી ગયો હતો. પોલીસે યુવાનની લાશનો કબજો મેળવી ફોરેન્સી પીએમ અર્થે રાજકોટની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો
પોલીસની તપાસમાં મરનાર કોળી યુવાન ચાર ભાઈમાં ત્રીજો નંબર હોવાનું અને સંતાનમાં બે દિકરા હોવાનું જાણવા મળ્યું છે. મજુરી કામ કરતાં યુવાનને સામાન્ય બાબતે બુટલેગરે પતાવી દેતાં પોલીસે નાસી છુટેલા બન્ને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ફોટો હરેશ ભાલીયા જેતપુર