કોલેજની લાઇબ્રેરીમાં હતા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો.
ગુજરાતમાં એકાએક હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યાં છે. કોરોના બાદ હૃદય રોગના હુમલાઓનું પ્રમાણ વધ્યું છે. રોજ ક્યાંકને ક્યાંકથી હાર્ટએટેકના કિસ્સા સામે આવી રહ્યાં છે. ત્યારે જેતપુરમાં કોલેજના પ્રોફેસરને લાઈબ્રેરીમાં જ દુખાવો ઉપડતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા, જેમનુ મોત નિપજ્યુ હતું.
બનાવની વિગતો મુજબ જેતપુર શહેરના દેસાઈ વાડી વિસ્તારમાં રહેતા અને જેતપુરની જી.કે એન્ડ સી.કે બોસમીયા કોલેજમાં બીસીએ વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં પ્રકાશ હિતેન્દ્રભાઇ ત્રિવેદી ઉ.વ. 49
નિત્યક્રમ મુજબ આજે સવારે કોલેજે ગયા હતા. અને કલાસ રૂમમાં લેકચર લેવા માટે પણ ગયા હતા.જે બાદ કોલેજની લાયબ્રેરીમાં સ્ટાફ સાથે બેઠા હતા એ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડયો અને બેભાન થઈ તેઓ ઢળી પડ્યા હતા.અચાનક જ બનેલી અણધારી ઘટનાથી કોલેજનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ડઘાઈ ગયા હતા. અને પળવારમાં જ કોલેજોનો તમામ સ્ટાફ એકઠો થઈ ગયો હતો. અને પ્રોફેસર પ્રકાશ ત્રિવેદીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા જોકે કર્મની કઠણાઇ કે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. ફરજ પરના તબીબે તેમને મૃતજાહેર કર્યા હતા. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું તબીબોએ જણાવ્યું હતું.અરવલ્લીનાં મોડાસા બાજુના વતની એવા પ્રોફેસરના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. કારણ કે, તેમના એકના એક પુત્રની CBSE બોર્ડની આજે પરીક્ષા ચાલુ હતી જ્યારે બીજી બાજુ પિતા ગુમાવવાનો વારો આવ્યો હતો.
( ફોટો હરેશ ભાલીયા જેતપુર )


