બંને ગામમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા નીચે ઉભેલા નાના મોટા વાહનોમાં થયેલું મોટું નુકસાન
જેતપુર તાલુકા પંથકમાં આજે ફરી કમોસમી વરસાદે તારાજી સર્જી હોવાના અહેવાલ મળી રહ્યા છે. ખાસ કરીને તાલુકાના લુણાગરી અને કેરાળી ગામે ગામે નાના મોટા વૃક્ષો તેમજ વીજ થાંભલા વરસાદ વચ્ચે તૂટી પડતા નીચે ઉભેલા નાના મોટા વાહનોને વ્યાપક નુકશાન થયું હતું.
ભારે પવન સાથે કમોષમી વરસાદે આજે જેતપુરના કેરાળી અને લુણાગરી ગામમાં ભારે તારાજી સર્જી હતી. બંને ગામના મુખ્ય રસ્તાઓ પર ૧૨ જેટલા વીજપોલ તેમજ ૮ જેટલા વૃક્ષો ધરાશયી થઈ જતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.
બંને ગામમાં વીજપોલ પડી જવાને કારણે વીજળી ગુલ થઈ જતાં અંધારપટ છવાયો ગહતો. બીજીબાજુ ખેડૂતોને ફરી ઉપાધિ સાથે લાખો રૂપિયાની તલી અને બાજરીના પાકનો સોથ વળી જતાં મોટી નુકશાની સહવાનો વારો આવ્યો હતો.
છેલ્લા ચારેક દિવસથી જેતપુર શહેર તેમજ પંથકમાં કમોષમી વરસાદ જુદાજુદા ગામોમાં પડી રહ્યો છે. જેમાં ગતરાત્રી જેતપુરમાં ઝોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. અને આજે સવારથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે બપોર કાળા વાદળો ઘેરાયા હતાં. અને વરસાદ તૂટી પડવાના એંધાણ વચ્ચે તાલુકાના કેરાળી અને લુણાગરી ગામે ભારે વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ શરૂ થતાં વીજપોલ અને વૃક્ષો પત્તાની માફક તૂટી પડ્યા હતા.
વાવાઝોડાને કારણે કેરાળી અને લુણાગરી બંને ગામોના મુખ્ય રસ્તાઓ પરના 7 થી 8 જેટલા વૃક્ષો મૂળથી ધરાશયી થઈ રોડ પર પડતા રોડ પરનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જ્યારે કેરાળી ગામે ખેતરોમાં રહેલ 8 જેટલાં વીજ પોલ ધરાશયી થઈ જતાં ગામમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. અને લુણાગરી ગામે પ્રાથમિક શાળાના પ્રાંગળમાં રહેલ ઘેઘુર વૃક્ષ ધરાશયી થઇ રસ્તા પર પડતા ગામમાં પ્રવેશવાનો રસ્તો બંધ થઈ ગયો અને સાથે આ વૃક્ષની નીચે રહેલ વીજ વાયરો ખેંચાતા ચાર વીજ પોલ ધરાશયી થઈ મકાનો પર પડ્યા હતાં.
સદનસીબે કોઈ જાનહાની ન થઈ પરંતુ શાળાની દીવાલ પાસે પાર્ક કરેલ એક જીપ અને કાર બંને વૃક્ષ નીચે દબાઈ ગયાં હતાં. અને બંને ગામોમાં કેટલાક ઘરોના છાપરા પણ ઉડી ગયા હતાં.
વાવાઝોડા સાથે ઝોરદાર કમોષમી વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. અને વાવઝોડું પણ સાથે હોવાથી બાજરી અને તલીનો પાક ઢળી જતાં ખેડૂતોને તૈયાર થઈ ગયેલ પાકથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. કમોષમી વરસાદ કેરાલી અને લુણાગરી ગામ માટે જાણે કહેર બની ગયો હોય તેમ ખેડૂતોને થયેલી વ્યાપક નુકસાનીનું વળતર તાકીદે ચુકવવા માંગ થઈ છે.


