Gujarat

જેતપુર બોસમિયા કોલેજમાં યુવતીને બારી બંધ કરવાનું કહેનાર યુવાનને બાથરૂમમાં લઈ જઈ ચાર શખ્સોએ મારમાર્યો

કલાસમેટ સાથે બોલાચાલી થયા બાદ બીજા દિવસે યુવતીના ભાઈ સહિતના શખ્સોએ ધોકાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો: કોલેજિયન યુવતીએ પણ સહવિદ્યાર્થી સામે છેડતીની નોંધાવી ફરિયાદ
જેતપુરની બોસમીયા કોલેજમાં બે દિવસ પહેલા કલાસ રૂમની બારી બંધ કરવાનું કહેતા કોલેજીયન યુવતી સાથે માથાકુટ થઈ હતી. જેનો ખાર રાખીને યુવતીના ભાઈ સહિતના શખ્સોએ ગઈકાલે કોલેજમાં ધસી આવી અનુસુચિત જાતિ યુવાનને બાથરૂમમાં લઈ જઈ બેરહેમીથી માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સામાપક્ષે કોલેજીયન યુવતીએ પણ યુવાન સામે તેનો પીછો કરી પાછળ પાછળ આવી ઈશારા કરી છેડતી કરતો હોવાની અને કોલેજમાં બદનામ કરતો હોવાની ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જેતપુરના સેલુકા ગામે રહેતા કોલેજીયન યુવાન અંકિત દિનેશભાઈ વાળા (ઉ.20)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મિરાજ શેખ, કરવ્ય કેશરીયા અને બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવાન બોસમીયા કોલેજમાં બીસીએમાં બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હોય ગત તા,.7-2નાં કલાસ રૂમમાં બારી પાસે બેઠેલ નસરીનબેન પરમારને બારી બંધ કરવાનું કહેતા ઉશ્કેરાયેલ નસરીને હું તારી બાપની નોકર છું તેમ કહી ઝઘડો કર્યો હતો અને હું તને જોઈ લઈશ તેવું કહ્યું હતું.
ત્યારબાદ બીજા દિવસે તા.8નાં ફરિયાદી યુવાન કોલેજે ગયો હતો. ત્યારે મોટર સાઈકલમાં આવેલા ચાર શખ્સોએ બાથરૂમમાં લઈ જઈ કાલે બારી બંધ કરવા બાબતે શું માથાકુટ કરતો હતો તેમ કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી બેરહેમીથી માર માર્યો હતો. જેથી યુવાનના મોંઢામાંથી લોહી નીકળી ગયું હતું. આ બનાવની યુવાને પોતાના પિતાને જાણ કરતાં તેઓ કોલેજે દોડી આવ્યા હતાં.
બોસમીયા કોલેજના ગેઈટ પાસે જ કોલેજીયન યુવાનને સારવાર માટે લઈ જતાં હતા ત્યારે ફરી ચારેય આરોપીઓએ કોલેજ છોડી જતો રહેજે નહીંતર પતાવી દેવો પડશે તેવી પિતાની હાજરીમાં ધમકી આપી નાસી ગયા હતાં. બાદમાં યુવાનને સારવાર અર્થે પ્રથમ જેતપુર ત્યારબાદ જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવાનની ફરિયાદ પરથી પોલીસે ચારેય શખ્સો સામે માર મારી ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા અંગેનો ગુનો નોંધ્યો છે.
જ્યારે સામા પક્ષે જેતપુર વોરાવાડ આંબલી શેરીમાં રહેતી નસરીનબેન બિલાલ શેખ (ઉ.18)એ જેતપુર પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી અંકિત દિનેશ વાળા ફરિયાદી યુવતીનો કોલેજમાં પીછો કરી પાછળ પાછળ જઈ બિભત્સ ઈશારા કરી ગાળો દેતો હોય ફરિયાદી યુવતીએ તેને સ્પષ્ટ કહ્યું કે મને તારામાં કોઈ રસ નથી તેમ છતાં આરોપી તેની બિભત્સ છેડતી કરી કોલેજમાં બદનામ કરવાની ધમકી આપતો હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ઘટના અંગે જેતપુર પોલીસે બન્ને કોલેજીયન યુવક અને યુવતીની ફરિયાદ પરથી સામસામે ગુના નોંધી બન્ને જુથના આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ફોટો હરેશ ભાલીયા જેતપુર

IMG-20230211-WA0124.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *