આણંદ
તારાપુરમાં બિમાર પુત્રને સારવાર માટે બાઇક પર લઇ જતાં પિતાને માર્ગ પર લડી રહેલા બે પશુએ હડફેટે ચડાવતા તેનું મોત નિપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચાંગડા ગામે બનેલી કરૂણાંતિકાથી ગ્રામજનો સ્તબ્ધ બની ગયાં છે. તારાપુરના ચાંગડા ગામમાં રહેતા મફતભાઈ જેઠાભાઈ ગોહેલ (ઉ.વ.૬૦)નો પુત્ર છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતો. આથી, તેને સારવાર માટે લઇ જવા બાઇક લઇને ડો. કાનજીભાઈના દવાખાને જવા પહોંચ્યા હતાં. મહત્વનું છે કે, તેઓ ડોક્ટરને ત્યાં દવા લઇને પરત ઘરે જઇ રહ્યાં હતાં, તે સમયે તારાપુર અને ચાંગડા રોડ પર બે પશુ લડી રહ્યાં હતાં. આ સમયે આ બન્ને પશુ મફતભાઈની બાઇક પર ધસ્યાં હતાં અને હજુ કોઇ કંઇ સમજે તે પહેલા મફતભાઈને હડફેટે ચડાવતા તેઓ રસ્તા પર જ પટકાયાં હતાં. જેના કારણે તેમને માથામાં ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
