શિયાળા અને ઉનાળાની મિક્ષ ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. સંધ્યા સમયે આકાશમાં ચંદ્ર પાસે ચમકતા તારાઓ અને અવકાશી ર્દશ્યો લોકો પોતાના મોબાઇલમાં કંડાળી રહ્યા છે. ત્યારે આ અંગે સાયન્સ કોમ્યુનિકેટર અને એસ્ટ્રોનોમર તુષારભાઈ પંડ્યા એ માહિતી આપતા જણાવ્યું હતું કે, આકાશ દર્શનના રસીકો માટે શિયાળો અને ઉનાળો એટલે તારાઓ, ગ્રહો અને નક્ષત્રો જોવાનો સૌથી ઉત્તમ સમય. આ દરમિયાન તારાઓની વધુ ચમક આપે છે. શિયાળામાં મૃગશીર્ષ, શર્મિષ્ઠા અને સપ્તર્ષિ જેવા તારાજૂથો આકાશમાં ચમકતા હોય છે.
માર્ચ અને એપ્રિલ મહિનામાં આકાશ દર્શન માટે ચોખ્ખું રહેશે. આ સમયગાળામાં આપણને ઘણી અનોખી ખગોળીય ઘટના પણ જોવા મળશે. જેમાં નરી આંખે શુક્ર, ગુરુ, મંગળ અને અમુક તારાજૂથો સરળતાથી જોઈ શકાય છે.
શુક્ર અને ગુરુ એ પૃથ્વી પરથી દેખાતા સૌથી તેજસ્વી ગ્રહો છે. તા.૨૦ ફેબ્રુઆરી અને માર્ચ સુધી સૂર્યાસ્ત પછી પશ્ચિમમાં એકબીજાની નજીક સરળતાથી જોઈ શકાઈ છે. શુક્ર એ તેજસ્વી ગ્રહ છે. પશ્ચિમ દિશામાં સંધ્યાકાળ પછી જ્યાં સૂરજ આથમ્યા બાદ બે મોટા તારા દેખાય તે શુક્ર અને ગુરુ ગ્રહ હોય છે. આ બંને ગ્રહોને રોજ જોતા રહો. હાલ આ બંને ગ્રહોની જોડી એકબીજાથી ધીમે-ધીમે નજીક આવી રહી છે. અને બંને ગ્રહો સૌથી વધુ નજીક તા.૧ માર્ચ ૨૦૨૩ના રોજ શુક્ર આકાશના ગુંબજ પર ગુરુથી 0.5 ડિગ્રી (પૂર્ણ ચંદ્રની પહોળાઈ)પસાર કરશે. તે એક અદભૂત દ્રશ્ય હશે.
હકીકતમાં શુક્ર એ સૂર્ય અને ચંદ્ર પછી, આકાશમાં ત્રીજો સૌથી તેજસ્વી અવકાશીય પદાર્થ છે. મનમાં એવો પ્રશ્ન ઊભો થાય કે, ગુરુ એટલો મોટો છે છતાંય નાનો દેખાય છે, જ્યારે શુક્ર પ્રમાણમાં ખૂબ જ નાનો છે છતાં આટલો તેજસ્વી કેમ દેખાય છે? તેનું કારણ છે ગુરુનું અને શુક્રનું પૃથ્વીથી અંતર છે. ગુરુ પ્રમાણમાં અત્યંત મોટો ગ્રહ છે. પરંતુ પૃથ્વીથી ખૂબ જ દૂર છે. જ્યારે શુક્ર પ્રમાણમાં નાનો ગ્રહ હોવા છતાં પૃથ્વીથી નજીક છે. તેથી તે ચમકતો દેખાય છે.
જો તમે શુક્રને રોજ ટેલિસ્કોપથી જોશો તો જેવી રીતે ચંદ્રની કળા પણ બદલાય છે. તેમ શુક્રની કળા પણ બદલાતી જોવા મળશે ટેલિસ્કોપથી જોવાથી એવું જ લાગશે કે, જાણે તમે નાનો ચંદ્ર જોઈ રહ્યા હોય.


