મન અંજુમન
સ્નેહલ નિમાવત
9429605924
બધું જે ગર્ભમાં છે ત્યાં સુધી વાંધો નથી એનો;
બધું એમાં જ રાખીને જવાનું ખૂબ અઘરું છે.
ગયેલું વર્ષ ધ્રુજાવી ગયું છે એ હદે સૌને
વ્યથા ખુદમાં જ ધરબીને જવાનું ખૂબ અઘરું છે
થવાનું શું હશે એવું વિચારીને સતત જીવણ;
પડીકે શ્વાસ બાંધીને જવાનું ખૂબ અઘરું છે.
હજી અકબંધ છે સંબંધ એની ચોપડીમાં જો;
ફરીથી ફુલ આપીને જવાનું ખૂબ અઘરું છે.
-પ્રતીક બારોટ
પ્રતિક બારોટની ગઝલો વાસ્તવિક અને ચોટદાર હોય છે.તેમની કલમ ધારદાર છે. આજે તેમની અને તેમની આ ગઝલની વાત કરીએ.તેમનો જન્મ માસર ગામના પાદરા તાલુકાના વડોદરા જીલ્લામાં થયો હતો.આઠમા ધોરણમાં તેમણે જોડકણાં લખવાની શરુઆત કરી હતી.ગઝલ વિશેની સાચી સમજ તેમને ભરત ભટ્ટ “પવન” પાસેથી મળી હતી,જે ગઝલગુરુ તેમજ આદર્શ રહ્યા છે.ગઝલ તેમનો પ્રિય સાહિત્ય પ્રકાર છે.ગઝલ લખવી તેમને ખુબ ગમે અને ગીત લખવામાં તેમને મોજ પડે છે. અમૃત ઘાયલ,શુન્યપાલનપુરી,મરીઝ,જલન માતરી,રાજેશ વ્યાસ “મિસ્કીન”,રમેશ પારેખ તેમજ રાજેન્દ્ર શુક્લ તેમના પ્રિય ગઝલકારો છે.આ સિવાય ઇતિહાસ ,નવલકથાઓ તેમજ ઉર્દુ સાહિત્ય તેમને વાંચવું ખુબ જ ગમે.કોઇ એક પ્રિય સર્જક નહીં પણ જે કંઇ સ્પર્શે એ વાંચવું તેમને ખુબ જ ગમે.જે કંઇ મનને સ્પર્શે એ શ્રેષ્ઠ વાચન.આવો તેમનો વાંચન પ્રત્યેનો અભિગમ.
“ત્રુણાનુંબંઘ મૂકીને જવાનું ખૂબ અઘરું છે;
બધું પરબારુ છોડીને જવાનું ખૂબ અઘરું છે.”
જીવન જ્યારે તેના અંતિમ તબક્કામાં આવે ત્યારે જીવને તરત અનુભવાઇ જાય છે.અંતિમ ક્ષણોમાં બધુ છોડીને જવું અઘરું લાગે છે.ઘણુબધુ કરવાનું કામ બાકી રહી ગયું હોય છે.ઘણા સંબંધો સુધારવાનું મન થઇ આવે છે. ઘણીબધી ઇચ્છાઓ પુરી કરવાનું મન થઇ આવે છે.સમય તેની ગતિથી ચાલ્યા કરે છે.એવું થાય કે સમયને મુઠ્ઠીમાં કેદ કરી લઇએ અને વધુ લાગણીથી જીવી લઇએ.બધુ જ છોડી જવાનો વિચાર સુધ્ધા મનને હલબલાવી નાંખે છે.
“બધું જે ગર્ભમાં છે ત્યાં સુધી વાંધો નથી એનો;
બધું એમાં જ રાખીને જવાનું ખૂબ અઘરું છે.”
મનની દુનિયા ન્યારી છે.મનમાં બધુ અંદર સમાઇ ગયું છે ત્યાં સુધી કોઇ જ વાંધો નથી.એ બધુ જ અંદર ને અંદર રાખીને અચાનક જવાનું અઘરું છે. કેમકે મનની અંદર પ્રેમ,ઇર્ષા,નફરત,એકલતા અને અધુરપ છે.આ બધુ મનમાં જ રહી જાય અને આપણા જવાનો સમય આવી જાય ત્યારે અચાનક બધુ બદલાયેલું લાગે છે.ઘણા લોકોને મળવાનું મન થાય.ઘણા લોકોની માફી માગવાનું મન થાય.ઘણા લોકો પર લાગણી વરસાવવાનું મન થાય.અચાનક જ્યારે મૃત્યુ દેખાય ત્યારે મનમાં વિચારોનું વંટોળ ઉપડે છે…
“ગયેલું વર્ષ ધ્રુજાવી ગયું છે એ હદે સૌને
વ્યથા ખુદમાં જ ધરબીને જવાનું ખૂબ અઘરું છે.”
વિતેલો સમય કંઇક ખાટીમીઠી યાદોથી બંધાયેલો હોય છે.જીવનમાં હંમેશા બધાને બધુ નથી મળતુ હોતુ. બધુ તો ક્યારેય કોઇને નથી મળ્યું.સૌના જીવનમાં કંઇકને કંઇક અધુરપ હોય જ છે.વ્યથા મનમાં જ ધરબીને જવાનું કપરુ છે.મનની મનમાં જ રહી જાય તો શુધ્ધ મન જે પવિત્ર છે તેની સાચી લાગણી કોઇ જાણી શકતું નથી.
“થવાનું શું હશે એવું વિચારીને સતત જીવણ;
પડીકે શ્વાસ બાંધીને જવાનું ખૂબ અઘરું છે.”
જે થવાનું છે એ જ થશે.ઇશ્વરે જે કંઇ નિર્ધારિત કર્યું છે એ જ થવાનું છે.આ વાત સાચી છે.પણ આપણે જે કંઇ કર્મ કરીએ છીએ તે આપણું જીવન અને નશીબ બંને બદલી શકે છે.નશીબને આધારે બેસી રહેવાથી કોઇને કંઇ મળતું નથી.કહેવાય છે ને કે સિધ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય.નશીબ પણ મહેનત કરવાવાળા પર જ મહેરબાન હોય છે…
“હજી અકબંધ છે સંબંધ એની ચોપડીમાં જો;
ફરીથી ફુલ આપીને જવાનું ખૂબ અઘરું છે.”
સાચે સંબંધ હંમેશા કુણો જ હોય છે.વચ્ચે તિરાડ પડે તો પણ જ્યારે એકબીજાને મનથી મળો ત્યારે સંબંધ ફરીથી તાજો થાય છે.સંબંધ ફરીથી જીવનમાં સુગંધ ફેલાવે છે.જીવન ફરીથી મહેકી ઉઠે છે.ફરીથી નવા આયામો સંબંધના જોવા મળે છે.માટે સમય વિતી જાય એ પહેલા જ ચેતી જાઓ.મનમાં પસ્તાવો રહી જાય એ પહેલા સંબંધ સુધારી લેવાય.જરુરત છે માત્ર લાગણીથી વાત કરવાની.આપણી લાગણી સામેવાળી વ્યક્તિને સ્પર્શે જ….
ટુંકુ ને ટચ
જીવન વહી જાય છે ત્યારે તેમાં પસ્તાવો કરતા હરખના આંસુ હોય તો મનભરીને જીવ્યાનો આનંદ લઇને દુનિયામાંથી વિદાય ળઇ શકીએ.મનમાં પસ્તાવો અને અજંપો લઇને વિદાય થઇશું તો મન ક્યારે હળવું થશે એ નથી ખબર.કાલ કોઇએ જોઇ નથી તો જે મનમાં હોય એ આજે જ કહી દઇએ….


