Gujarat

દાનનું પાપ

એકવાર એક ગરીબ માણસ એક શેઠ પાસે જાય છે અને ભોજન કરાવવા માટે વિનંતી કરે છે.શેઠ ઘણા જ ધર્માત્મા હતા તેથી તેઓ ભોજન માટે તેને પૈસા આપે છે.પૈસા મળતાં તે વ્યક્તિ હોટલમાં જઇને ભોજન કરે છે અને ત્યારબાદ વધેલા પૈસાથી દારૂ પી પોતાના ઘેર જઇને પોતાની પત્ની સાથે મારઝુડ કરે છે.પત્ની આવા દારૂડીયાથી હેરાન થતાં પોતાના બે સંતાનોને સાથે લઇ નદીમાં પડી આત્મહત્યા કરી લે છે.

કેટલાક સમય બાદ શેઠનું અસાધ્ય રોગમાં મૃત્યુ થાય છે.મૃત્યુ પછી શેઠનો જીવાત્મા જ્યારે યમરાજાના દરબારમાં જાય છે ત્યારે યમરાજા તેને નરકમાં નાખી દેવા હુકમ કરે છે.ત્યારે શેઠ યમરાજાને કહે છે કે આપનાથી કોઇ ભૂલ થઇ લાગે છે,મેં જીવનમાં કોઇ એવું પાપ નથી કર્યું કે જેના ફળસ્વરૂપ મને નરકની યાતના ભોગવવી પડે.મારા જીવન દરમ્યાન જે કોઇ મારી પાસે સહાયતા માટે આવ્યો હશે તેમને મેં મદદ કરી છે એટલે એકવાર મારી મુલાકાત ભગવાન સાથે કરાવો,ત્યારે યમરાજા કહે છે કે અમારા આ લોકમાં ભૂલ થવાની કોઇ સંભાવના જ નથી,તમે લોકો જે ભૂલો કરો છો તેની જ સજા કરવામાં આવે છે. શેઠના અતિ આગ્રહના લીધે શેઠની મુલાકાત ભગવાન સાથે કરાવવા તેને ભગવાન સામે હાજર કરવામાં આવે છે.

ભગવાન સામે જઇને શેઠ કહે છે કે પ્રભુ ! મેં કોઇ પાપ નથી કર્યું તો મને નરકની યાતના કેમ ભોગવવાની? ત્યારે ભગવાન કહે છે કે તમે એકવાર એક ગરીબ વ્યક્તિને ભોજન માટે પૈસાની મદદ કરી હતી તે વાત કરતાં ભગવાન કહે છે તે વ્યક્તિની પત્ની અને તેના બે બાળકોની હત્યાનું કારણ તમે છો.તમે જો તેને પૈસા ના આપ્યા હોત તો તે દારૂ પી અને પોતાની પત્નીને દુઃખ ના આપતો,ત્યારે શેઠ કહે છે કે પ્રભુ ! મેં તો તેને ગરીબ અને ભૂખ્યો જાણીને દાન આપ્યું હતું અને શાસ્ત્રોમાં જરૂરતમંદને દાન આપવાની વાત લખેલી છે.ત્યારે ભગવાન કહે છે કે દાન આપતાં પહેલાં સામેવાળાની યોગ્યતા પરખવી જોઇએ કે તે દાન લેવા માટે યોગ્ય છે કે નહી? અને તેને કેવા પ્રકારના દાનની આવશ્યકતા છે.તમે તેને ધન આપીને તેની મદદ કરી તેના બદલે તમે તેને ભોજન કરાવી શકતા હતા..અને મૂળ વાત તેને દરીદ્રતાની તો તેને આપવું જ હોત તો હું તેને આપી શક્યો હોત,તેની યોગ્યતા અને તેના પ્રારબ્ધ કર્મ અનુસાર જેટલું તેને મળવાનું હતું તેટલું મેં તેને આપ્યું જ હતું.તેની અયોગ્યતાના કારણે જ મેં તેને વિશેષ નથી આપ્યું તો તમારે તેને ધન આપવાની શું જરૂર હતી? તમારા દ્વારા આપવામાં આવેલ ધન-દાનના કારણે ત્રણ જીવોની હત્યા થઇ છે અને આ ત્રણ હત્યાના પાપના ફળ સ્વરૂપે તમારે નરકયાતના ભોગવવી જ પડશે..

કહેવાનો ભાવ એટલો જ છે કે દાન આપવું એ ખરાબ વાત નથી પરંતુ દાન આપતાં પહેલાં એ પરખ લો કે આપ જેને દાન આપી રહ્યા છો તેનો ઉપયોગ તે કોઇ પાપકર્મ કરવામાં તો નથી કરતો ને? આપના આપેલ દાન સાર્થક થશે કે નહી? ભલે આપનો દાન આપવાનો ભાવ શ્રેષ્ઠ હોય પરંતુ આપના દ્વારા આપેલ દાનથી દાન સ્વીકાર કરનાર જો પાપ કરશે તો આપના દ્વારા આપવામાં આવતા દાનના પુણ્યની સાથે સાથે સાથે તેના દ્વારા કરવામાં આવેલ પાપના ફળમાં તમારે પણ ભાગીદાર થવું પડશે.

ઘણીવાર દાન કરવાથી પણ પાપ લાગતું હોય છે.કબીરજીના જીવનનો એક પ્રસંગ છે.સંત કબીર પોતાના જીવન ગુજરાન માટે કપડા વણવાનો વ્યવસાય કરતા હતા.એકવાર બપોરના સમયે તેમના દ્વાર ઉપર એક ભિખારી આવે છે.તે ઘણો જ ભૂખ્યો તથા તરસ્યો હતો.ભિખારીને જોઇને સંત કબીરજીને દયા આવે છે અને તેને ઠંડુ પાણી પીવડાવે છે.ભિખારી કેટલાક દિવસોથી ભુખ્યો હતો એટલે કબીરજી પાસે ખાવાનું માંગે છે.કબીરજી પાસે ખાવાની કોઇ ચીજવસ્તુ ન હોવાથી તેને એક ઉનના દોરાનો ગોળો આપીને કહે છે કે આને વેચીને તૂં ભોજનની વ્યવસ્થા કરી લેજે.

ભિખારી તે ઉનના ગોળામાંથી માછલી પકડવાની જાળ બનાવે છે અને તળાવમાં જઇને માછલીઓ પકડવાનો પ્રયાસ કરે છે.સંયોગથી આ તળાવમાં ઘણી જ માછલીઓ હતી જે તેની જાળમાં ફસાય છે જેને બજારમાં વેચીને ઘણું ધન કમાય છે.હવે આ ભિખારી રોજ તળાવમાં જઇને ઘણી જ માછલીઓ પકડે છે.આમ માછલીઓ પકડવાનો ધંધો થઇ જાય છે.હવે તે અનેક જુદા જુદા પ્રકારની જાળો પણ ખરીદે છે અને એક દિવસ તે અમીર માણસ બની જાય છે.

સંત કબીરજીના દર્શન કરવા જવું જોઇએ તેવું વિચારીને તે ભિખારી પોતાની પાસે સોના-ચાંદી અને રત્નો લઇને કબીરજીને મળવા જાય છે અને તેમનો આભાર વ્યક્ત કરે છે કે તમારા લીધે હું અમીર બન્યો છું.સંત કબીરજી આ ભિખારીને ઓળખી જાય છે.ભિખારી કહે છે કે તમે આપેલા ઉનના દડાના લીધે હું આટલો મોટો અમીર બન્યો છું.તેની તમામ વાતો સાંભળીને કબીરજી ઘણા જ દુઃખી થાય છે અને કહે છે કે આટલી બધી માછલીઓનું જીવન છીનવીને તે ઘણું જ પાપ કર્યું છે અને આ મારા લીધે થયું છે એટલે તારા અડધા પાપનો ભાગીદાર હું પણ બની ગયો છું.

સંત કબીરજીએ ભિખારી દ્વારા આપવામાં આવેલ સોના-ચાંદી અને રત્નો તેને પરત આપી દે છે અને ભિખારીને માલિકની બંદગી કરી કરેલા પાપ કર્મોનો પશ્ચાતાપ કરવાનો ઉપદેશ આપે છે.કહેવાનો ભાવ એ છે કે અસહાય લોકોની મદદ અવશ્ય કરવી જોઇએ પરંતુ દાન પણ સમજી વિચારીને કરવું જોઇએ.જો આપનું દાન ભલાઇના માટે કરવામાં આવ્યું હશે અને તે દાનને સત્કર્મમાં લગાવવામાં આવશે તો આપનું દાન સાર્થક છે પરંતુ આપના દ્વારા આપવામાં આવેલ દાનનો દુરઉપયોગ કરીને તેને ખરાબ કામોમાં લગાવીને પાપ કરવામાં આવે છે તો યાદ રાખજો તેના પાપના તમે પણ ભાગીદાર બનશો તેમાં કોઇ શંકા નથી.

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *