અમરેલી
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ ગુજરાતમાં કડક દારૂબંધીનો અમલ થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે રાત્રિએ સંઘપ્રદેશ દીવમાં પાર્ટી કરી અમરેલી જિલ્લામાં પરત ફરી રહેલા ૪૫ લોકો નશો કરેલી હાલતમાં ઝડપાયા હતા. પોલીસે તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી જિલ્લામાં દીવથી આવતા તમામ માર્ગો ઉપર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાજુલા પોલીસ દ્વારા હિંડોરણા ચારનાલા વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી. તો નાગેશ્રી પોલીસ દ્વારા ટીંબી ચેકપોસ્ટ ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું. જ્યારે ખાંભા પોલીસ દ્વારા ખાંભા ઉના હાઇવે ઉપર ચેકપોસ્ટ શરૂ કરી નશાખોરો સામે કાર્યવાહી હાથ ધરી હતી. રાજુલા પોલીસ દ્વારા ૨૦,ખાંભા ૧૫,નાગેશ્રી૧૦,પીપાવવ મરીન પોલીસ દ્વારા ૧૭ ઝડપાયા જેમાં મોટાભાગે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે ઉપર અને દીવથી આવતા લોકોને વધુ પકડી કાર્યવાહી કરી છે. જે નશો કરી વાહનો ચલાવતા હોય અથવા તો કેટલાક બાઇક ચલાવતા હોય તેવા સામે વધુ કાર્યવાહી હાથ ધરી માત્ર પીપવાવ મરીન પોલીસ દ્વારા હાઇવે ઉપર અધિકારીને રાતવાસો ન કરવો પડે અને પોર્ટ વિસ્તારમાં પરપ્રાંતિઓને ચેકીંગ ન કરવું પડે તે માટે ચાંચ બંદર વિકટર વિસ્તારના મજૂર વર્ગના લોકો નશો કરેલી હાલતમાં ઝડપી પાડી કાર્યવાહી બતાવી દીધી હોવાની ચર્ચા ચાલી રહી છે.
