સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
ધારી તાલુકાની કન્યા કેળવણી માટે સમર્પિત શ્રી ચલાલા કન્યાશાળા (સરકારી પ્રાથમિક શાળા) ખાતે આવતીકાલે અમારી દીકરી અમારું ગૌરવ એ બેનર હેઠળ શાળાનો વાર્ષિકોત્સવ, ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ તથા નિવૃત્ત શિક્ષકોનું સન્માન તથા ધોરણ આઠની બાળાઓનો વિદાય સમારંભ યોજાશે. આમ ચલાલાના આંગણે શ્રી ચલાલા કન્યાશાળા પરિવાર દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો ચલાલા એટલે આઝાદી પૂર્વે ગાયકવાડ સ્ટેટનું કેળવણી ધામ પણ ગણાય આ સરકારી કન્યાશાળાનો પણ એક ગોરવવંતો ઈતિહાસ છે. આ પ્રાથમિક શિક્ષણ આપતી કન્યાશાળાની સ્થાપના ૧૫-૮- ૧૮૯૩ એટલે કે આજથી લગભગ ૧૩૦ વર્ષ પૂર્વે થયેલી છે. એની જૂની ઈમારતનું બાંધકામ (બાંધણી) આઝાદી પહેલાની સ્થાપત્ય કલા અને બાંધકામનો ઘણો સુંદર નમૂનો છે. અહીં અભ્યાસ કરેલી કેટલીય વિદ્યાર્થીનીઓ આજે તબીબી એન્જિનિયરિંગ અને શૈક્ષણિક ક્ષેત્રે પોતાની ફરજ બજાવી રહી છે. તો વળી ઘણી વિદ્યાર્થીનીઓ તો વિદેશમાં પણ સ્થાયી થયેલ જોવા મળે છે. આમ વિતેલા ભૂતકાળને વાગોળવાની તક આ કન્યા શાળાના શિક્ષકવૃંદ દ્વારા વિદ્યા જગતને આપવામાં આવી છે. હાલ આ શાળામાં અભ્યાસ કરી ચુકેલ ૭૬ જેટલી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનો શાળા પરિવાર દ્વારા સંપર્ક થયો છે અને આ સમારંભમાં તેમના આગમનની પ્રતિક્ષા પણ થઈ રહી છે. આવતીકાલે શનિવારે સવારે ૯ ના ટકોરે કન્યાશાળા (સરકારી પ્રાથમિક શાળા)નાં પ્રાંગણમાં રૂડો અવસર ઉજવાશે. એમ શ્રી કન્યાશાળા પરિવાર દ્વારા એક નિમંત્રણ પત્રિકામાં જણાવાયું છે.
