Gujarat

ધીંગી ધરાનો ધીંગો કલાકાર

નૈસર્ગિક વાતાવરણ ચારે તરફ ફેલાયેલુ જોવા મળે તેવું રમણીય સ્થળ એટલે સૌરાષ્ટ્ર – સોરઠની ધીંગી ધરતી ‘ગીર’. આ ગીરની મધ્યમાં આવેલ આંકોલવાડી-ગીર માં 1969ની 12 જુલાઈએ એક શાંત અને સર્જનાત્મક બાળકનો જન્મ થયો તેનું નામ રાખવામાં આવ્યું ઉમેશ. જી હા, હું વાત કરી રહ્યો છું ઉમેશ ક્યાડાની. તેનું બાળપણ અને શાળાકીય જીવન ડાલામથ્થા કેસરી સિંહ અને તન-મનને સુગંધિત કરી દેતી કેસર કેરીઓના બગીચામાં વીત્યું. ચો’તરફ કુદરતે વેરેલાં પોતાનાં અવનવા રૂપને નજીકથી નિહાળી તેનો અનુભવ કર્યો. બાળપણથી જ કલાની અનુભૂતિ હોય ઉમેશે કલાને વધુ પામવા SSC પછી વલ્લભ વિદ્યાનગરની કલાકેન્દ્ર કોલેજ ઓફ ફાઇન આર્ટ્સની રાહ પકડી. દિવસ-રાત સતત કલાને સાંગોપાંગ કરવાની મથામણ અને આર્થિક સંકડામણ ૬-૭ મિત્રો સાથે રહેતાં નાનકડાં ઓરડામાં ભળી ગઈ. ચક્ષુકૌશલ્ય અને હસ્તકૌશલ્યને કેળવી એકાગ્રચિત્તાવસ્થા દ્વારા પોતાનાં કાલ્પનિક રૂપને રંગ, રેખા અને અન્ય પદાર્થો વડે મૂર્ત સ્વરૂપ આપવા લાગ્યા. જુદાં જુદાં પદાર્થોને તેના વાતાવરણમાંથી અલગ રીતે રૂપાંતરિત થતાં અને કરતાં તેઓએ ગુજરાતની સંસ્કૃતિસમા ગરબા ઉપરાંત ભણતરનુ ભારણ, Money Laundering અને નિર્ભયા કાંડ જેવા સામાજિક વિષયોને લઈ સમકાલીન પદ્ધતિથી સર્જનાત્મક ચિત્રશ્રેણીઓ સર્જી. આમાંથી કેટલાય ચિત્રોની રાજ્ય તેમજ રાજ્ય બહાર નોંધ લેવાઈ અને પુરસ્કૃત પણ થઈ. અત્યાર સુધીમાં તેઓના એકલ અને સમૂહ પ્રદર્શનોની યાદી તરફ નજર કરીએ તો અંદાજે ૫૦ જેટલા પ્રદર્શનો યોજાય ચૂક્યા છે. તેઓને અવાર-નવાર કાર્યશાળામાં તેમજ કલા નિદર્શન માટે આમંત્રણ પણ મળતું રહે છે.
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઉમેશ કલાદાન માટે શૈક્ષણિક સંસ્થા સાથે જોડાય છે. શરૂઆતમાં ધર્મજ અને ત્યારબાદ રાજકોટ ખાતે રાજકુમાર કોલેજમાં ચિત્ર શિક્ષક તરીકે જોડાઈ આજે કલાવિભાગના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યા છે. સાથે-સાથે ગ્વાલિયરની રાજા માનસિંઘ તોમર મ્યુજીક એન્ડ આર્ટસ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ ફાઇન આર્ટસની ડિગ્રી પણ મેળવી. લોકોને કલાની સમજ પડે અને લોકો કલા સાથે જોડાય એ નેમથી કલા શિક્ષણ સાથે તેઓએ પોતાના માતુશ્રીની યાદમાં ટ્રસ્ટની રચના કરી માતૃભૂમિ પર “ગીર વેલી આર્ટિસ્ટ વિલેજ” ની સ્થાપના કરી જ્યાં તેઓ દેશ-દુનિયાભરના કલાકારોને આમંત્રણ આપી કલાયજ્ઞ કરી રહ્યા છે. પોતાની કર્મભૂમિ રાજકોટ ખાતે ૨૦૧૮માં રાજકોટ આર્ટ સોસાયટીની સથાપના કરી હતી જેમાં તેઓ આજે પ્રમુખ પદ શોભાવી રહ્યા છે. ગુજરાતનાં સિમાડાના કલાકાર સુધી સમકાલીન કલાને પહોંચાડવા ૨૦૨૧માં મિત્રો સાથે મળી ગુજરાત આર્ટ સોસાયટીની સ્થાપના કરે છે જેમાં તેઓ મંત્રી પદનો કાર્યભાર સંભાળી રહ્યા છે.
આમ, ગીરના કસ્બાનો બાળક કલાક્ષેત્રે પા-પા પગલી કરતાં આજે ગુજરાતનાં કલાશિખર પર પોતાના બહુઆયામી વ્યક્તિત્વને લઈ કલાજ્ઞાન અને તેની સાર્થકતા સમાજ સુધી પહોંચાડે છે ત્યારે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તેઓને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરે છે તેને ખુબજ આનંદની વાત લેખું છું. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તેમજ ગૌરવ પુરસ્કૃત દરેક કલાકારને અભિનંદન…
– કૃષ્ણ પડિયા : +91 9427591969
(શિલ્પકાર, કલાશિક્ષણવિદ/સંશોધક/વિવેચક) (ગુજરાત ગૌરવ પુરસ્કૃત : ૨૦૧૦-૧૧)
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આયોજિત લલિત કલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારંભ ઠાકોરભાઈ દેસાઈ હોલ અને ચિત્ર પ્રદર્શન રવિશંકર રાવલ કલાભવન ખાતે ૮ જૂન ૨૦૨૩ ના બપોરના આ કાર્યક્રમ યોજાઈ ગયો.
સાંસ્કૃતિક મંત્રી શ્રી મુળુભાઇ બેરા, ધારાસભ્ય શ્રી અમિત શાહ, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, જેવા મહેમાનોની ઉપસ્થિતિ વચ્ચે વર્ષ ૨૦૧૬-૧૭,  ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯, અને ૨૦૧૯-૨૦ ના કુલ ૩૧ પુરસ્કૃત કલાકારોને  ચિત્રકલા, છબિકળા અને શિલ્પકળા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ શાલ, સ્મૃતિચિહ્ન અને ₹૫૧૦૦૦/- આપી ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે કલાજગતની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહેલ.

IMG-20230609-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *