કંટાળેલા ઝાંઝમેરના ગ્રામજનોએ પંચાયત કચેરીને તાળાબંધી કરી ઠાલવ્યો રોષ
15 દિવસમાં કાયમી તલાટીની નિમણુંક નહિ કરાય તો સમગ્ર ગ્રામ પંચાયતની બોડી ધડાધડ રાજીનામાં ધરી દેશે : સરપંચ-ઉપસરપંચની ચીમકી
ધોરાજીના ઝાંઝમેર ગામે લાંબા સમયથી તલાટી મંત્રીની ખોટથી ગ્રામજનો નાના મોટા પ્રશ્નો બાબતે પારાવાર હેરાન પરેશાન થઈ રહ્યા છે. આજે ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા પત્રકારો સમક્ષ એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે આગામી 15 દિવસમાં અહી કાયમી તલાટીની નિમણુંક નહિ કરવામાં આવે તો ગ્રામપંચાયતની આખી બોડી રાજીનામાં ધરી દેશે. આવી ઉગ્ર માંગણી વચ્ચે આજે ગ્રામજનોએ પંચાયત કચેરીને તાળાબંધી કરીને રોષ ઠાલવ્યો હતો. હવે આ બાબતે ટીડીઓ અને ડીડીઓ શું કાર્યવાહી કરાવશે તેની ઝાંઝમેરના ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજીના ઝાંઝમેર ગામમાં લાંબા સમયથી કોઈ તલાટી મુકાયા ન હોય આ ગામના લોકોને છેક ધોરાજી સુધી લાંબુ થવું પડે છે. તેમાંય એક ધક્કે તો કોઈ કામ થતાં જ ન હોય ગામમાં તાકીદે તલાટીની નિમણુંક કરવા આબાલવૃદ્ધ સૌમાં અસંતોષ સાથે બુલંદ માંગણી કરવામાં આવી છે. ગ્રામજનો કહે છે કે ગામમાં વિકાસનસ કામો તો ટલ્લે ચડયા જ છે પણ સાથો સાથ ગ્રામજનો પણ નાની-મોટી સમસ્યાઓ નિવારવા ધોળે દહાડે તારા દેખી જાય છે.
કારણકે તલાટીના અભાવે લોકોને ધોરાજી સુધી ધરમના ધક્કા ખાવા પડે છે. ગામના વૃદ્ધ વડીલોએ ત્યાં સુધી કહ્યું કે, ગામમાં તલાટી ન હોવાથી જુવાનીયા ધોરાજી કે જ્યાં જવું પડે ત્યાં દોડાદોડી કરે છે પણ અમે વૃદ્ધો કેમ આવી રીતે દોડી શકીએ ? તે લાગતાં વલગતા સત્તાધીશોએ વિચારવું જોઈએ. જાણકારો એ કહ્યું કે ઝાંઝમેર ગામની વસ્તી અંદાજે 5 હજારની છે. રોજ ને રોજ કોઈ ને કોઈ ગ્રામજનોએ નાના મોટા કામો માટે ગ્રામપંચાયતનો જ સહારો લેવો પડે છે. પણ ગામના લોકોની કમનશીબી એ જોવા મળે છે કે અહી તલાટી મંત્રીની ખુરશી લાંબા સમયથી ખાલીખમ ધૂળ ખાય છે. એ કારણે વિકાસના કામો ટલ્લે ચડી ગયા છે અને ગ્રામજનો ધક્કે ચડી ગયા છે.
ગામમાં તલાટી મંત્રી ન હોવાનું ટીડીઓ, ડીડીઓ જાણે છે છતાં આ ગામના લોકોને હેરાન પરેશાન કરીને સરકારી અધિકારીઓને શું મજા આવતી હશે તેવો બુદ્ધિજીવી લોકોએ સવાલ ઉઠાવ્યો છે.
બોક્સ :
ગામના સરપંચ-માજી સરપંચ શું કહે છે ?
આજે ગ્રામ પંચાયત કચેરીને તાળાંબંધી કરતી સમયે ગામના મહિલા સરપંચ કિરણબેન બગડા તેમજ માજી સરપંચ રમણીકભાઈ હાસલીયાએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા ગામમાં તલાટી મંત્રીની ખાસ જરૂર હોવાનું અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે પણ આ પ્રશ્ન હલ થતો નથી તે પણ જગજાહેર છે. હવે આગામી 15 દિવસમાં જો ઝાંઝમેર ગામમાં કાયમી તલાટીની નિમણુંક કરવામાં નહીં આવે તો સરપંચ સહિતની આખી બોડી રાજીનામાં ધરીને ઝાંઝમેર ગામને રામ ભરોશે છોડી દેશે અને જે પણ કઈ પ્રશ્નો ઊભા થશે તેની જવાબદારી લાગતાં વલગતા ઉચ્ચ અધિકારીઓની રહેશે તેવું ગ્રામજનો અને સરપંચ-માજી સરપંચે જણાવ્યું હતું.