અમદાવાદ
આઇપીએલ ૨૦૨૩ની ધમાકેદાર શરૂઆત બાદ હવે આ લીગ તેના મધ્યમાં પહોંચી ગઇ છે. ૩૧ માર્ચથી શરૂ થયેલી આઇપીએલ ૨૦૨૩ની ૩૩ મેચ અત્યાર સુધીમાં રમાઇ ચૂંકી છે. ત્યાં જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં અત્યાર સુધીમાં ૪ મેચો રમાઇ ચૂકી છે અને આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે ૭.૩૦ વાગ્યે ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે ટક્કર થશે. તે પહેલા અમદાવાદ ટ્રાફિક પોલીસે ક્રિકેટ મેચના દર્શકો માટે એક ખાસ માહિતી શેર કરી છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે પોતાના ફેસબુક પેજ પર એક માહિતી શેર કરી છે જેમા કહેવામાં આવ્યું છે કે, તારીખ ૨૫ એપ્રિલના રોજ ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ મુંબઇ ઇન્ડિયન્સની મેચ યોજાશે. મેચ જાેવા આવનાર પ્રેક્ષકોને હાલાકી ન ભોગવવી પડે અને પાર્કિંગની સુવિધા મળી રહે તે હેતુથી દરેક પ્રેક્ષકને પોતાનું વાહન પાર્કિંગ શો માય પાર્કિંગ – એપ્લિકેશન પરથી ફરજિયાત એડવાન્સ બુક કરીને આવવાનુ રહેશે. તેમજ આ વખતે દૂરના પાર્કિંગ સ્થળોથી સ્ટેડિયમના ગેટ સુધી તેમજ સ્ટેડિયમના ગેટથી પાર્કિંગ સુધી લાવવા-લઈ જવા માટે ફ્રી શટલ સર્વિસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મોટેરામાં આવેલા દુનિયાના સૌથી વિશાળ ક્રિકેટ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા ખુબ જ વધારે હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે જેથી પ્રેક્ષકોને કોઇ અગવડ પડે નહીં. ઉલ્લેખનિય છે કે, આ અગાઉ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જાેવા ગયેલા ઘણા પ્રેક્ષકોના મોબાઇલ ફોન ચોરાઇ ગયા હતા. જે બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પ્રેક્ષકોએ ફરિયાદો નોંધાવી હતી. જાેકે થોડા દિવસો બાદ જ અમદાવાદ પોલીસે મેચ દરમિયાન ચોરી કરતી ચોર ટોળકીને ઝડપી પાડી હતી.


