Gujarat

નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે પધારતા ભાવિકોના પગપાળા નદીમાંથી પસાર થઈ નદી પાર કરવા પર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું                

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી નર્મદાની પંચકોશી પરિક્રમા શરૂ થઈ બે વખત નર્મદા નદી હોડી મારફત પાર કરી, પરત રામપુરા ગામ ખાતે શ્રદ્ધાળુઓ પધારતા હોય છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અસંખ્ય ભાવિકો ચૈત્ર મહિનામાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે નર્મદા જિલ્લામાં પહોંચતા હોય છે. નર્મદા નદીમાં મગરો પણ અસ્તિત્વ ધરાવતાં હોઈ તેઓ માનવ ઈજા ન પહોંચાડે તે હેતુસર અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરિક્રમા માટે પધારતા ભાવિકો પગપાળા નદીમાંથી પસાર થઈ નદી પાર કરે તેવી ઘટના ન બને તે માટે નર્મદા જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટશ્રી સી.એ.ગાંધીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે પધારતા ભાવિકોના પગપાળા નદીમાંથી પસાર થઈ નદી પાર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૨૭/૦૩/૨૦૨૩ થી તા.૨૦/૦૪/૨૦૨૩ (બંને દિવસો સહિત) કરવાની રહેશે.
               આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ તથા આ કૃત્ય માટે પ્રેરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ તથા આ કૃત્ય માટે પ્રેરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *