ગીરગઢડા
ભરત ગંગદેવ
રાજકોટ જિલ્લાના બામણબોર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ અંદાજીત રૂા. ૧૭ લાખની નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે આજે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર – પેટા આરોગ્ય કેન્દ્રને નવી એમ્બ્યુલન્સ મળવાથી બામણબોર સહિત આજુબાજુના વિસ્તારના ગામલોકોની આરોગ્યની સુવિધામાં વધારો થશે. સાંસદ ની ગ્રાન્ટમાંથી શિક્ષણ અને આરોગ્યના કામોને અગ્રતા આપવામાં આવી રહી છે તેમ જણાવતા મંત્રી એ ઉમેર્યું હતું કે અત્યાર સુધીમાં જિલ્લાના વિવિધ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૨૫ થી વધુ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્યને લગતા મેડિકલના સાધનો, વૈકુંઠ રથ તેમજ શિક્ષણ વિભાગમાં કમ્પ્યુટર લેબ સહિતના સાધનો પણ સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવ્યા છે.
મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ સ્માર્ટ આંગણવાડી કેન્દ્ર (નંદ ઘર) બામણબોરની મુલાકાત લઇ બાળકો સાથે વાર્તાલાપ કરી નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલ, અગ્રણીશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ વગેરેએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય અરવિંદભાઈ સારદીયા, બામણબોર સરપંચ વિક્રમભાઈ બસિયા, રીજીયોનલ ડેપ્યુટી ડાયરેકટર ડો. જયેશભાઈ પરમાર, આઇ.સી.ડી.એસ.પ્રોગ્રામ ઓફિસર, બાલ વિકાસ યોજના અધિકારી પ્રફુલ્લાબેન મકવાણા, પ્રાંત અધિકારી સંદિપ વર્મા, આરોગ્ય ટીમ સહિત અગ્રણી ઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
