અમદાવાદ
વ્યાજખોરો સામે સરકારના અભિયાન અને કડક કાર્યવાહી કરી રહી છે. છતાં વ્યાજ ખોરોનો આતંક સતત વધી રહ્યો છે. અમદાવાદની કે જ્યાં ટ્રાન્સપોર્ટના વેપારીએ ૧૧ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. નારોલના વેપારી કમલ ડોગરાએ કોરોનાકાળમાં આર્થિક સ્થિતિ ડામાડોળ થતાં તેમના પરિચિત ફાલ્ગુન મહેતા તેમજ તેમના મિત્રો પાસેથી ૯ ટકા વ્યાજે રૂપિયા લીધા હતા. ફરિયાદીએ ધંધા માટે ૭.૭૧ કરોડ રૂપિયા લીધા હતા, જેની સામે તેમણે વ્યાજખોરોને ૧૪.૪૮ કરોડ રૂપિયા ચૂકવી દીધા. આ ઉપરાંત વ્યાજખોરોએ વધુ રૂપિયા માગતા વેપારીએ અઢી કરોડ રોકડા પણ આપ્યા હતા. છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી ચાલુ રાખી અને ફરિયાદી તેમજ તેના પરિવારને મારી નાંખવાની ધાકધમકી આપતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. વ્યાજખોરોએ વેપારીની ૭ કરોડની લેમ્બોર્ગિની, ૧ કરોડની મર્સિડિઝ અને ફોર્ચ્યુનર કાર પણ પડાવી લીધી. બીજી તરફ વેપારીના ત્રણથી ચાર અલગ અલગ મકાનો કે જે પહેલેથી જ બેંકોમાં મોર્ગેજ હતા તેને પણ પોતાના નામે કરવા રજિસ્ટ્રાર ઓફિસમાંથી ટોકન લઈ તારીખો પણ નક્કી કરી લીધી હતી. વેપારીએ અલગ અલગ કંપની પાસે લેવાનું ૨ કરોડની વધુનું બાકી પેમેન્ટ પણ આ વ્યાજખોરો પોતે હડપ કરી લીધું હતું. જેના માટે વ્યાજખોરોએ અલગથી બેન્ક એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા. આખરે વેપારી કમલ ડોગરાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફાલ્ગુન મહેતા, ધર્મેશ પટેલ અને તેમના સાગરિતો સામે ફરિયાદ દાખલ કરી. હાલ પોલીસે ધર્મેશ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.