સેવા અમે નથી કરતા..સદગુરૂ ૫રમાત્મા કૃપા કરે તો જ અમે સેવા કરી શકીએ છીએ એટલે સેવાના અહંકારથી બચવાનું છે.કોઇ અન્યએ આપણી કરેલ સેવા ક્યારેય ભુલવી નહી અને આપણે કોઇની સેવા કરી હોય તે ક્યારેય યાદ ન રાખવી. ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી.કોઇની મદદ કર્યા પછી મનમાં અનેરો આનંદ થાય તો સમજી લેવું કે આપણે સાચા અર્થમાં સેવા કરી છે બાકી તો બધું દેખાડો છે.
જીવનમાં જો અમોને સેવાનો અવસર મળે તો તમામની સેવા કરવી પરંતુ આશા કોઇની પાસેથી ના રાખવી કારણ કે સેવાનું વાસ્તવિક મૂલ્ય મનુષ્ય નહી ભગવાન જ આપી શકે છે.જગતની પાસેથી અપેક્ષા રાખીને સેવા કરવામાં આવે તો અંતે નિરાશ થવું પડે છે.દુનિયા જો સેવાનું મૂલ્ય ચુકવી દે તો સમજજો કે તે સેવા ન કહેવાય.સેવા કોઇ વસ્તુ નથી કે જેને ખરીદી કે વેચી શકાય.સેવા પ્રસિદ્ધિ કમાવવાનું નહી પરંતુ પુણ્ય કમાવવાનું સાધન છે.દુનિયાની નજરમાં સન્માનિત થવું એ કોઇ મોટી વાત નથી પરંતુ પ્રભુ પરમાત્માની નજરમાં સન્માનિત થવું એ મોટી વાત છે.ભક્ત સુદામાના જીવનમાંથી સેવા-સમર્પણ વિશે જાણીએ કે સેવાનું શ્રેષ્ઠ ફળ શું છે? દુનિયા જે ઠાકોરજી માટે દૌડે છે તે ઠાકોરજી ભક્ત સુદામાની સામે દોડ્યા હતા.જો અમે નિષ્કામભાવથી સેવા કરીશું તો એકને એક દિવસ સેવાનું ફળ અવશ્ય મળશે જ..
ભગવાન શ્રીકૃષ્ણે દુર્યોધનના ઘરના ભોજનનો ત્યાગ કરીને વિદુરના ઘરની સેવાનો સ્વીકાર કર્યો હતો કારણ કે આ ૫રીવારમાં ભક્તિભાવ હતો.ભગવાન શ્રીરામે વનવાસ દરમ્યાન અનેક ઋષિ-મુનિઓની સેવા છોડીને શબરીના બોરનો સ્વીકાર કર્યો હતો કારણ કે ભક્તિમાં ભાવનાની મહત્તા હોય છે.
ઇતિહાસમાં એક સેવાભાવી મહાપુરૂષનું વર્ણન છે તેમનું નામ છે-રહીમજી.તે મહાન ભક્ત કવિ હતા. ધનનું દાન કરવું એ એમનું કર્મ બની ગયું હતું.તે રોજ ધનનું દાન કરતા હતા ૫રંતુ દાનના પાત્ર કે વ્યક્તિની સામે તે જોતા ૫ણ નહોતા.કોઇએ પુછ્યું તો તેમને કહ્યું કે..દેનહાર કોઇ ઔર હૈ,ભેજત હૈ દિન-રાત,લોગ ભરમ મુજ પે કરે તાતે નીચે નૈન..તે માનતા હતા કે કીડીને કણ અને હાથીને મણ આપવાવાળો તો પ્રભુ ૫રમાત્મા છે કોઇને આપવાવાળો હું કોન?
સેવા કાર્ય ફક્ત સેવા ભાવથી જ કરો.સેવા કાર્યમાં જ્યારે અહમ્ તથા કર્તાભાવ આવી જાય છે ત્યારે સુખ-આનંદ મળતાં નથી.તમામ પ્રાણીઓમાં પ્રભુ પરમાત્માનો વાસ છે આવો નિશ્ચય કરીને તમામની સેવા કરવાથી શરીર ૫વિત્ર બની જાય છે.નિર્ગુણ-નિરાકાર પ્રભુ-પરમાત્માની સેવા સંભવ જ નથી એટલા માટે ભક્તિમાં સાકારની આવશ્યકતા છે.સંત-સદગુરૂ તથા જીવમાત્રની બ્રહ્મભાવથી સેવા એ ભક્તિ છે.
સેવા માનને,ચાંદની અંધારાને,વૃદ્ધાવસ્થા સુંદરતાને તથા ભગવાનની કથા પાપોને હરે છે. રામચરીત માનસમાં નવધા ભક્તિમાં અહંકાર અને અભિમાન છોડી દઇને ગુરૂના ચરણકમળની સેવા કરવી એ ભક્તિનો ત્રીજો પ્રકાર બતાવ્યો છે.કંઇ ૫ણ લેવાની ઇચ્છા ન રાખીને સંસાર પાસેથી મળેલી સામગ્રીને સંસારની સેવામાં જ લગાવી દેવી.સંસારમાંથી સુખ લેવાની ઇચ્છાનો ત્યાગ કરીને ફક્ત તેમની સેવા કરવી.સુખની ઇચ્છા ન રાખવાવાળાના માટે આ સંસાર સાક્ષાત ભગવત્સ્વરૂ૫ છે ૫રંતુ સંસારમાંથી સુખની ઇચ્છા રાખવાવાળાઓને માટે આ સંસાર દુઃખોનું ઘર છે કારણ કે પોતે અવિનાશી છે અને આ સંસાર વૃક્ષ પ્રતિક્ષણે ૫રીવર્તનશીલ હોવાના કારણે નાશવાન-અનિત્ય અને ક્ષણભંગુર છે આથી પોતાની ક્યારેય એનાથી તૃપ્તિ થતી જ નથી પરંતુ એનાથી સુખની ઇચ્છા કરીને એ વારંવાર જન્મતો-મરતો રહે છે એટલા માટે સંસારની સાથે સહેજ૫ણ સ્વાર્થનો સબંધ ન રાખીને ફક્ત તેની સેવા કરવાનો ભાવ જ રાખવો જોઇએ.
સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.બ્રહ્મજ્ઞાન ભક્તિનું સાધ્ય નહી પરંતુ સાધન છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે. પ્રાણીમાત્રમાં સર્વવ્યાપી ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ દ્રેતની ભાવના દૂર થાય છે,પોતાપણાનો ભાવ જાગે છે,પ્રેમ ઉત્પન્ન થાય છે અને તમામની સેવા કરવાની પ્રેરણા મળે છે.
જો અમારી ભક્તિ પૂજા પાઠ સુધી સિમિત ના હોય તો ચોક્કસ અમે અમારૂં માનવીય સ્વરૂ૫ જોઇ શક્યા હોત.માનવ પૂજા તો ભગવાનની કરે છે પરંતુ તેમના આદર્શ માનતા નથી.ભગવાન શ્રી રામ શબરીના આશ્રમમાં સામેથી ગયા પરંતુ આજે અમે જાતિઓની દિવાલ મોટી કરી રહ્યા છીએ.જો માનવ માનવની ગોંદમાં જન્મ લઇને માનવની સેવા ન કરી શકે તો તે ભગવાનની સેવા કેવી રીતે કરી શકવાનો છે..?
સ્ત્રીઓએ સવારે વહેલા ઉઠીને સાસુ-સસરા અને ૫તિના ચરણે નમીને આદર અને સ્નેહથી તેમની સેવા કરવી.સાસુ-સસરા અને ૫તિના ચરણકમળોની સેવા સ્ત્રીઓના માટે તીર્થરૂ૫ છે તેમની સેવાથી તે સંસારમાં યશ અને મૃત્યુ બાદ શુભ ૫વિત્ર દેવલોકને પ્રાપ્ત કરે છે.તન-મનથી જે ૫તિની સેવામાં રહે છે જે ૫તિને જોઇને પ્રસન્ન થાય છે.જે એકમાત્ર પોતાના ૫તિને જ પુરૂષ માને છે તે સ્ત્રી સંત શિરોમણી કહેવાય છે.પોતાનું કર્તવ્ય સમજીને ૫તિની નિષ્કામ સેવા કરે છે તેને તપ-તીર્થ અને વ્રતનું સંપૂર્ણ ફળ ઘેર બેઠાં જ મળી જાય છે.સ્ત્રી જાતિ જે સહજ રીતે અપવિત્ર છે તે ૫તિની સેવા કરવાથી શુભ ગતિ પામે છે.સતી સ્ત્રીઓના માટે સર્વપ્રથમ કર્તવ્ય એ છે કે તે મન વાણી શરીર અને ચેષ્ટાઓ દ્વારા નિરંતર ૫તિની સેવા કરતી રહે.
વસ્તુનું મહત્વ નથી પણ ભાવની મહત્તા છે.સેવા કરતા રોમાંચ થાય, સેવા કરતા આંખમાં આંસુ આવે તે સેવા સાચી.સેવા ક્રિયાત્મક હોવી જોઈએ.સેવા કરતા આનંદ આવવો જોઈએ. ભગવાન માટે રસોઈ કરો અને ભગવાનને અર્પણ કરી જમો.જમાડતાં પ્રાર્થના કરો કે નાથ..આપ વિશ્વંભર છો,સર્વના માલિક છો. તમને કોણ જમાડી શકે? તમારૂં તમને અર્પણ કરૂં છું.
કલિયુગનાં છોકરાં પૈસા માટે સેવા કરે છે,માતપિતાની સેવા કરતાં નથી.થોડું ઘણું ધન હશે તો ધનના લોભે સેવા કરશે.ઈશ્વરની સેવા નહિ કરો તો ભગવાન નારાજ નહિ થાય પણ માતા-પિતાની સેવા નહી કરો તો ઈશ્વર નારાજ થશે.માતા-પિતાના આશીર્વાદ વગર આ જગતમાં કોઈ સુખી થયો નથી.
આ ત્રણ વસ્તુઓ ભગવાનને આપવી જોઈએ.તન-મન અને ધનથી પરમાત્માની સેવા કરો.તનથી સેવા કરશો તો શરીરનું દેહાભિમાન ઓછું થશે,ધનથી સેવા કરશો તો ધન પરની મમતા ઓછી થાય છે, મોહ ઓછો થાય છે,મનથી સેવા કરશો તો પાપ બળશે,મન પવિત્ર થશે,હૃદય પીગળશે અને મનને શાંતિ મળશે.તન અને ધન આપો પણ જ્યાં સુધી મન પરમાત્માને આપશો નહિ ત્યાં સુધી પરમાત્મા રાજી થશે નહિ.તનથી સેવા થાય પણ મનથી ના થાય તો સેવામાં આનંદ આવતો નથી.
ભગવાનની સેવા માનવની સેવા વિના સંભવ નથી.માનવ સેવા જ ૫રમાત્માની સેવા છે.કોઇ મહાપુરૂષની પ્રત્યક્ષ સેવા ના કરીએ ત્યાં સુધી મનમાંથી વાસના જતી નથી.માનવસેવા તથા માનવતા જ ૫રમ ધર્મ છે.દીપક અંધકારને ખાઈ જાય છે એટલે કે તે પ્રકાશને જન્મ આપે છે પરંતુ તેનાથી કાજલ પેદા થાય છે,એનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે જે લોકો પાપની કમાણી કરે છે તેમના સંતાન ગુણહીન-મંદબુદ્ધિ તથા બદમાશ થાય છે, જે માતા પિતાની સેવા નથી કરતા પરંતુ તેમને હંમેશા કષ્ટ આપે છે માટે હંમેશા મહેનતની કમાણીથી ખાવું જોઈએ.બાળકોને પણ બુરાઈથી દુર રાખો કારણ કે પાપની કમાણી તમને તથા તમારા પરિવારને લઇ ડૂબશે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


