નડિયાદ શહેરમાં આજે ધોળે દિવસે પતિએ ફાયરિંગ કરી પત્નીની સરાજાહેર હત્યા નિપજાવતાં ચકચાર મચી છે. પત્નીએ પતિ પર ભરણપોષણનો કેસ કર્યો હોય અને આજે કોર્ટની તારીખ હતી. આ બાબતે જ ઉશ્કેરાયેલા પતિએ નવરંગ ટાઉનશીપ પાસે જાહેરમાં પત્ની પર ફાયરિંગ કરતા પત્ની ઢળી પડી હતી. ત્યારબાદ આરોપી પતિએ પોતાનું એક્ટિવા પત્ની પર ચઢાવી દીધું હતું અને ત્યારબાદ અન્ય લોકો ઘટનાસ્થળે દોડી આવતા ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.આ બનાવની મળતી વિગત મુજબ નિમિષાબેન પરમાર દ્વારા તેમના પતિ રસીક પરમાર સામે ભરણપોષણનો કેસ કરવામાં આવ્યો હતો. આ કેસની આજે કોર્ટમાં તારીખ હતી. આ બાબતે જ ઉશ્કેરાઈને રસીક પરમારે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નવરંગ ટાઉનશીપ પાસે જાહેરમાં જ નિમિષા પર ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ જમીન પર ઢળી પડેલી પત્ની પર આરોપીએ પોતાના પાસે રહેલું એક્ટિવા ફેરવી દીધું હતું. ફાયરિંગનો અવાજ આવતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ગુનાને અંજામ આપી આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.નવરંગ ટાઉનશીપ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાનો બનાવ બનતા લોકોના ટોળા એકઠા થયા હતા. તો બીજી તરફ મહિલાના પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચતા વાતાવરણમાં આક્રંદ છવાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી પતિની શોધખોળ હાથ ધરી છેસ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિ એક્ટિવા લઈને બુધવારે 12:00થી 1 સમયગાળા દરમિયાન અહીંયા નવરંગ ટાઉનશિપમાં આવ્યો હતો અને તેણે હેલ્મેટ પહેર્યુ હતું. જોકે એકાએક ફટાકડા ફુટવા જેવો અવાજ સંભળાતા સ્થાનિકો દોડી આવ્યા હતા. મહિલાના ઘરથી લગભગ 25 ફુટ પહેલા જ પતિએ હથિયાર વડે ફાયરિંગ કરી ફરાર થયો હતો. તેવામાં હેલ્મેટ પડી જતાં આરોપીને સ્થાનિકોએ ઓળખી લીધો હોવાનું પ્રત્યદર્ક્ષી કહે છે. નિમિષાબેનને સંતાનમાં એક દીકરી છે અને તે પરદેશમા રહે છે. હાલ આ સમગ્ર બનાવ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. અને મરણજનાર મહિલાની માતાની ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે
.ઉમંગરાવલ નડિયાદ


