Gujarat

પરીવર્તન સંસારનો નિયમ છે.

મનુષ્યોમાં પરીવર્તન ક્યારે-ક્યાં અને કેવી રીતે થાય છે તે વિશે એક બોધકથા જોઇએ..એક રાજાએ રાજ્ય ભોગવતાં ભોગવતાં ઘણો લાંબો સમય થયો,તેમના વાળ સફેદ થઇ ગયા.એક દિવસ તેમને રાજદરબારમાં એક ઉત્સવનું આયોજન કર્યું અને પોતાના ગુરૂદેવ તથા મિત્ર દેશોના રાજાઓને પણ સાદર આમંત્રિત કર્યા.ઉત્સવને રોચક બનાવવા માટે રાજ્યની સુપ્રસિદ્ધ નર્તકીને પણ બોલાવવામાં આવે છે.

રાજાએ કેટલીક સોનામહોરો પોતાના ગુરૂદેવને પણ આપી જેથી તેમની ઇચ્છા થાય તો નર્તકીના સારા ગીતો અને નૃત્યથી પ્રસન્ન થઇ આપી શકે.આખી રાત નૃત્યનો કાર્યક્રમ ચાલતો રહ્યો.બ્રહ્મમુહૂર્તનો સમય થયો તે સમયે નર્તકીએ જોયું કે મારા તબલા વગાડનાર ઉંઘી રહ્યો છે એટલે તેને જગાડવા માટે નર્તકીએ એક દોહો ગાયો..

બહુત બિતી થોડી રહી,પલ પલ ગઇ બિતાય,એક પલકકે કારણે ના કલંક લગ જાઇ..

હવે આ દોહાના અલગ-અલગ વ્યક્તિઓએ પોતાને અનુરૂપ અલગ-અલગ અર્થ કર્યા.તબલા વગાડનાર સતર્ક થઇને તબલા વગાડવા લાગ્યો.જ્યારે આ વાત ગુરૂજીએ સાંભળી તો તેમને તમામ સોનામહોરો નર્તકીની સામે ફેંકી દીધી.આ દોહો નર્તકીએ બીજીવાર ગાયો તો રાજાની દિકરી રાજકુંવારીએ પોતાનો નવલખો હાર નર્તકીને ભેંટ આપી દીધો.રાજાના પૂત્ર યુવરાજે પોતાનો મુગટ ઉતારીને નર્તકીને સમર્પિત કરી દીધો.તે સમયે રાજા કહે છે કે બસ કર..તારા એક દોહાથી તો તૂં વેશ્યા હોવા છતાં અમારૂં તમામ લૂટી લીધું.

આ વાત રાજાના ગુરૂએ સાંભળી તો ગુરૂજીની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે હે રાજા..! તમે આને વેશ્યા ના કહો.આ નર્તકી તો હવે આપણા બધાની ગુરૂ બની ગઇ છે.નર્તકીએ મારી આંખો ખોલી દીધી છે.નર્તકી કહી રહી છે કે મેં આખી જીંદગી સંયમપૂર્વક ભક્તિ કરતો રહ્યો અને આખરી સમયે નર્તકીનો આ મુજરો જોઇને મારી સાધના નષ્ટ કરવા માટે અહીયાં આવ્યો છું.ભાઇ..! હું તો જાઉં છુંઆમ કહીને ગુરૂજી પોતાનું કમંડલ લઇને જંગલની તરફ ચાલવા લાગ્યા.

રાજાની દિકરી રાજકુંવારીએ કહ્યું કે પિતાજી ! હું જવાન થઇ ગઇ છું છતાં આપ આંખો બંધ કરીને બેઠા છો અને મારા લગ્ન કરાવતા નથી એટલે આજ રાત્રે હું આપના મહાવત સાથે ભાગી જઇને મારૂં જીવન બર્બાદ કરવા જવાની હતી પરંતુ આ નર્તકીએ મને સુમતિ આપી છે કે ઉતાવળ ના કરો..તારૂં પણ લગ્ન થશે,તૂં શા માટે તારા પિતાજીની આબરૂને કલંકિત કરવા જઇ રહી છે !

રાજકુમારે કહ્યું કે પિતાજી ! આપ વૃદ્ધ થઇ ગયા છો તેમછતાં મને રાજ્ય સુપ્રત કરતા નથી એટલે આપના સિપાઇઓ સાથે મળીને આપની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ આ નર્તકીએ સમજાવ્યું કે પાગલ ! આજે નહી તો કાલે રાજ્યનો વારસદાર તૂં જ થવાનો છે તો પોતાના જ પિતાની હત્યા કરીને પોતાના માથે કલંક કેમ લઇ રહ્યો છેથોડી ધીરજ રાખો.

રાજાએ જ્યારે આ તમામ વાતો સાંભળી તો રાજાને આત્મજ્ઞાન થયું,રાજાના મનમાં વૈરાગ્ય આવી ગયો.રાજાએ તરત જ નિર્ણય લીધો અને તરત જ રાજકુમારનું રાજતિલક કરી દીધું અને પોતાની રાજકુમારીને કહ્યું કે આજની સભામાં અનેક રાજકુમારો આવ્યા છે તેમાંથી તારી પસંદગીના રાજકુમારને વરમાળા પહેરાવી પતિ તરીકે સ્વીકાર કરી લે.રાજકુમારીએ પિતાની આજ્ઞા અનુસાર એક રાજકુમાર સાથે લગ્ન કરી લીધા અને રાજા સર્વ કંઇ ત્યાગ કરીને જંગલમાં પોતાના ગુરૂની શરણમાં ચાલ્યા ગયા.

આ બધું જોઇને નર્તકીએ વિચાર કર્યો કે મારા એક દોહાથી આટલા બધા લોકો સુધરી ગયા પરંતુ હું કેમ ના સુધરીનર્તકીમાં પણ વૈરાગ્યભાવ આવી ગયો અને તે જ ક્ષણે ખરાબ ધંધા બંધ કરીને પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ ! મારા પાપોની મને ક્ષમા કરો.આજથી હું ફક્ત સેવા સુમિરણ સત્સંગમાં જ મનને લગાવીશ.

આપણા બધામાં આવી સમજ આવી જાય તો દુનિયા બદલતાં સમય નથી લાગતો.એક દોહાની બે લાઇનોથી પણ પરીવર્તન આવી શકે છે.થોડી ધીરજ રાખીને ચિંતન કરવાની આવશ્યકતા છે.પ્રસંશાથી પિગળવું નહીઆલોચનાથી ગુસ્સે ના થવું.નિઃસ્વાર્થ ભાવથી કર્મ કરતા રહીએ કારણ કે અહીયાં આવીને આપણને મળેલ તમામ ભૌતિક સંપત્તિ અહીંયાં જ રહી જાય છે.

કોઇપણ વ્યક્તિને એકની એક વસ્તુ લાંબો સમય સુધી ગમતી નથી તેથી તેમાં પરીવર્તન કરતો રહે છે.પરીવર્તનને જરૂર જાણો..કોઇ એવી સાંજ નથી કે સવાર ના થાય અને કોઇ એવી સવાર નથી કે સાંજ ના પડે.પરીવર્તન સંસારનો નિયમ છે.અમે એવી ચીજવસ્તુઓને સાચવીને બેઠા છીએ જે નાશવાન છેકાયમ એકસરખી રહેનાર નથી.અમારા શરીરની અવસ્થા પણ દરરોજ બદલાઇ રહી છે.અમે ગઇકાલે જેવા હતા તેવા આજે નથી અને આજે જેવા છીએ તેવા કાલે રહેવાના નથી.

આ શરીરનો કોઇ ભરોસો નથી એટલે જે શ્રેષ્ઠ કર્મ કરવાનો ભાવ જાગે તો તેને તરત જ કરી દેવા જોઇએ.વિચારોની અરાજકતા અમારી અંદર ચાલી રહી છે.રોજ નવા વિચાર,નવા ઉદ્દેશ્ય,નવી દોડને આપણે બધા આપણી અંદર થઇ રહેલા આ પરીવર્તનને જોઇ રહ્યા છીએ.આપણે બધા રોજ બદલાઇ રહ્યા છીએ તો બીજા કોઇ બદલાઇ જાય તો તેમની ઉપર ક્રોધ કેમ કરીએ છીએ..?

વર્તમાન સમયમાં સંત નિરંકારી મિશન કોઈને ધર્મ પરીવર્તન કરાવતું નથી પરંતુ પ્રભુ પ્રાપ્તિના દ્વારા સાચા ધર્મની સાથે જોડીને વિશ્વમાં ભાઈચારો તથા માનવ એકતા સ્થાપિત કરી રહ્યું છે.તમામ ધર્મો માને છે કે પ્રભુ પરમાત્મા એક છે તો પછી ધર્મ પણ એક છેઃ માનવધર્મ કે જે સમગ્ર માનવતાના માટે ઉપયોગી છે એટલે વાસ્તવમાં સંત નિરંકારી મિશન કોઈ નવો ધર્મ કે સંપ્રદાય નથી પરંતુ આધ્યાત્મિકતાની બુનિયાદનો માઈલ સ્ટોન છે.ભૌતિકતાના કારણે એક બીજા માનવ વચ્ચે પડેલું અંતર તો કોઈપણ સાધનના માધ્યમથી ઓછું કરી શકાય છે પરંતુ એકબીજા મનુષ્યો વચ્ચે પડેલ અંતર ઈશ્વરના જ્ઞાન અથવા સત્ય અને સમર્પણ વિના દૂર થઈ શકવાનું નથી.વાસ્તવમાં બ્રહ્મજ્ઞાનથી જ વિશ્વમાં ભાઈચારો સંભવ છે.

પરબ્રહ્મ ૫રમાત્મા સૃષ્ટિના કણ કણમાં વ્યાપ્ત હોવા છતાં સંપૂર્ણ દ્રશ્યમાન જગતથી ન્યારા છે. તમામ દ્રશ્યમાન સૃષ્ટિ  માયા છે જે પરીવર્તનશીલ છે,સમાપ્ત થનાર છે.આ પાંચ ભૌતિક સૃષ્ટિના સમાપ્ત થતાં ૫ણ જેનો નાશ થતો નથી તે નિર્ગુણ નિરાકાર ૫રબ્રહ્મ પરમાત્મા છે.૫રમાત્મા નિરાકાર હોવા છતાં અનુભુતિગમ્ય છે,જાણવા યોગ્ય છે.

ફક્ત પરીવર્તનના સમુહનું નામ જ સંસાર છે.પરીવર્તનનું જે નવું રૂ૫ સામે આવે છે તેને જ ઉત્પત્તિ કહે છે.થોડું વધારે પરીવર્તન થતાં તેને સ્થિતિ રૂપે માની લે છે અને જ્યારે એ સ્થિતિનું સ્વરૂ૫ ૫ણ ૫રીવર્તન થઇ જાય છે ત્યારે તેને સમાપ્તિ (પ્રલય) કહી દે છે.દ્રશ્યમાન પ્રતિક્ષણે અદર્શનમાં જઇ રહ્યું છે. આ જ ભાવથી ગીતામાં આ સંસારવૃક્ષને અશ્વત્થ કહેવામાં આવ્યો છે.સંસારને અવ્યય (અવિનાશી) કહેવામાં આવે છે.ક્ષણભંગુર-અનિત્ય સંસારનો આદિ અને અંત ન જાણી શકવાના કારણે,પ્રવાહની નિરંતરતા-નિત્યતાના કારણે જ તેને અવ્યય કહે છે.આ સંસારચક્ર એટલી ઝડપથી બદલાય છે કે ચલચિત્રની જેમ અસ્થિર-પ્રતિક્ષણે પરીવર્તનશીલ હોવા છતાં ૫ણ સ્થિર હોય તેવું પ્રતિત થાય છે.

દરરોજ લાખો વ્યક્તિઓ મૃત્યુને પ્રાપ્ત થાય છે પરંતુ જે બાકી રહે છે તેઓ એમ વિચારે છે કે અમો સંસાર છોડીને જવાના જ નથી..! આનાથી મોટું આશ્ચર્ય કયું હોઇ શકે..? તમામ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. સંસારના તમામ કાર્યોનું શુભ મુર્હુત કાઢી શકીએ છીએ પરંતુ અહીથી જવાનું મુર્હુત કાઢી શકાતું નથી. સંસારના મહાન કવિઓ, દાર્શનિકો, તત્વવેત્તાઓ વગેરે તમામે અલગ અલગ દ્રષ્ટ્રિ કોણ રજૂ કરીને એમ માન્યું છે કે સંસાર સતત ગતિશીલ છે,પરીવર્તનશીલ છે.પ્રતિક્ષણ સંયોગ વિયોગાત્મક છે એટલે કે અમારે અંતસમય આવવાનો છે તેને ભુલવો ના જોઇએ.અમારે એ વાત ધ્યાનમાં રાખવાની છે કે જીવન ક્ષણભંગુર છે તેથી પ્રભુ ૫રમાત્માના ચરણોમાં ધ્યાન જોડવું જોઇએ તથા નિર્લિપ્ત જીવન જીવવું જોઇએ.

શરીરમાં ક્યારેય એક અવસ્થા રહેતી નથી.એમાં ૫રીવર્તન થતું રહે છે.શરીર અને આત્મા ભિન્ન છે. શરીર દ્રશ્ય છે અને આત્મા દ્રષ્ટ્રા છે.આથી શરીરમાં બાળપણ યુવાની વૃધ્ધાવસ્થા વગેરેનું જે પરીવર્તન છે તે પરીવર્તન આત્મામાં નથી.જેવી રીતે શરીરની અવસ્થાઓ બદલાય છે તેવી જ રીતે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે.જેવી રીતે સ્થૂળ શરીર બાળકમાંથી યુવાન અને યુવાનમાંથી વૃધ્ધ થઇ જાય છે ત્યારે તે અવસ્થાઓના પરીવર્તનના કારણે કોઇ શોક થતો નથી,તેવી જ રીતે મૃત્યુ પછી બીજું શરીર ધારણ કરવું તે સુક્ષ્મ અને કારણ શરીરની અવસ્થા છે,તેના માટે શોક કરવો જોઇએ નહી.સ્થૂળ શરીરની અવસ્થા બદલાવાથી તો એમનું જ્ઞાન થાય છે પરંતુ દેહાન્તર પ્રાપ્તિ  થતાં પહેલાંના શરીરનું જ્ઞાન રહેતું નથી કારણ કે જન્મ અને મૃત્યુના સમયે ઘણું જ કષ્ટ થાય છે.આ કષ્ટના કારણે બુધ્ધિમાં પૂર્વજન્મની સ્મૃતિ રહેતી નથી.

 

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *