Gujarat

પાલીતાણામાંથી મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાતા ૯ પશુને પોલીસે બચાવ્યા અને ટેમ્પા સાથે ડ્રાઇવર, ક્લીનરને ઝડપી લીધા

ભાવનગર
પાલીતાણાના ખાટકીવાસમાંથી ગેરકાયદે રીતે નવ અબોલ પશુ જીવને ભરીને મહારાષ્ટ્રના ધુલિયા ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસે આઇસર ટેમ્પા સાથે ડ્રાઇવર, ક્લીનરને ઝડપી લઇ મૂક પશુઓને બચાવી લીધા હતા. આ બનાવની પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ પાલીતાણાના ખાટકીવાસમાંથી એક આઈશર વાહનમાં અબોલ પશુઓને કુરતાપૂર્વક અને ખીચોખીચ ભરીને ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વિના કતલખાને લઈ જવાના ઇરાદે હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી આધારે ટાઉન પોલીસે રાત્રિના સમયે દોડી આઇસર ટેમ્પોની તલાશ લેતા તેમાંથી ૯ ભેંસ મળી આવી હતી જે પશુઓને બચાવી લઈ પાંજરાપોળ ખાતે મોકલી આઇસર ટેમ્પો કબજે કરી ડ્રાઇવર અક્રમ ઉર્ફે મગન ગફારભાઈ લાખાણી તથા ક્લિનર ડાયા કાબાભાઈ ધોળકિયા નામના શખ્સોને ઝડપી લઇ પૂછતા જ કરતા આ મુક પશુઓને આરીફ હબીબભાઈ લાખાણી નામના શખ્સએ વાહનમાં ભરી આપ્યા હતા. આઇસર ટેમ્પો ગોપાલ ભરવાડએ વાપરવા માટે આપ્યો હોવાનું તેમજ પશુઓને મહારાષ્ટ્રના ધુલિયા ખાતે ઉતારવાની હોવાની કબુલાત આપી હતી. વધુમાં આઇસર વાહન ચલાવતા અક્રમ ઉર્ફે મગન લાખાણી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ કે વાહનના કાગળ પણ ન હોવાનું પોલીસ પૂછતાછમાં બહાર આવ્યું હતું, અને બંને ઈસમો કતલખાને લઈ જવાના ઇરાદે ઝડપી લીધા હતા, જેમાં કુલ ૯ ભેંસની કિં.રૂ.૧,૮૦,૦૦૦ તથા આઈશર ગાડીની કિં.રૂ.૪,૦૦,૦૦૦ તથા મોબાઈલ નંગ ૨ કિં.રૂ.૩૦૦૦ સહિત કુલ કિં.રૂ.૫,૮૩,૦૦૦ના મુદ્દામાલ સાથે બંને શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવ અંગે પાલીતાણા ટાઉન પોલીસે ચારેય શખ્સો સામે પશુઓ પ્રત્યેક કૃતા પ્રતિબંધ અધિનિયમ કલમ ૧૧(૧)એ, ૧૧(૧)ડી, ૧૧(૧)એચ, ૧૧(૧)કે અને એમ.વી.એક્ટની કલમ ૩, ૧૮૧, ૫૬, ૬૬(૧), ૧૯૨, ૧૭૭ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *