સુરત
સુરતના પુણા વિસ્તારમાં કેમિસ્ટ પાસેથી તોડ કરવો પોલીસકર્મીને ભારે પડ્યો છે. પુણાના તોડબાજ કોન્સ્ટેબલ સહિત ૩ લોકોની ધરપકડ કરી છે. પંકજ નામના પોલીસકર્મી સહિત ૫ લોકો સામે ખંડણીનો ગુનો નોંધાયો છે. તેમના પર કેમિસ્ટ પાસેથી ખંડણી માગવાનો આરોપ છે. પુણા વિસ્તારમાં વેલનેસ મેડિકલ સ્ટોરના માલિકને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને દોઢ લાખ રૂપિયાની માગ કરવામાં આવી હતી. આખરે ૫૦ હજારનો તોડ કરવામાં આવ્યો હતો. જે અંગે કેમિસ્ટે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે ફરિયાદ કર્યા પહેલા આ મામલે કેમિસ્ટે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. જે બાદ ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં બોલાવીને તેના રૂપિયા પરત કરી દેવાયા હતા.
