જિલ્લાની અંદાજિત ૪૩૮૪૭ કિશોરીઓ “વિશ્વ માસિક દિવસ”ની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાઈ
***
મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ (આઈસીડીએસ) દ્વારા કિશોરીઓ માટે ચાલતી પૂર્ણા યોજના અંતર્ગત “વિશ્વ માસિક દિવસ”ની ઉજવણી સંદર્ભમાં કિશોરી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માસિક અંગેની જાણકારી આપતી પ્રશ્નોતરી, બ્રેસલેટ અને હાથમાં રેડ ડોટની એક્ટિવિટી કરી ફોટોગ્રાફી કરવામાં આવેલ. સાથે સેનેટરી પેડ યુઝ અને ડીસ્પોઝ અને લોહતત્વ ગોળી વિશે સમજ આપવામાં આવી હતી.
કિશોરીઓની પેડ બનાવવાની પદ્ધતિ તથા તેના નિકાલ અંગેની વિગતો વિશે માહિતી આપવામાં આવી. કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓની હથેળી પર રેડ ડોટ કરાવેલ જે માસિક દરમિયાન રાખવાની સ્વચ્છતાનું પ્રતીક છે. તદુપરાંત કિશોરીઓ દ્વારા માસિક ચક્રને દર્શાવતું બ્રેસલેટ બનાવેલ તથા કિશોરીઓ માટે માસિક અંગે રાખવાની સ્વચ્છતા વિશે પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિશોરીઓને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા.
આઈ સી ડી એસ પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન અને બાળ વિકાસ યોજના અધિકારીશ્રી તથા ડિસ્ટ્રીક પૂર્ણા કન્સલ્ટન્ટની દેખરેખ હેઠળ મુખ્ય સેવિકા તથા આંગણવાડી કાર્યક્રમ બહેનો દ્વારા આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ જેમાં અંદાજિત ૪૩૮૪૭ કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.