પોરબંદર
જુનાગઢ રેન્જમાં દારૂ-જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા દ્વારા એક ખાસ ઝુંબેશ રાખવામા આવી હતી. જે અન્વયે પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની દ્વારા દારૂ-જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને પોરબંદર શહેરના નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગારના કેસો શોધી કાઢવા આપેલી સુચના આધારે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પીએસઆઇ એમ.એલ. સોલંકી તથા સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ચેતન મોઢવાડીયા તથા મુકેશ માવદિયાને સંયુક્ત રીતે મળેલી હકીકતના આધારે રવી પાર્ક સ્વસ્તિક એપાર્ટમેન્ટ પાછળ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે પ્રવિણ રમેશ મકવાણા ઉ.વ.૨૨ રહે.ખાપટ હાડીવાસ રામદેવપીરના દ્વાર પાસે ઘરમાં ભારતીય બનાવટનો પરપ્રાંતની ઇંગ્લીશ દારૂની અલગ અલગ ૯ બ્રાન્ડની બોટલો નંગ ૬૩ કુલ કિંમત રૂપિયા ૩૪,૬૩૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવી ગણનાપાત્ર કેશ શોધી કાઢવામાં આવ્યા છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ એમ.એલ. સોલંકી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતન મોઢવાડીયા, મુકેશ માવદીયા, રવિ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગોહીલ, યુવરાજસિંહ જેઠવા વગેરે રોકાયેલા હતા.
