મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સુરક્ષા અને કલ્યાણને ધ્યાન લઈ સમયાંતરે મહિલાલક્ષી કાયદાઓ અને યોજનાઓના પ્રચાર-પ્રસાર અર્થે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા માંગરોળ તાલુકાના શીલ ગામે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી શિલ્પાબેન ચુડાસમાનાં અધ્યક્ષ સ્થાને ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અન્વયે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી શિલ્પાબેન ચુડાસમાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
પોલીસ સ્ટેશનના શી ટીમનાં પોલીસ કર્મચારી શ્રી રસીલાબેન તથા શીતલબેન વડિયાતર એ પોલીસ સ્ટેશન અને શી ટીમની કામગીરી વિશે તેમજ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતો થી સાવચેત રહેવું અને સાઇબર ક્રાઇમ સંબંધી કોઈ પણ મહિલાને કંઇપણ મુશ્કેલી જણાય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક અંકિતાબેન ભાખર દ્વારા વન સ્ટોપ સેન્ટરની સેવાઓ વિશે માહિતી આપી હતી. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી એમ.જી.વારસુર દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ અને તેની વિવિધ જોગવાઈઓ વિશે વિસ્તૃત સમજ આપી હતી.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડો.ચંદ્રેશ ભાંભી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાવો વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શીલ ગ્રામ પંચાયતનાં સદસ્યશ્રી કંચનબેન ચુડાસમા, શીલ કન્યા શાળાનાં આચાર્યશ્રી હંસાબેન, ગામના તમામ આશાવર્કર બહેનો, મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફિલ્ડ ઓફિસર પલ્લવીબેન પાઘડાર, મીરાબેન કરમુર, કૃપાબેન ખુંટ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારી અને બહોળી સંખ્યામાં ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.


