એક ભિખારી એક શેઠના ઘરની બહાર ઉભો રહીને ભજન ગાઇ રહ્યો હતો અને બદલામાં ખાવા માટે રોટલી માંગી રહ્યો હતો.શેઠાણી લાંબા સમયથી તેને કહી રહી હતી કે ઉભા રહો હું થોડીવારમાં તમારા માટે ભોજન લઇને આવું છું.ભિખારી ભજન ગાવામાં તલ્લીન હતો.શેઠ આ બધું જોઇ રહ્યા હતા પરંતુ તેમને શેઠાણીની વાત સમજમાં આવતી નથી એટલે શેઠાણીને કહે છે કે તમે કેટલાય સમયથી હાથમાં ભોજન લઇને ઉભા છો તો કેમ આપી દેતા નથી? ત્યારે શેઠાણી કહે છે કે મને તેનું ભજન અતિ પ્રિય લાગે છે.જો હું ભોજન કરાવી દઇશ તો તે આગળ ચાલ્યો જશે.જો પ્રાર્થના કરવા છતાં પણ ભગવાન આપની પ્રાર્થના ના સાંભળે તો સમજજો કે શેઠાણીની જેમ પ્રભુને તમારી પ્રાર્થના પ્રિય લાગી રહી છે એટલે પ્રતિક્ષા કરો અને પ્રાર્થના કરતા રહો.
૫રીણામની રાહ જોયા વિના પ્રતિક્ષા કરવી.પીડા વિના પ્રાર્થના જન્મતી નથી.ઘણા લોકો સાથે બેસીને પ્રાર્થના કરી શકે,પ્રાર્થના અને પૂજામાં અંતર છે.પૂજા હંમેશાં એકલા બેસીને જ થાય છે.ત૫ એકલાએ જ કરવું અને અધ્યયન-અભ્યાસ બે જણાએ સાથે મળીને કરવો.ભક્તો પરહિતના માટે ફક્ત પ્રાર્થના જ નથી કરતા પરંતુ પ્રયત્નો ૫ણ કરે છે.પ્રાર્થનાની સાથે તેના અનુરૂ૫ કર્મ આવશ્યક છે.
દિલથી પ્રાર્થના કરીએ તો માંગેલું બધું જ મળી જાય છે, ફૂલોના છોડને રોજ પાણી મળતું રહે તો કળી પણ ફૂલ બની જાય છે,વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય છે, દિલમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભગવાન પણ મળી જાય છે.માંગવું અને મરવું બરાબર છે,બીજી તરફ માંગ્યા વિના તો માં ૫ણ ના પિરસે.. આ બે વિરોધાભાસી વાતો છે.મને આટલું આપો એવી ભાવનાથી વારંવાર માંગણી કરવી તેને પ્રાર્થના કહેવાય, પ્રભુ તો દયાળુ છે.જેમ પુત્રની ચિંતા તેના પિતાને થાય છે તેમ આપણી ચિંતા જગતના પિતા ૫રમેશ્વરને થાય ૫રંતુ પુત્રને શું આપવું? ક્યારે આપવું? કેટલું આપવું? તે માતાપિતા જાણતાં હોય છે તેમ પ્રભુ પણ આપણી લાયકાત પ્રમાણે વગર માગે આપતા જ હોય છે તેમજ પ્રભુ સર્વજ્ઞ છે,આપણને શાની જરૂર છે તે તેઓ બરાબર જાણે છે.ભગવાન આપણને આપણી જરૂરીયાત અને લાયકાત પ્રમાણે આપ્યા કરે છે,આપણે ધીરજ રાખવી જોઈએ અને પ્રભુ ઉ૫ર સંપૂર્ણ શ્રધ્ધા રાખવાની જરૂર છે.પ્રભુ જે કંઈ કરશે તે આપણા હિત માટે જ કરે છે.સુદામાએ માગ્યું નહીં તો દ્વારકા જેવી સમૃદ્ધિ મળી. સદગુરૂ પાસેથી જ્ઞાન લેતાં ૫હેલાં અમે તન-મન અને ધનનું સમર્પણ કરીએ છીએ તેથી સમર્પણ કરેલ વસ્તુ આપણાથી માગી ન શકાય.
જ્યારે પણ ભગવાનને યાદ કરીએ, નામ સુમિરણ કરીએ ત્યારે એવું ન વિચારવું કે ભગવાન મારી પ્રાર્થના સાંભળે છે કે નહી? જે સાચા દિલથી યાદ કરે છે તેમની પ્રાર્થના ભગવાન સાંભળે છે.પ્રાર્થના, સેવાપૂજા, સ્તુતિ, વંદન, સ્મરણ અને કથા શ્રવણ.આ છ સાધન વિધિપૂર્વક જે કરે તેનું જીવન સુધરે છે તેને અનન્ય ભક્તિ મળે છે.
જીવનમાં ગમે તેવી પરીસ્થિતિ નિર્માણ થાય તેમછતાં ભક્તિને ના છોડશો.શું દુઃખ કે તકલીફ આવે તો આપણે ભોજન કરવાનું છોડી દઇએ છીએ? શું બિમારી આવે તો આપણે શ્વાસ લેવાનું છોડી દઇએ છીએ? તો પછી થોડીઘણી તકલીફો કે મુસીબતો આવે તો અમે ભક્તિ કરવાનું કેમ છોડી દઇએ છીએ? ક્યારેય બે ચીજોને ના છોડશો.ભોજન અને ભજન.ભોજન છોડી દઇશું તો જીવતા નહી રહીએ અને ભજન છોડી દઇશું તો અમે ક્યાંયના નહી રહીએ.અમારા જીવનમાં ભજન જ ભોજન બની જવું જોઇએ.જીવ પાપ અને પુણ્ય બંને લઈને આવે છે.પાપનું ફળ દુઃખ છે અને પુણ્યનું ફળ સુખ છે.જેથી જીવનમાં અડચણ તો આવે જ છે માટે એવો દૃઢ નિશ્ચય કરો કે ગમે તે અડચણ આવે પણ ભગવાનનું નામ ન છૂટે.અતિ દુઃખ કે અડચણ આવે તો પણ જીવ ભોજન ક્યાં છોડે છે? પ્રિયજનનું મૃત્યુ થયું હોય ત્યારે જમવું નથી..જમવું નથી એમ બોલે છે પણ બધાં લોકો જાય એટલે ચુપકીથી જમી લે છે.માનવ ભજન છોડે છે પણ ભોજન છોડતો નથી.
હરિ ભજનથી મન પવિત્ર થતાં જન્મ-મરણના ક્લેશ દૂર થાય છે અને ભક્તિના શિતળ જળથી સંસારના તાપ દૂર થાય છે.સંતો અમોને ચેતવણી આપે છે કે હે માનવ..ઉતાવળ કર,નહીં તો પાછળથી પસ્તાવું ૫ડશે.જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે ભજન થશે નહીં, આંખોની રોશની મંદ ૫ડશે, ૫ગ ડગમગાશે, કાનમાં બહેરાશ આવશે, દાંત તૂટી જશે,શરીર જર્જરીત બનશે માટે હે અભાગી..હમણાં જ હરિભજન કર..તેથી તારો બેડો પાર થઇ જાય.જ્યારે આ૫ણે સંસારનું કાર્ય છોડીને ભજનમાં લાગીએ ત્યારે સંસારની અનેક સારી અને ખરાબ સ્ફુરણાઓ ઉત્પન્ન થવા લાગે છે જેનાથી ગભરાવવું જોઇએ નહી.સંસારનું કાર્ય છોડતાં જ તક મળવાથી જૂના સંસ્કારો સ્ફુરણાના રૂ૫માં બહાર નીકળવા લાગે છે.શરીર સૃષ્ટિનો એક અંશ છે.જ્યાં સુધી શરીર પ્રત્યે મમતા રહે છે ત્યાં સુધી રાગ દ્વેષ થાય છે.સંતવાણી કહે છે કેઃ નારાયણ હરિ ભજનમેં યહ પાંચો ન સુહાત, વિષય ભોગ,નિન્દા ર્હંસી,જગત પ્રિતિ બહુ બાત..
રામચરીત માનસમાં કહ્યું છે કેઃ કહે હનુમંત વિ૫ત્તિ પ્રભુ સોઇ જબ તવ સુમિરણ ભજન ન હોઇ.. માયા એવી છે કે સુખ સંપત્તિમાં ભક્તિ કરવા દેતી નથી.માયા બે રીતે મારે છે.અનુકૂળ પરિસ્થિતિમાં વાસના વધે છે.પ્રતિકૂળ પરિસ્થિતિમાં મનુષ્ય હૈયું બાળે છે માટે ભજન માટે અનુકૂળ સમયની રાહ ના જુઓ.કોઈ પણ ક્ષણ ભજન માટે અનુકૂળ છે.કોઈ અડચણ ન રહે પછી ભક્તિ કરીશ એમ માનવું એ અજ્ઞાન છે.પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ભજન કેવી રીતે કરવું તે પ્રહલાદે જગતને બતાવ્યું અને અનુકૂળ પરિસ્થિતિ માં પણ જો મનુષ્ય સાવધ ના રહે તો તેનાથી ભજન કરી શકાતું નથી એ ભરતચરિત્રથી જાણવા મળે છે.
પ્રતિક્ષાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે રામાયણનું મહાન પાત્ર માતા શબરી.પ્રારબ્ધકર્મ પૂર્ણ થતાં ઋષિ મતંગ શરીર છોડીને પરમ ધામમાં જાય છે ત્યારે શબરી પણ સાથે જવા જીદ કરે છે ત્યારે મતંગ ઋષિ કહે છે કે બેટા શબરી ભગવાન રામ એક દિવસ આપણી ઝુંપડીએ આવશે.શબરીના જીવનમાંથી આપણે બે વાતો શિખવાની છેઃપોતાના ગુરૂના વચનો ઉપર વિશ્વાસ અને પ્રતિક્ષા.યુવાન શબરી વૃદ્ધ થઇ પણ તેની શ્રદ્ધા અને ગુરૂવચનમાં વિશ્વાસ અડગ રહ્યો.શબરીની પ્રતિક્ષા પુરી થઇ અને ભગવાન રામ ભ્રાતા લક્ષ્મણ સહિત માતા સીતાની શોધ દરમ્યાન મતંગ ઋષિના આશ્રમમાં આવે છે અને નવધા ભક્તિનું દાન આપી તેમને અમરતા પ્રદાન કરે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


