Gujarat

પ્રાકૃતિક કૃષિને જનઆંદોલન બનાવીએ ઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગર
ગુજરાતમાં ૩ લાખ, ૨૬ હજાર ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. લગભગ ચાર લાખ એકર ભૂમિમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. ૧૦ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને આહ્વાન આપ્યું છે કે, આઝાદીના અમૃત મહોત્સવમાં ગુજરાતના પ્રત્યેક ગામમાં ઓછામાં ઓછા ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે. આ લક્ષ્યની સિદ્ધિ માટે વધુ અસરકારક કામગીરી કરવા અને આ દિશામાં વિચાર-વિમર્શ કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજભવનમાં ઉચ્ચકક્ષાની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, નીતિ આયોગ, નવી દિલ્હીના કૃષિ ક્ષેત્રના વરિષ્ઠ સલાહકાર ડૉ. નીલમ પટેલ અને વરિષ્ઠ તજજ્ઞો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તજજ્ઞો અને વિષય નિષ્ણાતોની આ બેઠકને સંબોધન કરતાં કહ્યું હતું કે, સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ માટે સાનુકૂળ વાતાવરણ બની રહ્યું છે. ખેડૂતો પણ સમજીને સ્વીકારી રહ્યા છે કે ઓછા ખર્ચમાં, ઓછા પાણીએ થતી આ ખેતીથી કૃષિ ઉત્પાદન ઘટતું નથી. એટલું જ નહીં, જમીનની ફળદ્રુપતા પણ વધે છે. પ્રાકૃતિક કૃષિથી બીજું ખેડૂતનું હિત શું હોઈ શકે? આ વિષયને જનઆંદોલન બનાવવું પડશે અને આ દિશામાં ઝડપથી પ્રમાણિક પ્રયાસો કરવા પડશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના કૃષિ વિભાગ દ્વારા પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે. દેશી ગાયના નિભાવ માટે રાજ્ય સરકાર દ્વારા અપાતી માસિક રૂપિયા ૯૦૦ ની આર્થિક સહાયનો લાભ ૧ લાખ, ૮૪ હજારથી વધુ ખેડૂતો લઈ રહ્યા છે. ૧,૯૬૪ જેટલા પ્રશિક્ષકો અત્યારે ખેડૂતોને તાલીમ આપવાના અભિયાનમાં કામ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગ્રામ્ય કક્ષાએ ખેડૂતો માટે સઘન તાલીમ યોજાય અને જે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે અને તેના સારા પરિણામો મેળવ્યા છે એવા ખેડૂતો અન્ય ખેડૂતોને પ્રેક્ટીકલ તાલીમ આપે એવા અસરકારક તાલીમ અભિયાન માટે આયોજન કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકાર પ્રાકૃતિક કૃષિને વિશેષ મહત્વ આપે છે. વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્રમાં અને અગાઉના અંદાજપત્રોમાં પણ પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપતી જાેગવાઈઓનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટીઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો અને કિસાન સંગઠનો પણ આ દિશામાં શક્ય તમામ સહયોગ આપે. તેમણે ભારતીય કિસાન સંઘના સંમેલનો યોજવા અને કિસાનોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ બેઠકમાં ભાગ લેતાં કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધુ વિસ્તરે એ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તો રાજ્ય અને દેશના ખેડૂતોના સર્વાંગી હિતમાં પ્રાકૃતિક ખેતી માટે ખાસ અભિયાન ઉપાડ્યું છે. આ અભિયાનને વધુ વેગવાન બનાવવા કૃષિ વિભાગ સક્રિય યોગદાન આપી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા જ ગામેગામ ખેડૂતોને તાલીમ અપાય એ માટે ઝુંબેશ શરૂ કરાશે અને ગુજરાત પ્રાકૃતિક કૃષિમાં સમગ્ર દેશમાં ‘નંબર વન’ રાજ્ય બને એ દિશામાં પરિણામલક્ષી કામગીરી કરાશે. રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિનું મિશન ઉપાડ્યું છે એ માટે સહુ કોઈ પરસ્પરના સહયોગમાં, ખેડૂતોના હિતમાં નિષ્ઠાપૂર્વક કામ કરશે એમ પણ તેમણે કહ્યું હતું.
નીતિ આયોગ, નવી દિલ્હીના વરિષ્ઠ કૃષિ સલાહકાર ડૉ. નીલમ પટેલે આ બેઠકમાં ભાગ લેતાં કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતે આખા દેશમાં સૌથી શ્રેષ્ઠ અને અન્ય રાજ્યો માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. ગુજરાત પાસેથી પ્રેરણા લઈને ઉત્તરાખંડ રાજ્યએ પણ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ અપનાવ્યો છે. કેન્દ્ર સરકારના વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્રની જાેગવાઈઓ વિશે વિશેષ પ્રકાશ પાડતાં તેમણે કહ્યું કે, દેશની સ્વયં સહાયતા સંગઠનોની ૮૧ લાખ મહિલાઓને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદન, પ્રોસેસિંગ અને માર્કેટિંગના કામમાં જાેડવાનું આયોજન છે. પ્રાકૃતિક કૃષિમાં બાયો ઇનપુટ રિસર્ચ માટે દેશમાં ૧૦,૦૦૦ સેન્ટર માટે કેન્દ્ર સરકાર સહયોગ કરશે. પ્રધાનમંત્રી પ્રણામ મિશન અંતર્ગત વૈકલ્પિક ખાતર અંગે સંશોધન અને જમીનની ફળદ્રુપતા વધારવાનું અભિયાન હાથ ધરાશે. ગોબર આધારિત સીવીજી પ્લાન્ટની વ્યવસ્થાઓ વિશે પણ તેમણે જાણકારી આપી હતી. ભારત-જર્મનીના સંયુક્ત સંશોધન કાર્યક્રમમાં સક્રિયતાથી ભાગ લેવા તેમણે સૂચન કર્યું હતું અને કહ્યું હતું કે, સાથે મળીને ટીમવર્કથી કામ કરીને આપણે સૌ આ મિશનને આગળ વધારીએ.
કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીએ રાજ્ય સરકારે કરેલી કામગીરીની વિસ્તૃત વિગતોની જાણકારી આપી હતી. આ બેઠકમાં રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ રાજેશ માંજુ, ગુજરાત બાયોટેકનોલોજી મિશનના મિશન ડાયરેક્ટર ગાર્ગી જૈન, આત્માના ડાયરેક્ટર એચ. કે. વઢવાણીયા, ખાસ ફરજ પરના અધિકારી દિનેશભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ જગમલભાઈ આર્ય, સેક્રેટરી રમેશભાઈ પટેલ, ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલર્સ, તજજ્ઞો અને ખેડૂત આગેવાનોએ ઉપસ્થિત રહીને ચર્ચામાં સક્રિય ભાગ લીધો હતો.

File-02-Photo-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *