પ્રેમની ભાષા સર્વોત્તમ ભાષા છે.પ્રેમની ભાવના મનુષ્યને ક્યારેય હારવા દેતી નથી અને ઘૃણાની ભાવના ક્યારેય જીતવા દેતી નથી.વડીલોનું કહેવું છે કે ગુસ્સો મૂર્ખતાથી શરૂ થાય છે અને પસ્તાવાથી પુરો થાય છે.આપણા જીવનમાં ખુશીઓ આપનાર ભલે આપણા પોતાના ન હોય પરંતુ દર્દ આપનાર હંમેશાં અમારા પોતાના જ હોય છે. દુઃખ ભોગવનાર આગળ જઇને સુખી થઇ શકે છે પરંતુ દુઃખ આપનાર ક્યારેય સુખી થતો નથી.મોટાઓ સાથે વાત કરવાની રીત માણસની સભ્યતા બતાવે છે અને પોતાનાઓથી નાનાઓ સાથે વાત કરવાની રીત તેના ઉછેર અને સંસ્કાર બતાવે છે.જો કે વર્તમાન સમયમાં બધું બદલાઇ ગયું છે,પહેલાના જમાનામાં ઉંમરમાં મોટા હોય તેનું સન્માન થતું અને અત્યારે જેની પાસે વધુ ધન છે તેનું સન્માન થાય છે પરંતુ એ નક્કી છે કે પૈસા ફક્ત હેસિયત બદલી શકે છે પરંતુ ઓકાત બદલી શકતા નથી.જ્યાંથી અમારો સ્વાર્થ પુરો થાય છે ત્યાંથી અમારી માનવતાની શરૂઆત થાય છે.
પ્રેમ અને આનંદનું ઉદગમસ્થાન આત્મા છે.આત્માને પરમાત્મા સાથે જોડવાથી જ અપરીમિત અને સ્થાઇ આનંદ પ્રાપ્ત થાય છે.પ્રેમનું આધ્યાત્મિક સ્વરૂપ એ છે કે આત્માનો આધાર પરમાત્માને બનાવવામાં આવે.ચેતન અને અજર-અમર આત્માનું અવલંબન સચ્ચિદાનંદ પરમાત્મા છે એટલે જડ પદાર્થો,ભૌતિક વસ્તુઓમાંથી ચિત્તને હટાવીને પરમાત્મામાં લગાવીએ.આજનો માનવ સુખ-શાંતિ પ્રાપ્ત કરવા માટે સંસારની જડવસ્તુઓ અને ચેતન પ્રાણીઓની સાથે પ્રેમ કરે છે જેનાથી તેને થોડું ઘણું સુખ મળે છે પરંતુ આ જડ વસ્તુઓ અને ચેતન પ્રાણીઓથી મળતું સુખ સ્થાઇ નહી પરંતુ ક્ષણિક હોય છે પરંતુ જો ઇશ્વર સાથે પ્રેમ કરીશું તો કાયમી સુખ પ્રાપ્ત થઇ શકશે.
જે ભૌતિક માયા સાથે નહી પરંતુ પ્રભુને પ્રેમ કરે છે તે જ સાચા સંત છે.ક્યારેય જાતિ-પાંતિ-વર્ણ વગેરેના આધારે કોઇને નાના-મોટા ન માનવા.કોઇ નાનું નથી કે કોઇ મોટું નથી તમામ એક જ ઇશ્વરના સંતાન છે.જીવનમાં સુખ..શાંતિ..આનંદ અને પ્રેમ ઇચ્છતા હો તો પ્રભુ ૫રમાત્મા સાથે સબંધ જોડવો ૫ડશે.જે આત્મા ૫રમાત્માનું જ્ઞાન મેળવી તેની સાથે જોડાઇ ગયા તેમને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે.જે પ્રભુના બનાવેલ માનવોની સાથે પ્રેમ કરે છે તે જ સાચા અર્થમાં પ્રભુની સાથે પ્રેમ કરે છે. ભક્તજનો તપ અને ત્યાગની ભાવનાથી,વિનમ્રતા અને નિર્મલતાના ભાવમાં રહી પ્રેમને જ મહત્તા આપે છે.
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા(પંચમહાલ)


