રાજ્યના બજેટ સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે રમત-ગમત વિભાગ હેઠળની ઇનસ્કૂલ શાળાઓ અંગે કેટલીક મહત્વપૂર્ણ વિગતો રજૂ કરવામાં આવી હતી. આ વિગતોમાં દર્શાવ્યા અનુસાર જૂનાગઢ જિલ્લામાં તા.૩૧-૧૨-૨૦૨૨ સ્થિતિએ કુલ ૧૧ ઇનસ્કૂલ શાળાઓ કાર્યરત છે. આ ઇનસ્કૂલ શાળાઓમાં ૨૨ જેટલી વિવિધ રમતોની તાલીમ આપવામાં આવે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન આ ૧૧ શાળાઓમાં કુલ ૮૨૬૮ ખેલાડીઓને તાલીમ આપવામાં આવી છે. જેના માટે રાજ્ય સરકરા દ્વારા કુલ રૂ. 6.૬૭ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના રમત-ગમત વિભાગ હેઠળ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યભરની ૨૩૯ જેટલી શાળાઓમાં વિવિધ રમતો માટે ‘ઇનસ્કૂલ પ્રોજેક્ટ’ અમલમાં મૂક્યો છે. જેનો અત્યારસુધીમાં રાજ્યના ૧.૨૫ લાખ જેટલા વિધાર્થીઓએ લાભ લીધો છે. આ પ્રોજેક્ટ હેઠળ રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને શાળા જીવન દરમિયાન જ શિક્ષણની સાથે રમત-ગમતની વૈજ્ઞાનિક ઢબે યોગ્ય તાલીમ આપવામાં આવે છે. જેથી તેમની પ્રતિભા બહાર આવે અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્ય અને દેશનું નામ ઉજાગર કરી શકે.
