Gujarat

બનાસકાંઠા કલેકટર વરૂણકુમાર બરનવાલના હસ્તે પક્ષીઓના માળા અને કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું

*બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા દરેક તાલુકા મથકે કાર્યક્રમ યોજી ૫૦૦૦ જેટલાં પક્ષીઘર-કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે*
          ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે સમગ્ર જીવસૃષ્ટિ ગરમી અને તરસનો અહેસાસ કરી રહી છે. આ પરિસ્થિતિમાં અબોલ પંખીઓને ઉનાળામાં દાણો પાણી મળી રહે એ માટે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, S.P.C.A દ્વારા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના હસ્તે  પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આજરોજ ચકલીઘર, પાણીના  કુંડા, અને બર્ડ ફીડરનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલે હોમગાર્ડસની બહેનો, કલેક્ટર કચેરીના સફાઈ કર્મચારીઓ, જીવદયા પ્રેમીઓ અને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો સહિત ઉપસ્થિત સૌને પ્લાસ્ટિક તેમજ માટીના પાણીના કુંડા, ચકલી ઘર અને માળાનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. આ પ્રસંગે કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલે S.P.C.Aના સભ્યોની પ્રવૃત્તિને બિરદાવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ નાગરિકોને આ સેવાકીય કાર્યમાં સહભાગી બનવા અને યોગદાન આપવા અપીલ કરતા પક્ષીઘર અને માળાનો સદઉપયોગ કરવા જણાવ્યું હતું.
            પક્ષીઘર અને માળા લઈ જનાર તમામ નાગરિકોને અબોલ જીવો પ્રત્યે સંવેદના દાખવવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવતાં S.P.C.A ના સેક્રેટરી ડૉ. ગણેશભાઈ પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષે પક્ષીઓ માટે માળા અને કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાના કાર્યક્રમનો કલેક્ટરશ્રીના હસ્તે શુભારંભ કરી જિલ્લાના દરેક તાલુકા મથકે આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમો થકી અંદાજે ૫૦૦૦ જેટલાં માળા- પક્ષીઘર- કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, S.P.C.A દ્વારા દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં પક્ષીઓ માટે માળા, પાણીના કુંડાનું છેલ્લા ૧૩ વર્ષ થી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
           આ પ્રસંગે S.P.C.A ના ઉપપ્રમુખશ્રી જયંતીભાઈ દોશી, નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. જગદીશભાઈ મજેઠીયા સહિત સંસ્થાના સભ્યશ્રીઓ ગૌતમ શાહ, પ્રફુલ શાહ, હાર્દિક જોશી, વિપુલ જોશી, ગોવિંદ રાજપૂત, હરેશ ભાટિયા સહિતના સભ્યો અને જીવદયા પ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230410-WA0070.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *