Gujarat

બહાઉદ્દીન આર્ટસ કોલેજ અને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી કોન્ફરન્સમાં સંશોધન કરતા અભ્યાસુ વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં અધ્યાપકો ઉપસ્થિત રહ્યા

જૂનાગઢની ઐતિહાસિક બહાઉદીન સરકારી આર્ટસ કોલેજ અને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે ભાવનગરના આયુધ પબ્લિકેશનના સહકારથી યોજાયેલી એક દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ના ઉદ્ઘાટન સમારોહમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સૌને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, ભીતરના આનંદને- સંતોષને જીવંત રાખે તે શ્રેષ્ઠ જ્ઞાન છે. બહુજન હિતાય બહુજન સુખાયની ભાવનાથી થતુ સંશોધન સાર્થક થતું હોય છે તેમ જણાવીને સુખની બદલાતી જતી પરિભાષા વચ્ચે માણસને આઠેય પહોર આનંદમાં રાખે તેવી શૈલી પદ્ધતિ અને સંશોધનો આજના સમયની જરૂરિયાત છે તેમ સ્પષ્ટ કહ્યું હતું.

        જે ત્યાગે તે ભોગવે અને કરેલું કર્મ ફોગટ જતું નથી કેમ જણાવીને મંત્રી શ્રી એ સ્વને ઓળખવાની આંતરદ્રષ્ટિ કેળવવા તેમજ બહારથી ગમે તેટલું જ્ઞાન આપવામાં આવે સમજાવવામાં આવે પણ  જ્યાં સુધી વ્યક્તિનું પોતાનું જીવન ન કેળવાય અને અથાગ પરિશ્રમ ન કરે ત્યાં સુધી સફળતા મળતી નથી તેમ જણાવીને મંત્રીશ્રીએ આદર્શ માનવ જીવન માટે સર્વના કલ્યાણ માટેના બીજાને ઉપયોગી થવા માટે હાથ ધરવામાં આવેલા સંશોધનો અને તે માટેના લેખકોને અભિનંદન આપી કોન્ફરન્સમાં જોડાયેલા અભ્યાસુઓને બિરદાવ્યા હતા.

ભૌતિક સિદ્ધાંતો પૃથ્વી અને બીજા ગ્રહો પર બદલાતા રહે છે પરંતુ લાગણીઓ બદલાતી નથી. સુખ અને આનંદ દ્રષ્ટિકોણ આધારિત હોય છે તેમ જણાવીને મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભકામના પાઠવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર કલ્યાણ અને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી સૌના વિકાસ માટે થઈ રહેલા પ્રયાસો ના આપણે સૌ વાહક બનીએ તેમ પણ તેઓએ જણાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બહાઉદ્દીન આર્ટસ કોલેજની ભવ્ય ઈમારત ૧૨૩ વર્ષ જૂની છે અને અહીંનું બાંધકામએ પણ એક સંશોધન જ છે તેમ જણાવીને આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં જેમણે ભાગ લીધો છે, તેવા અભ્યાસુઓ તેમજ સંશોધકો અને તેજસ્વી વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.

આ કોન્ફરન્સના પ્રારંભે બહાઉદીન સરકારી આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ પી.વી. બારસીયાએ સૌનું સ્વાગત કરી આ ઐતિહાસિક કોલેજમાં આપવામાં આવી રહેલા જીવનલક્ષી શિક્ષણ અને વિદ્યાર્થીઓની કેળવણી માટેના પ્રયાસો તેમજ  પ્રોત્સાહન આપવા થઈ રહેલી પ્રવૃત્તિની માહિતી આપી શિક્ષણ મંત્રીશ્રી દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન અને તેમની ઉપસ્થિતિ અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના પ્રધ્યાપક શ્રી જે. એસ. ઉપાધ્યાયે આભાર વિધિ કરી હતી.

        આ પ્રસંગે મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર, નાયબ મેયર શ્રી ગિરીશ કોટેચા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વી. પી. ચોવટિયા, બહાઉદીન સાયન્સ કોલેજ આચાર્ય શ્રી આર.પી. ભટ્ટ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વાઢેર, માર્ગ મકાન વિભાગના શ્રી ગોસ્વામી,  શ્રી ભરત સોજીત્રા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

min-shree-at-jnd-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *